મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: મંગળવાર, 11 એપ્રિલ 2017 (12:08 IST)

હિંદી પરદાની ગુજરાતી અભિનેત્રી - આશા પારેખ

ફિલ્મ જગતને ઉદયમાન થયાને 100 વર્ષ થયાં. 80 વર્ષ ગુજરાતી ફિલ્મના જન્મને થયાં. 100 વર્ષના સમયગાળામાં હિંદી ફિલ્મ જગતમાં અનેક ગુજરાતીઓ મહામૂલો ફાળો આપીને ગયાં છે. આપણે આ લેખમાળામાં ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક કલાકારની વાતોને રસપૂર્વક વાંચી છે. પરદા પર દેખાતા ગુજરાતી કલાકારોમાં નિરૂપા રોય, સંજીવ કુમાર, પછી ત્રીજી કલાકારનું નામ આવે છે આશા પારેખ, તેઓ ગુજરાતી છે. એ વાતની જાણકારી ઘણા લોકોને હશે અને કેટલાય લોકો તેનાથી અજાણ હશે. પરંતું આશા પારેખ ગુજરાતી કપોળ વાણિયાં છે અને સૌરાષ્ટ્રના ભાવનગર નજીક આવેલા મહૂવાના મુળ વતની છે. જો કે તેમનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો છે. તેઓ ગુજરાતી એકદમ મીઠુ બોલી શકે છે.

આ આશા પારેખના પિતા પ્રાણલાલ પારેખ. પરંતુ બચુભાઈના હૂલામણા નામથી જાણીતા હતાં. તેમના પિતા અને આશાના દાદા મોહનદાસ મોતીલાલ પારેખ નેક પરવિન અને જય ગણેશ નામની ફિલ્મ માટે ધારણ કર્યું હતું. જ્યારે પ્રાણલાલ ઉર્ફે બચુભાઈને સી.પી.ટેંક પર પેંઈન્ટિંગ અને હાર્ડવેરની દુકાન હતી. કરોળ શ્રેષ્ઠી પિતા અને માતા દાઉદી વોરા કોમના પુત્રી સુધા બેન. તેમને ત્યાં આશાનો જન્મ થયો હતો. બચુભાઈ જ્યાં રહેતાં હતાં. ત્યાં પાડોશમાં એક ચાર્ટડ એકાઉન્ટન્ટ રહેતાં હતાં. જેમને ત્યાં અભિનેતા પ્રેમનાથ અવારનવાર આવતાં જતાં હતાં. આશા પારેખે પરિવારની એક માત્ર સંતાન હોવાના કારણે ભારે લાડકોડમાં ઉછરી હતી. આઠેક વરસથી આશા પ્રેમનાથ સાથે ડાન્સ કરીને મનોરંજન કરતી હતી. પ્રેમનાથને આશા તરફ મમત્વ પેદા થયું. એક દિવસ પ્રેમનાથને આશા જે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તે સ્કૂલ તરફથી વાર્ષિક ઉત્સવમાં અતિથિ વિશેષના રૂપમાં આવવા કહ્યું. ત્યારે પ્રેમનાથે શરત મુકી કે સ્કૂલના ટ્રસ્ટી આશાના ડાન્સને રાખે તો તે જરૂર આવશે. 
બસ તરત ટ્રષ્ટી મંડળે આશાના મમ્મી પપ્પાને બોલાવ્યાં. આશાના ડાન્સનું નક્કી થયું. પરંતુ મુશ્કેલી એ હતી કે આશાને ડાન્સ આવડતા નહોતા. સુઘાબેન. આશાના મમ્મી મુંઝાયા કરવું શુ? વાર્ષિકોત્સવને થોડી વાર હતી. તરત મોહનલાલ કરીને એક ડાન્સ શીખવનારા હતાં તેમને બોલાવવામાં આવ્યાં. આશાને ડાન્સ શીખવવા કહ્યું. સાથે કહ્યું કે જોજો મારી દિકરીની આબરુ જવી ના જોઈએ. આમ આશા પહેલી વાર ડાન્સ શીખવા લાગ્યાં. વાર્ષિકોત્સવમાં આશાના ડાન્સ અને વેશભૂષાએ કમાલ કરી. ટ્રશ્ટી છક થઈ ગયાં. તેમને પહેલી વાર લાગ્યું કે તેમની શાળામાં એક અદ્ભૂત ડાન્સર પણ છે. બસ પછી તો પૂછવું જ શું હોય ? શાળાના દરેકે દરેક કાર્યક્રમમાં આશાના ડાન્સ હોય જ. આ રીતે ડાન્સ તરફ આશા વળ્યાં હતાં. આવા જ એક કાર્યક્રમમાં જાણીતા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક બિમલ રોય હાજર હતાં. તેઓ આશાના ડાન્સ પર એટલા ખુશ થઈ ગયાં કે વાત ના પૂછો. ત્યારે તેઓ બાપ બેટી નામની ફિલ્મમાં બેબી આશા તરીકે ચમકાવી. જો કે ફિલ્મ ચાલી નહીં અને આશાની વાત જામી નહીં. 

