Last Modified: મંગળવાર, 11 નવેમ્બર 2014 (17:38 IST)
પુરુષો પણ વખાણથી ગળગળા થઇ જાય છે
પ્રશંસા કોને પ્યારી ન હોય! પ્રભુને પણ પ્યારી લાગે છે. બાળકથી માંડીને મોટા સુધી સહુને વખાણ સાંભળવા ગમે છે અને એમાંય વાત જયારે પુરુષોની હોય, તો સ્વભાવથી ભલે તેઓ કઠોર હોય છે. પરંતુ તેઓના મનમાં પણ કોમળ, ઋજુ ભાવના છુપાયેલી હોય છે અને તેઓને પોતાની પ્રશંસા સાંભળતાં જ દિલ જોરથી ધડકવા લાગે છે અને મન બાગબાગ થઈ જાય છે. પુરુષોને કેવા પ્રકારની પ્રશંસા સાંભળવી ગમે છે... આવો, જાણીએ.
‘આજે તમે બહુ સ્માર્ટ લાગો છો.’ લુકસની પ્રશંસા સ્ત્રીઓને જ નહીં, પુરુષોને પણ ગમે છે. એના ડેશિંગ લુકસ, હેર સ્ટાઈલ, બ્રેન્ડેડ જૂતાં અને ઘડિયાળોથી લઈને મળેલી કોઈપણ કોમ્પ્લિમેન્ટ પુરુષોને બેહદ ગમે છે. કપડાંની શોપિંગ કે એક્સેસરીઝ ખરીદવામાં કોઈ તેનો સહયોગ માગે તો તેને બહુ ગમે છે.
‘તમે બહુ સર્પોટિવ છો.’ બીજાનું ધ્યાન રાખવું! સહયોગીઓની સાથે મળી કામ કરવું, હંમેશાં બધાની મદદ કરવી વગેરે પૌરુષ - પુરુષત્વની નિશાની છે અને એવા કોમ્પ્લિમેન્ટ્સ જો પુરુષોની તેની સાથે કામ કરતાં પુરુષ સહકર્મીઓ પાસેથી મળે તો તેઓને ખૂબ સારું લાગે છે. પરંતુ સ્ત્રીઓ જો આ કોમ્પ્લિમેન્ટ્સ આપે તો પુરુષોની છાતી ગર્વથી ફુલાઈ જાય છે.
‘તમારી સેન્સ ઑફ હ્યુમર બહુ સારી છે.’ હાજર જવાબી, ખુશમિજાજ, ચતુર - ચાલાક પુરુષ કોઈને પણ આકર્ષિત કરી શકે છે અને આવા પુરુષો મહેફિલની શાન હોય છે અને આવા પુરુષોને જયારે આવી કોમ્પ્લીમેન્ટ્સ જો ઓળખીતા - પાળખીતા તરફથી મળે તો પુરુષ ગદ્ગદ્ થઈ જાય છે.
‘તમે લવિંગ અને કેરિંગ છો.’ પત્ની, બાળકો, ફ્રેન્ડસ અથવા કલીગ પુરુષને લવિંગ અને કેરિંગ કહે તો તેઓનું આત્મબળ વધી જાય છે. પોતાના પરિવાર માટે તે જે કંઈ પણ કરે છે, જો ઘરના સભ્ય તેને કેરિંગ માની તેની પ્રશંસા કરે તો બસ આટલું જ કાફી છે. પુરુષ તેના માટે જીવ પણ ન્યોછાવર કરી શકે છે.
‘તમે તમારા કામમાં માહેર છો.’ પોતાના વર્કફિલ્ડમાં જો પુરુષને તેનો બોસ, કલીગ અથવા સિનિયર ‘એક્સલેન્ટ’ કહી દે અથવા તેના કામના પ્રયાસોની પ્રશંસા કરે તો તે સાંભળી પુરુષ પ્રફુલ્લિત થઈ જાય છે. તેના કામની આવી પ્રશંસાથી તેનો આત્મવિશ્ર્વાસ વધી જાય છે.
