મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By વેબ દુનિયા|

ગુજરાતી ફિલ્મોને અન્યાય થાય છે - નરેશ કનોડિયા

હિન્દી ફિલ્મોની સામે ગુજરાતી ફિલ્મોનું ઘટતું પ્રમાણ

W.D
ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન તરીકે જો કોઈ ઓળખાતુ હોય તો તે છે નરેશ કનોડિયા. વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં એક ચક્રી... શાસન ભોગવનાર, ગુજરાતી પ્રજાનો લોકપ્રિય હીરો ગુજરાતી દર્શકોના દિલમાં પોતાનું એક ચોક્કસ સ્થાન ઊભું કરનાર કલાકારે ગુજરાતી સિનેમાની લાજ રાખી છે. હજુ આજે પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તે એટલા જ સક્રિય છે. "મહેશકુમાર એંડ પાર્ટી " માં ખંજરી વગાડતાં- વગાડતાં કે સ્ટેજ પર ડાંસ કરીને એ મુકામ સુધી પહોંચનાર નરેશ કનોડિયા પોતાના વાસ્તવિક જીવનમાં પણ એટલા જ સરળ વ્યક્તિ છે.

ફિલ્મક્ષેત્ર અને રાજકરણમાં સફળ કારકિર્દી ધરાવતા હોવા છતાં કોઈ પણ જાતના બાહ્ય આડંબરથી રહિત નરેશ કનોડિયા "જોની જૂનિયર"ના હુલામણા નામથી પણ જાણીતા હતા. ગુજરાતની પ્રજાનું મનોરંજન કરનાર મહેશ-નરેશ બેલડી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં 1969થી પોતાની કલાનો કસબ ગુજરાતી દર્શકોને દર્શાવી રહ્યા છે.

ગુજરાતના ગામડામાં વસતો સામાન્ય ગુજરાતી જ્યારે થિયેટરના પડદા પર નરેશ કનોડિયા એંટ્રી પાડે છે, ત્યારે સીટી અને ચિચિયારીઓ પાડીને ઝૂમી ઉઠે છે. ગુજરાતી લોકગીતો સિવાય ગીતો અને ગરબાઓને વિશ્વમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવામાં મહેશ-નરેશ પણ અગ્રેસર રહ્યા છે. સફળ અને લોકપ્રિય ગુજરાતી ફિલ્મોની વણથંભી વણઝાર રજૂ કરનાર કનોડિયા પિક્ચર્સના ગીતો ગુજરાતી પ્રજા દ્વારા ઉજવાતી નવરાત્રિમાં અચૂક રીતે સાંભળવા મળે છે.

"ભાથીજી મહારાજ" ફિલ્મ ગુજરાતમાં ગામેગામ લોકપ્રિય બન્યું હતું, જે તેમની લોકપ્રિયતાની સાબિતી છે. આજે જ્યારે ગુજરાતનો ફિલ્મ ઉદ્યોગ તેના 75 વર્ષ પૂરાં કરી રહ્યો છે, ત્યારે રાજકોટમાં "આરપાર" સામયિક દ્વારા ઉજવાતો "ગુજરાતી ફિલ્મોત્સવ" પણ ગુજરાતી પ્રજામાં ફરીથી ગુજરાતી ફિલ્મોને લોકપ્રિય થાય- એ માટેનો પ્રયાસ છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વિશે નરેશ કનોડિયા "આરપાર" સામયિક સાથે કરેલી વાતચીત ગુજરાતી દર્શકો માટે રસપ્રદ બની રહેશે.

* વર્તમાનમાં ગુજરાતની પ્રજા ગુજરાતી ફિલ્મોથી વિમુખ કેમ થઈ ગઈ છે ?

24 કલાકની ટીવી ચેનલો ચાલુ થઈ, દૂરદર્શન, ઝી ગુજરાતી, ઈટીવીમાં સતત ગુજરાતી ફિલ્મોનું પ્રસારન થતું હોય ત્યારે દર્શક થિયેટરમાં જવાનું ઓછું પસંદ કરે છે. બીજું કારણ એ પણ બની શકે છે કે સારી ફિલ્મો બનતી હોય, મનગમતા કલાકાર ન મળતા હોય, મનગમતું સંગીત ન મળતું હોય. બાકી ઘણા મિત્રોએ મલ્ટિપેક્ષ થિયેટરોમાં ગુજરાતી ફિલ્મો દર્શાવવાની કોશિશ કરી જોઇ, તેમ છતાં ગુજરાતી દર્શક ફિલ્મ જોવા આકર્ષાયો નહી.

* દક્ષિણ ભારતના રાજ્યોમાં બનતી પ્રાદેશિક ફિલ્મો અને ભોજપુરીમાં બનતી ફિલ્મો સફળ રહે છે. તો ગુજરાતી ફિલ્મો કેમ નહી?

