રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (15:21 IST)

આરોગ્ય સલાહ - દશેરાના દિવસે ફાફડાં જલેબી ખાતા પહેલા આટલુ ધ્યાન રાખજો

દશેરા પર ખવાતાં ફાફડા અને જલેબીમાં પોષક તત્‍વો તો દૂરની વાત છે, પણ નુકસાન કરતાં ટોક્‍સિન વધારે હોવાની પૂરેપુરી સંભાવના ફૂડ એન્‍ડ ન્‍યુટ્રિશનના નિષ્‍ણાતોએ વ્‍યક્‍ત કરી છે. ફાફડા અને જલેબીને માત્ર સ્‍વાદની લિજજત માણવા માટે ટેસ્‍ટ કરાય તો વાંધો નથી, પણ લંચ અને ડિનરના ભોગે તો ખાવા હેલ્‍થ માટે જોખમી છે. વર્ષમાં એકાદ વાર ખાતા હોઇએ ત્‍યારે વધુમાં વધુ ૫૦ ગ્રામ ફાફડા અને ૨૫ ગ્રામ જલેબી ખાવી હિતાવહ છે. બ્‍લડપ્રેશર, હાર્ટ કે કોલેસ્‍ટેરોલના દર્દીઓએ ફાફડા-જલેબીથી દૂર જ રહેવું જોઈએ, 
 
  ફાફડા ચણાના લોટમાંથી બનતા હોવાથી તેમાં થોડી માત્રામાં કેલરી અને પ્રોટિનનું પ્રમાણ હોય છે, જયારે વિટામિન અને મિનરલ્‍સ નહિંવત હોય છે. ફાફડા અને જલેબી ખાતા હોઇ ત્‍યારે તેનાંથી થતાં નુકસાનથી બચવા સાથે ફ્રેશ ફ્રૂટ ખાવું જોઇએ. ફાફડા વાસી તેલમાંથી બન્‍યાં હોય તો તેમાં ટોક્‍સિન તત્‍વ વધતાં તે નુકસાન કરવાનું શરુ કરે છે, જયારે જલેબીમાં તો કોઇ જાતનાં પોષક તત્‍વો હોતાં નથી, તેથી જલેબી ખાવાથી શરીરને કોઇ ફાયદો થતો નથી, માત્ર કંઇક અંશે ગ્‍લુકોઝ જતાં શક્‍તિ જેવું લાગે છે.
 
   ફાફડાના તેલમાં દસથી વધુ ઘાણ નાખવામાં આવે તો તેલમાં રહેલાં સારાં તત્‍વો ટોક્‍સિનમાં ફેરવાતાં નુકસાન કરવાની શરુઆત થાય છે. એકનું એક તેલ એસિડિટિઝ, કોલેસ્‍ટેરોલ તેમજ ફેટી લીવરના પેશન્‍ટ માટે ઘણું નુકસાનદાયક છે. આ પ્રકારનું તેલ શરીરના કોષોની દીવાલને પણ નુકસાન કરે છે. કપાસિયા, રાયડા કે અન્‍ય તેલનો તો માત્ર પાંચથી છ જ વાર તળવા માટે ઉપયોગ થવો જોઇએ.
 
   જલેબીથી નુકસાન કેમ ? -   મેંદા અને ખાંડમાંથી બનતી જલેબીમાં ન્‍યુટ્રિશન તત્‍વો હોતા નથી. ઘીમાં તળવામાં આવતાં તેમાં નુકસાન કરતાં ફેટનું પ્રમાણ વધે છે. વનસ્‍પતિ ઘીમાંથી બનાવવામાં આવે તો નુકસાનનું પ્રમાણ ઘણું વધી જાય છે. કોલેસ્‍ટેરોલનો ઘણો વધારો કરતી જલેબીમાં ફૂગ લાગવાની શક્‍યતા રહેતી હોવાથી તેને હંમેશા ચેક કર્યા બાદ જ ખાવી. જલેબી બનાવવા માટે વપરાતું કપડું જો અસ્‍વચ્‍છ હોય તો અનેક રોગોનું ઘર બની શકે તેમ છે. આર્ટિફિશ્‍યલ કલર તેમજ કેસર ઘણું નુકસાન કરી શકે છે.
 
   ફાફડા જલેબી ખરીદતા વખતે ધ્યાનમાં રાખો -   ફાફડા અને જલેબી પ્‍લાસ્‍ટિકની બેગમાં પેક હોય તો ઉત્‍પાદનની તારીખ અને એક્‍સપાયરી ડેટ વેપારીને પૂછવી. ફાફડા અને જલેબી ક્‍યાં તૈયાર કરવામાં આવ્‍યા તેની કાયદેસર જાણકારી લખવી જરુરી છે, આમ છતાં ના લખી હોય તેવા સંજોગોમાં ઉત્‍પાદન સ્‍થળની માહિતી પણ ગ્રાહકે માગવી જોઈએ. ઘણા બધા પ્રોડક્ટ એવા હોય છે જે વેચાતા હશે મોટી મોટી દુકાનોમાં પણ તે ઘણીવાર ઝૂંપડપટ્ટી જેવા સ્થાનો પર બને છે જ્યા સ્વચ્છતાનું બિલકુલ ધ્યાન રાખવામાં આવતુ નથી.