‘તમે ખરેખર બહુ ટેલેંટેડ છો’ નોકરી, ધંધો કે તેના કામની અતિરિક્ત જો કોઈ ગુણ તેનામાં છે અને તેમાં તે પરફેકટ છે એવું જાણી તેની તારીફ કરે તો તેને બહુ સારું લાગે છે. તેને થાય છે કે તેના કામની કદર થઈ રહી છે. સમાજસેવા, ગાયન, વાદન - લેખન, રમતગમત વગેરે કોઈપણ ક્ષેત્રમાં તેની પ્રતિભાની નોંધ ન માત્ર પુરુષોને ખુશી આપે છે, પરંતુ તેને વધુ સારું કરવા માટે પ્રોત્સાહિત પણ કરે છે.
‘આજે તમે બહુ મસ્ત લાગો છો.’ સ્ત્રીઓની તરફથી અને એમાંય ખાસ ગર્લફ્રેન્ડ તરફથી મળેલી આ કોમ્પ્લિમેન્ટ પુરુષોને લાંબો વખત સુધી ખુશ રાખી શકે છે. આજના જમાનામાં તેના કલીગ તરફથી પણ જો આ તારીફ સાંભળવા મળે તો પુરુષ બેહદ ખુશ થઈ જાય છે.
‘તમે તમારી ઉંમરથી નાના લાગો છો.’ સ્ત્રીઓને તો આવી પ્રશંસા ગમતી જ હોય છે, પરંતુ પુરુષોને પણ તેની ઉંમરથી નાના લાગવું સારું લાગે છે અને આ કોમ્પ્લિમેન્ટ જો મહિલાઓ તરફથી મળે તો ‘સોને પે સુહાગા’ વાહ! કયા બાત હૈ!
‘તમને ઘણા લોકો પસંદ કરે છે.’ આવી પ્રશંસાથી તે વ્યક્તિ કેટલી પ્રસિદ્ધ છે, ચહિતી અને માનીતી છે એ દર્શાવે છે. પુરુષોને આવી વાત બહુ પસંદ પડે છે તેનો કોન્ફિડેન્સ્ વધી જાય છે અને કામ કરવાની શક્તિ બમણી બની જાય છે.
‘તમે બહુ ટેકનોસેવી છો’ આજના જમાનામાં એક વધારાની ટેલેન્ટ છે. ગેજેટ્સ પર માસ્ટરી, જયારે પુરુષ કમ્પ્યુટર, લેટેસ્ટ એપ્લિકેશન્સ, કેમેરા, મોબાઈલની બાબતમાં અચૂક કોમ્પ્લિમેન્ટ મેળવે છે. તો તેનાથી તેને સ્માર્ટ અને ફિટ ફીલ થાય છે. તેની કાર્યશક્તિ નીખરે છે.
‘તમે વિશ્ર્વાસપાત્ર છો’ આવી પ્રશંસા કોઈપણ પુરુષને બેહદ ગમે છે. તેને થાય છે કે લોકો તેના પર વિશ્ર્વાસ કરે છે. પછી ભલે બાબત ચરિત્રની હોય કે કામની, પૈસાની હોય કે સંબંધો નિભાવવાની હોય કે સહયોગ આપવાની હોય.
‘તમે બહુ કૂલ છો. કૂલ ગણાવું આજના જનામામાં કોમ્પ્લિમેન્ટ છે. એ સ્માર્ટનેસ ને ધીરજ દર્શાવે છે. ઘર, વર્કપ્લેસ કે કોઈ પબ્લિક પ્લેસમાં જો તમે કૂલ કહેવાવ છો, તો તેનો મતલબ એ કે તમારામાં કોઈ ખાસ વાત છે. પત્ની જો એકાંતમાં પતિની તારીફ કરે તો તેને બહુ સારું લાગે છે.
પ્રશંસા તો દરેક રૂપમાં સારી લાગે છે અને દિલ ખોલીને નિખાલસતાથી કરવી પણ જોઈએ. પુરુષો/ મહિલાઓ તરફથી મળેલી કોમ્પ્લિમેન્ટ્સથી ગળગળા થઈ જાય છે અને તેને લાંબો સમય સુધી યાદ રાખે છે. તેના કામ, હુન્નર, કલા કે ખાસ પ્રકારની સરાહના પુરુષોમાં સ્ફૂર્તિ ને તાજગી બક્ષે છે. દેખાવમાં કઠોર, રફ એન્ડ ટફ હોય એવા પુરુષો પર પણ પ્રશંસા જાદુઈ અસર કરે છે. તો પછી આજથી તમે કરો તેની દિલ ખોલીને તારીફ... પ્રશંસા.... વખાણ...