એ અરસામાં બૈજુ બાવરા જેવી ફિલ્મ બનાવનારા નિર્માતા નિર્દેશક વિજય ભટ્ટ રાજેન્દ્ર કુમાર જેવા અભિનેતાને લઈને ગુંજ ઉઠી શહેનાઈ નામની ફિલ્મ બનાવવાની યોજના કરી રહ્યાં હતાં. તેઓ કોઈ નવા ચહેરાને રાજેન્દ્ર કુમારની સામે લાવવાની ઈચ્છા રાખતા હતાં, તેમની નજર આશા પર ગઈ ત્યારે આશાની ઉંમર 16 વર્ષની હશે. આશાને સાઈન કરાઈ શૂટીંગ શરૂ થયું. બેચાર દિવસનું શૂટિંગ થયા પછી રશ પ્રિન્ટ જોવાતી હતી. વિજય ભટ્ટે ફિલ્મના રશીશ જોયા તેમની નજરમાં રાજેન્દ્ર કુમારની સામે આશાની પેરની વાત જામી નહીં. એટલે એક દિવસ વિજય ભટ્ટે આશાને રોકડું સંભળાવી દીધું કાલથી તું આવતી નહીં કારણ કે અભિનેત્રી તરીકે તું જામતી નથી. ફિલ્મનો બિઝનેસ હંમેશા જોખમી રહ્યો છે. લાખોનું જોખમ ઉઠાવવા વિજય ભટ્ટ તૈયાર હતાં નહીં. આ રીતે ગુંજ ઉઠી શહેનાઈમાં આશા આવ્યાં અને ગયાં. 

ત્યાર બાદ આ ફિલ્મમાં રાજેન્દ્ર કુમારની સામે અમિતાને લેવાઈ ફિલ્મ રજુ થઈ અને રજત જયંતિ ઉજવવા માટે પણ ભાગ્યશાળી રહી. પરંતુ ફિલ્મ હાથમાંથી સરકી જવા છતાં આશા લગીરે નિરાશ ના થયાં. ડાંસ ચાલુ રાખ્યાં ફિલ્મી સમારંભમાં જવાનું ચાલુ રાખ્યું. એ સમયે નાસિર હુસેન નામના ફિલ્મ સર્જક દિલ દે કે દેખો નામની ફિલ્મ બનાવતાં હતાં. આશા હિરોઈન બન્યાં તે પહેલાં આસમાન (1952) ધોબી ડોક્ટર ( 1954) બાપ બેટી ( 1954) અયોધ્યાપતિ ( 1956) અને ઉસ્તાદ (1957)માં બાળ કલાકાર તરીકે અભિનય આપ્યો હતો. દિલ દે કે દેખોમાં આશાનું પરદા પરનું નામ નિતા હતું. તેના હીરો શમ્મી કપૂર હતા.

આ શમ્મી કપૂરને વાંચનનો ઘણો શોખ હતો અને આશા પારેખ પણ શૂટિંગ દરમિયાન નવરાશમાં અંગ્રેજી પુસ્તકોનું વાંચન કરતાં હતાં. બંને વચ્ચે અવાર નવાર પુસ્તકો, સંગીત અને સિનેમા વિશે ચર્ચાઓ થતી રહેતી હતી. ક્યારેક શમ્મી કપૂરના પત્ની અભિનેત્રી ગીતા બાલી સેટ પર આવી ચડે ત્યારે ઘણી વાતો થયાં કરતી હતી. શમ્મી અને આશા વચ્ચે શમ્મીનું અવસાન થયું ત્યાં સુઘી સંબંધો સારા રહ્યાં હતાં. આશા શમ્મી કપૂરને હંમેશા અંકલ કહીને જ બોલાવતાં હતાં. 1960માં હમ હિન્દુસ્તાની અને ઘૂંઘટ ફિલ્મ રજુ થઈ અને સુપરહીટ નિવડતાં આશા પારેખનો યુગ શરુ થયો.