ભોજપુરી ફિલ્મોની સરખામણી ગુજરાતી ફિલ્મો સામે કંઈ ન કહેવાય. અહીંયા જે ગુજરાતી ફિલ્મો બની છે, કે પછી બની રહી છે- તેની સરખામણીમાં ભોજપુરી ફિલ્મો ઉતરતી કક્ષાની છે. તેમાં અશ્લીલતા વધારે જોવા મળે છે. જ્યારે કે દક્ષિણ ભારતના રાજ્યોમાં બનતી મલયાલમ, તમિળ, કન્નડ કે પછી તેલગુ ફિલ્મો કરોડો રૂપિયાથી બને છે અને તેના હીરો-હીરોઈનો પણ કરોડો રૂપિયાની ફી લેતા હોય છે. લખલૂંટ ખર્ચો નિર્માતાઓ કરે છે. રજનીકાંત, કમલ હસન જેવા હીરો પણ કરોડો રૂપિયા લે છે. જ્યારે ગુજરાતમાં ગુજરાતી ફિલ્મોનું બજેટ માંડ 10 થી 25 લાખ રૂપિયા સુધીમાં થઈ જાય છે. એકંદરે, સારા પ્રોડ્યૂસરોની અછત વર્તાઈ રહી છે, કે જે થોડા વધારે રૂપિયા ખર્ચી શકે.


W.D
* ભૂતકાળની સફળ ગુજરાતી ફિલ્મોનો દોર અને વર્તમાનમાં મરવાના વાંકે જીવી રહેલા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની નિષ્ફળતાના ક્યાં કારણૉ છે?

પહેલાંના સમયમાં ગુજરાતમાં દિવાળી હોય કે પછી કોઈ અન્ય તહેવાર ઉજવાતો હોય, ત્યારે ગુજરાતી દર્શક પણ અચૂક રીતે ગુજરાતી ફિલ્મ જોવા માટે જ કોઈ નજીકના સિનેમાઘરમાં એકલો કે પછી મિત્ર-વર્તુળ સાથે કે પછી સગાં-સંબંધીઓ સાથે પહોંચી જતો હતો. અરે! અમદાવાદમાં તો ગુજરાતી ફિલ્મોથી થિયેટરો પણ "હાઉસફુલ" જતાં. ઢોલા મારું, વણઝારી વાવ, મોતી વેરાણા ચોકમા, જોગ સંજોગ, તમે રે ચંપો ને અમે કેળ, ઉજળી મેરામણ, કડલાંની જોડ, મા-બાપને ભૂલશો નહી, ઊંચી મેડીના ઊંચા મોલ..... કનોડિયા પિક્ચર્સે કેટકેટલી સફળ ફિલ્મો ગુજરાતને આપી છે. ગુજરાતમાં દરેક સેંટરમાં ગુજરાતી ફિલ્મો ચાલતી. અમદાવાદના થિયેટરોમાં તો ઘણીવાર રાજકપૂર કે દેવઆનંદની ફિલ્મો રિલીઝ કરવી હોય, ત્યારે જગ્યા ન મળતી! અમદાવાદમાં આવેલા એલ.એન., લક્ષ્મી, કૃષ્ણ, લાઈટ હાઉસ, રિગલ, રોશની, લલિત મહેલ, શ્રી, શીવ, રૂપાલી, અજંતા-એલોરા, નટરાજ, સંગમ-સપના જેવાં થિયેટરોમાં પણ ગુજરાતી ફિલ્મોના "હાઉસફુલ"ના પાટિયાં જોવા મળતાં. ગુજરાતી દર્શક પણ ગુજરાતી ફિલ્મોને જોવા માટે જાણે હિલોડે ચડતો! પણ બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે આજે એ સ્થિતિ રહી નથી. જૂનાં થિયેટરો તૂટી ગયાં ને એના બદલે મલ્ટિપ્લેક્ષ અનેશોપિંગ મોલ થઈ ગયાં. તેમના માલિકો પણ હવે ગુજરાતી ફિલ્મો રજૂ કતરાં ગભરાય છે નહીં ચાલે તો નુકસાન જશે...! પહેલાં જ્યારે રાજકોટથી કરશન પાટડિયા પિક્ચર બનાવતા હોય, અશોક પટેલ, ગોવિંદ પટેલ જેવાં નિર્માતાઓ પિક્ચર બનાવતા હોય ત્યારે એકબીજાના મોંઘા મોંઘા સેટ જોવા લોકો જતા. કનોડિયા પિક્ચર્સે પણ ઘણી યાદગાર ગુજરાતી ફિલ્મો બનાવી છે. જેને દર્શકો આજે પણ ભૂલ્યા નથી. આજે નવા નવા સંગીતકારો, નવી વાર્તાઓ અને તેમજ નવા કલાકારો પણ ચોક્કસ રીતે આવ્યા છે અને તે મહેનત પણ કરે છે- છતાં ગુજરાતી દર્શકને ગુજરાતી ફિલ્મો તરફ વાલવામાં સફળ નથી રહ્યા. પબ્લિક જેનાથી ટેવાઈ ગઈ છે, તેમના મનમાં જે વસ્તુ બંધાઈ ગઈ હતી, એમાંથી બહાર નીકલવાનું ભારે પડી ગયું છે. હવે વર્તમાનમાં ગમે તેવું નવું આપવા જઈએ છીએ, તો પણ પબ્લિક તેને પચાવી શકતી નથી!>

* ગુજરાતી ફિલ્મો આવનાર સમયમાં લોકપ્રિય થાય, તેને માટે શું કરવું જોઇએ?

