બુધવાર, 12 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શનિવાર, 6 સપ્ટેમ્બર 2025 (09:04 IST)

ભારત અને રશિયાને અમે ચીનના હાથે ગુમાવી દીધા - ડોનાલ્ડ ટ્રમ્પનો અફસોસ

Trump-Modi
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, રશિયા અને ચીનના ત્રિપુટી પર ટિપ્પણી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ પર લખ્યું છે કે, "એવું લાગે છે કે અમે ભારત અને રશિયાને ચીન સામે ગુમાવી દીધા છે. આશા છે કે તેમની ભાગીદારી લાંબી અને સમૃદ્ધ રહેશે."
 
જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને ટ્રમ્પની ટિપ્પણી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, "મારે આ અંગે કંઈ કહેવાનું નથી."
 
આ અઠવાડિયે સોમવારે જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તિયાનજિનમાં શાંઘાઈ કૉ-ઓપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
 
આ એક સંકેત છે કે ચીન અને ભારતના સંબંધોમાં જામેલો બરફ હવે પીગળી રહ્યો છે, અને તેનું મુખ્ય કારણ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ છે જેણે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા પર પ્રતિકૂળ અસર કરી છે.
 
ડોનાલ્ડ ટ્રમ્પની વૈશ્વિક વેપાર અંગેની 'અમેરિકા ફર્સ્ટ' નીતિએ વિશ્વના આર્થિક અને રાજકીય ધ્રુવીકરણને હચમચાવી નાખ્યું છે.
 
ચીન, રશિયા અને ભારતની ઊભરતી ત્રિપુટી એ એક મજબૂત ઉદાહરણ છે કે બદલાયેલી પરિસ્થિતિઓમાં હરીફ ગણાતા દેશો કેવી રીતે એક સાથે આવી શકે છે.