દિલ દે કે દેખોના સર્જક નાસિર હુસેન સાથે પણ આશાનો અતૂટ સંબંધ બંધાઈ રહ્યો. તેમની સાથે દીલ દે કે દેખો, જબ પ્યાર કિસી સે હોતા હે, ફિર વોહી દીલ લાયા હું. જેવી છ એક ફિલ્મો કરી. એ સમયે નાસિર હૂસેન આશાના રોમાંસની વાતો જબરી ચગી હતી. આશા પારેખે લગ્ન નથી કર્યાં તેની પાછળનું કારણ તેમની વચ્ચેનો પ્રેમ છે એવી વાતો વહેતી થઈ હતી. આશા પારેખે નાસિરહુસેનના કહેવાથી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન શરૂ કર્યું હોવાની વાત બહાર આવી હતી. ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનની વાત સાચી હતી પરંતુ કોઈ નવા ધંધામાં પૈસા રોકવા માટે આશા નજર દોડાવતા હતાં ત્યારે આ બિઝનેસ ઉત્તમ લાગ્યો હતો. આશરે 22 જેટલી ફિલ્મોનું વિતરણ આશા પારેખની સંસ્થાએ કર્યું હતું. 

આખરે દરેક કલાકારના જીવનમાં એક એવો સમય આવે જ છે જ્યારે તેણે થોડી બાંધ છોડ કરવી જ પડે છે. નવી હિરોઈન, નવા ફ્રેશ ચહેરા, પ્રેક્ષકોની માંગ સામે ફિલ્મ બનાવનારે ઝૂકવું જ પડે છે. આશા પારેખને ખુદને થયું કે બસ, બહું થયું ઘણી ફિલ્મો કરી અનેક ભૂમિકાઓ ભજવી, સુપરસ્ટાર જિતેન્દ્ર, રાજેશ ખન્ના સાથે પણ અભિનયની જુગલબંધી કરી. અને તેમણે અભિનયને સંકેરવા માંડ્યો. ક્યારેક ભાભી તો ક્યારેક માં તો ક્યારેક બહેનની ભૂમિકા કરવા માંડી. આખરે 1999માં સર આંખો પરમાં અભિનય બાદ નિવૃત્તિ સ્વીકારી લીધી.
પોતાની કારકિર્દી દરમિયાન અનેક ઉત્તમ અભિનયના એવોર્ડ, લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ્ઝ, જુદી જુદી કલા સંસ્થાઓના એવોર્ડ્સ તેમને મળ્યાં હતાં. હજુ આ વર્ષે જ તેમને આશારામ આર્ટ્સ એકેડેમી તરફથી ભિષ્મ એવોર્ડ મળ્યો છે. ફિલ્મ સેન્સર બોર્ડના ચેર પર્સન તરીકેની કામગિરી પણ સફળ રીતે નિભાવી તો ગુજરાત રાજ્ય ફિલ્મ પારિતોષિક સમિતીમાં ચેરપર્સન તરીકે લાંબો સમય લેવા પણ આપી. 

ચૌલા દેવી અને અનારકલી જેવી નૃત્ય નાટિકાઓનું આયોજન કર્યું છે. હાલમાં તેઓએ મુંબઈમાં નૃત્ય તાલિમ સંસ્થા સ્થાપી છે. આજકાલ તેઓનો મોટા ભાગનો સમય તેમની દ્વારા સંચાલિત આશા પારેખ હોસ્પિટલ પાછળ જાય છે. તેઓની આ હોસ્પિટલ અનેક ગરીબ પરિવારની સેવા આપવા મોખરાનું કામ કરે છે. આજે 70 વર્ષની વયે નિરંતરનું જીવન ગાળી રહ્યાં છે. છેલ્લે માતા સુધાબેનનાં અવસાન પછી તેઓ બંગલો વેચી ફ્લેટમાં રહેવા લાગ્યાં છે. મહુઆમાં તેમના દ્વારા ખુલ્લો મુકાયેલો કિશનપાર્ક જે બેનમૂન બગિચો છે. તે આજે પણ આશા પારેખને જીવંત રાખી રહ્યો છે.