રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી કાવ્ય
Written By વેબ દુનિયા|

ગુજરાતી ભજન : વૈષ્ણવજન તો તેને રે કહીએ

વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે;
પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ.. ટેક

સકળ લોકમાં સહુને વંદે. નિંદા ન કરે કેની રે;
વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ..

સમદ્રષ્ટિને ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ..

મોહમાયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામ નામ શું તાળી લાગી, સકળ તીરથ તના તનમાં રે… વૈષ્ણવ..

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે;
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે… વૈષ્ણવ..



નરસિંહ મહેતા