ગુરુવાર, 7 ઑગસ્ટ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 23 ઑક્ટોબર 2015 (14:42 IST)

બિમારી થેલેસેમીયા અને તેની સારવાર વિશે સંપૂર્ણ માહિતી

થેલેસેમીયા. બિમારી  થેલેસેમીયા
તાજેતરમાં થેલેસેમીયા દિવસ ઉજવાયો. થેલેસેમીયા નાબૂદી માટે સૌ કોઇએ સંકલ્પ કર્યો પણ સંકલ્પ ખરા અર્થમાં ત્યારે જ સાર્થક થાય જ્યારે યુવક-યુવતીના લગ્ન પૂર્વ જન્મકુંડળીની સાથે રકતકુંડળીને મેચ કરવામાં આવે. ‘થેલેસેમીયા’નાં રાક્ષસને દહન કરવા જ્ઞાતિ, સંસ્થાઓએ ઝુંબેશ  કરેલી છે. આ ઝુંબેશને સફળ બનાવવા સમાજનો સહયોગ પણ અનિવાર્ય છે. ‘આજકાલ હેલ્થ અવરનેસ’ કોલમમાં આજે થેલેસેમીયા અને તેની સારવાર વિશે સંપૂર્ણ માહિતી ડો.ભટ્ટ પેથોલોજી લેબોરેટરીનાં ડો. પ્રત્યુષ પરમાર આપશે. 
 

થેલેસેમીયા શું છે ? 
 
થેલેસેમીયા લોહીની એક પ્રકારની વિલક્ષણતા છે જે ખાસ કરીને એક પેઢીના અસરગ્રસ્ત માણસો દ્વારા બીજી પેઢીમાં આવે છે. થેલેસેમીયા બે પ્રકારે જોવા મળે છે. 
 
થેલેસેમીયા માઇનર-ટ્રેઇટ
 
થેલેસેમીયા માઇનર-ટ્રેઇટવાળા માણસો સંપૂર્ણ રીતે તંદુરસ્ત તેમજ સામાન્ય હોય છે પરંતુ પોતાના બાળકોને થેલેસેમીયા મેજર વારસામાં આપી શકે છે. તેમને થેલેસેમીયાના તંદુરસ્ત વાહકો તરીકે ઓળખવામાં આવે છે.
જો માતા-પિતામાંથી એક સામાન્ય હોય અને બીજાને થેલેસેમીયા હોય તો દરેક ગભર્વિસ્થાથી થેલેસેમીયા માઇનર બાળક હોવાની શકયતા પ0 ટકા છે પણ કોઇ પણ સંજોગોમાં બાળકને થેલેસેમીયા મેજર નહીં હોય.
જો માતા-પિતા બન્નેને થેલેસેમીયા માઇનર હોય તો દરેક ગભર્વિસ્થામાં બાળક થેલેસેમીયા મેજર હોવાની શકયતા 25 ટકા છે. દરેક ગભર્વિસ્થામાં બાળક થેલેસેમીયા મેજર હોવાની શકયતા 50 ટકા છે. દરેક ગભર્વિસ્થાથી બાળક સામાન્ય હોવાની શકયતા 25 ટકા છે.
 
થેલેસેમીયા મેજર
 
થેલેસેમીયા મેજર એ લોહીની એક ગંભીર બિમારી છે જે બહુ નાની ઉંમરમાં થઇ જાય છે. થેલેસેમીયા મેજર બાળકોમાં લોહીમાં પુરતી માત્રામાં હિમોગ્લોબીન બનતું નથી. આથી તેઓને અવારનવાર લોહી ચડાવવું પડે છે અને ઉપચારથી જર પડે છે. દર વર્ષે દુનિયામાં લગભગ એક લાખથી વધુ બાળકો થેલેસેમીયા મેજર લઇને જન્મે છે.
 
થેલેસેમીયા મેજર સાથે જન્મેલું બાળક જન્મ સમયે સામાન્ય હોય છે. થોડાક મહિનામાં બાળક હિમોગ્લોબીન, જે લોહીનો મુખ્ય ભાગ છે તેની ઉણપથી ફીકું પડી જાય છે. બાળક અતીશય રડે છે, ચીડીયું થઇ જાય છે, વારંવાર તાવ, શરદી અને ખાંસીના હમલા થાય છે. બાળકની પાચનશક્તિ નબળી હોય છે. વારંવાર ઝાડા-ઉલટી થાય છે. લોહી વધે તેવા ટોનીકસ કે ઇન્જેકશન્સ પણ મદદ કરતા નથી અને બાળક વધુ ને વધુ ફીકું પડતુ જાય છે. આ રોગનું નિદાન કરવા એચબીએ-2ની તપાસ કરવાની આવશ્યતા છે. જો બાળકને થેલેસેમીયા માઇનોર હોય તો તેનું એચબીએ-2 સામાન્ય કરતા વધુ હોય છે અને જો થેલેસેમીયા મેજર હોય, તો તેના લોહીમાં એચબીએફ વધારે હોય છે.
 
થેલેસેમીયા મેજરનો ઉપાય છે ?
 