આ અંગે મુંબઈમાં અને સેમિનાર કરેલો. નવી ગુજરાતી ફિલ્મો બનાવવા માટે રૂપિયા ખર્ચી શકે, તેવા પ્રોડ્યુસરની જરૂર છે. નવી નવી વાર્તાને ન્યાય મળે. અરૂણ ભટ્ટ, કે.કે. અને ચંદ્રકાંત સાંગાણી જેવાં પ્રોડ્યુસરની આજે જરૂર છે- કે જે કોઈ હિટ ફિલ્મ આપી શકે! ટૂંકા ગાળામાં અને ઓછા બજેટથી બનતી ફિલ્મો તેની ખરાબ ગુણવત્તાને લીધે ઘણીવાર નિષ્ફળ જતી હોય છે. જે ખર્ચો કરવો જરૂરી હોય, તે કરવો જ રહ્યો. અત્યારે ફિલ્મો રજૂ થાય છે, પણ માંડ એકાદ અઠવાડિયામાં તો તેને ઉતારી લેવી પડે છે. લોકો સામે ચાલીને ગુજરાતી ફિલ્મો જોવા આવે, તેવી મજબૂત વાર્તા, સંગીત, ફોટોગ્રાફી અને તેવા સેટ પણ હોવા જરૂરી છે. તેમાં નવી ટેકનિકનો ઉપયોગ થવો જોઇએ. વર્તમાનમાં સમયની સાથે ચાલવું પડશે અને આપણાપણાનો ભાવ ઊભો કરવો પડશે. ગુજરાતી હોવાનું ગૌરવ, ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવું પડશે. ગુજરાતી ફિલ્મોની કંઈ વાત નિકળશે, ત્યારે બહારવટિયા અને દેવી-દેવતાઓના જ ચિત્રો બનતા હતા- એના દાખલા આપશે. અરે ભાઈ, પહેલાં તમે ગુજરાતી ફિલ્મો નિહાળૉ અને પછી તમારો અભિપ્રાય આપો! જ્યાં સુધી તમે કોઈ પણ ફિલ્મ જોશો જ નહિ, ત્યાં સુધી તેના વિશે શું અભિપ્રાય આપી શકવાના?

* કનોડિયા પરિવાર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કેટલા સમયથી છે?

અમે કનોડિયા પરિવાર લગભગ 1969થી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ્યા હતા. જેમાં મહેશ, હું, હિતુ અને સૂરજ કનોડિયા આવેલા છીએ. કનોડિયા પિક્ચર્સે ઘણી લોકપ્રિય ગુજરાતી ફિલ્મો આપી છે. "મહેશકુમાર એંડ પાર્ટી" એ ગુજરાત અને વિદેશોમાં પણ ઘણા શો કર્યા છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને 75 વર્ષ પૂરા થયા તો અમે અડધાથી વધારે વર્ષ એટલે કે 38 વર્ષથી આ ઇંડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છીએ. પરંતુ અત્યંત દુ:ખ સાથે કહીશ કે ઘણી વખત અમને અન્યાય પણ થતો હોય છે.

* ગુજરાતી પોપ આલ્બમની અસર પણ ગુજરાતી ફિલ્મો પર જોવા મળે છે?

ચોક્ક્સ, કેમ નહી! આ બધા આલ્બમો ગુજરાતી ફિલ્મોનું નામ ખરાબ જ કરે છે. અવિનાશભાઈ કે કાંતિ અશોક જેવા ગીતકાર આજે નથી. રિમિક્સ ગીતો પણ આજે મૂળ ગીતોને બગાડી નાખે છે અને ભૂતકાળમાં કરેલી મહેનત પર પાણી ફેરવી નાખે છે!

* ધારાસભ્ય તરીકે તમે સરકાર પાસેથી શું કરાવી શક્યા?

ભારતમાં જોઈ લો, ક્યું રાજ્ય એવું છે કે જ્યાં સ્થાનિક ભાષાની ફિલ્મોને આજીવન ટેક્સ ફ્રી કરી આપ્યું હોય? આ માત્ર ગુજરાતમાં જ બન્યું છે કે જ્યાં સરકારે ગુજરાતી ફિલ્મોને ટેક્સ ફ્રી કરવામાં આવી હોય. ફરી એક વાર ગુજરાતી ફિલ્મોનો સફળ દોર શરૂ થાય અને ગુજરાતી દર્શકો પણ ગુજરાતી ફિલ્મોને હાઉસફુલ કરે, એવી આશા હું રાખું છું.