થેલેસેમીયા મેજરનો ઉપાય બ્લડ ટ્રાન્સફયુઝન છે અને તેવા બાળકને જીવનભર લોહી ચઢાવવું પડે છે. દર 15-30 દિવસે તેમને લોહીની જર પડે છે. વારંવાર લોહી ચઢાવવાથી શરીરના અગત્યના અંગો જેવા કે હૃદય, પેનક્રીયાઝ, કિડની અને ઇન્ડોક્રાઇન ગ્રંથીઓમાં લોહતત્વ જમા થાય છે. 
 
આવા વધારાના લોહતત્વને દૂર કરવા તથા બાળકને તેની આડઅસરથી બચાવવા કે લોહતત્વનો ભરાવો અટકાવવા અને ચોકકસ લોહતત્વને દૂર કરવા માટેના ઇન્જેકશન્સ ખૂબ જ ખર્ચાળ તેમજ સામાન્ય માણસની પહોંચ બહાર હોય છે. થેલેસેમીયા મેજરવાળા બાળકના ઉપચારોનો કુલ ખર્ચ મહિને 1400થી 14,000 આવે છે. ખર્ચ ઉપરાંત બાળક તેમજ માતા-પિતાએ માનસિક તાણ અને શારીરિક તકલીફોમાંથી પસાર થવું પડે છે. વારંવાર લોહી ચઢાવ્યા પછી પણ થેલેસેમીયા મેજરવાળુ બાળક જીવનના બીજા દસકાના અંત સુધીમાં મુત્યુ પામે છે છતાં, વધારાના લોહતત્વને દૂર કરવાની દવાઓ આપવાથી બાળકનું જીવન થોડા વધુ સમય માટે લંબાવી શકાય છે. 
 
બાળકના પોતાના ભાઇ-બહેનના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન એ પણ એક ઉપચાર પદ્ધતિ છે. પણ તેનો ખર્ચો લગભગ ા. 5થી 10 લાખ કે તેથી વધુ થાય છે.
 
થેલેસેમીયા મેજર કેવી રીતે અટકાવી શકાય ? 
 
સગાઇ-લગ્ન પહેલા થેલેસેમીયાની તપાસ કરવી જરી છે. આ બાબતમાં સરળ રીતે સમજવા માટે આપણે ત્રણ પ્રકારના દંપતી વિશે વિચાર કરીશું 
 
1) જો માતા-પિતા બન્ને સામાન્ય હોય તો તેમના બાળકો થેલેસેમીયા માઇનર કે મેજર નહીં થાય. તેમના બાળકો એકદમ સામાન્ય હશે.
 
2) જો માતા-પિતામાંથી કોઇ એક થેલેસેમીયા માઇનર હોય, તો તેમને ત્યાં 50 ટકા બાળકો સામાન્ય અને 50 ટકા બાળકો થેલેસેમીયા માઇનર જન્મી શકે છે.
 
3) જો માતા-પિતા બન્ને થેલેસેમીયા માઇનર હોય, તો તમને ત્યાં 25 ટકા બાળકો સામાન્ય, 50 ટકા બાળકો થેલેસેમીયા માઇનર અને 25 ટકા બાળકો થેલેસેમીયા મેજર થવાની શકયતા રહેલી છે.
 
એવું પણ નથી કે એક બાળક થેલેસેમીયા મેજર આવ્યું તો બીજુ બાળક સામાન્ય અને તંદુરસ્ત જ આવશે. કુદરત પાસે આવો કોઇ નિયમ નથી. એક બાળક થેલેસેમીયા મેજર જુમ્યું તોએ પછીના જેટલા બાળકો થાય એ તમામ થેલેસેમીયા મેજર હોય એવું પણ બને !
 
થેલેસેમીયા તપાસ માટે જરૂરી એચપીએલસી પરીક્ષણ
 
થેલેસેમીયા પરીક્ષણ પધ્ધતિ કેટાયન એકચેંજ હાઇ પર્ફોર્મન્સ લિકવીડ ક્રોમેટ્રોગ્રાફી(એચપીએલસી)ના સિધ્ધાંત પર કાર્ય કરે છે. જેનાં લોહીનું સેમ્પલ લેવામાં આવે છે. જેનું પરીક્ષણ એચપીએલસી મશીનમાં થાય છે. તેના પરથી પેથોલોજીસ્ટ ટેસ્ટનું રીઝલ્ટ આપે છે. 
 
ગભર્વિસ્થા દરમિયાન પણ થેલેસેમીયાનું નિદાન શકય છે. તે માટે કોરિયોનિક વીલસ અથવા એમ્નીઓટિક ફલ્યુઇડ ડીએનએના અભ્યાસથી શકય છે. આ તપાસ ગભર્વિસ્થાના 10 કે 14 અઠવાડિયે થઇ શકે છે. 
 
આથી જ સગાઇ પહેલા યુવક-યુવતીની જન્મકુંડળી મેળવવા કરતા બન્નેનું થેલેસેમીયા પરીક્ષણ કરાવવું વધુ આવશ્યક છે. જે સમગ્ર કુટુંબના હિતમાં છે.
 
થેલેસેમીયા માઇનર કદીયે થેલેસેમીયા મેજરમાં ફેરવાતો નથી.
પ્રથમ થેલેસેમીયા પરીક્ષણ.. પછી જ સગાઇ...