મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By વેબ દુનિયા|

સિલ્વર જ્યુબીલી કુમાર - રાજેન્દ્ર કુમાર

જન્મજયંતી વિશેષ

ફિલ્મ આઈ મીલન કી બેલા હોય કે આરજૂ, ગીત હોય કે ગંવાર, રાજેન્દ્ર કુમાર હંમેશા જ રોમેન્ટીક અભિનયમાં મેદાન મારી ગયા. એ પણ તે વખતે જ્યારે તેમને દિલીપ કુમાર, અશોક કુમાર, દેવાનંદ, રાજ કપૂર જેવા અભિનેતાઓની સ્પર્ધા કરવાની હતી. જ્યુબિલી કુમાર તરીકે જાણીતા એવા રાજેન્દ્ર કુમારે 1959 થી 1966 દરમિયાન અનેક હિટ ફિલ્મોમાં અભિનય કર્યો. આ ગાળામાં તેમની ઘણી ફિલ્મોએ ગોલ્ડન કે સીલ્વર જ્યુબિલી ઉજવી અને એટલા માટે જ તેઓ જ્યુબિલી કુમારના ઉપનામે ઓળખાયા.

પંજાબના સિયાલકોટ ખાતે 20 જૂલાઈ 1929ના રોજ જન્મેલા રાજેન્દ્ર કુમારની પહેલી ફિલ્મ જોગન 1950માં રીલીઝ થઈ. જોગનમાં દિલીપ કુમાર અને નરગિસ જેવા તે સમયના સુપરસ્ટારોએ પણ કામ કર્યુ. જો કે રાજેન્દ્ર કુમાર લોકપ્રિય થયા મહેબુબ ખાનની 1957માં રીલીઝ થયેલી ફિલ્મ મધર ઈન્ડિયા દ્વારા. તેમાં રાજેન્દ્ર કુમારે નરગીસના પુત્ર અને સુનીલ દત્તના ભાઈ તરીકેની ભૂમિકા નીભાવી હતી. મધર ઈન્ડિયા પછી રાજેન્દ્ર કુમારે ધૂલ કા ફૂલ (1959), મેરે મહેબૂબ (1963), આઈ મિલન કી બેલા (1964), સંગમ (1964), આરજૂ (1965), સૂરજ (1966) જેવી અનેક સફળ ફિલ્મોમાં અભિનય કર્યો. તે વખતના નિર્માતાઓ માટે રાજેન્દ્ર કુમાર સોનાની ખાણ જેવા હતી.

કારણ કે તેઓ જે પણ ફિલ્મમાં કામ કરતા તેના કેટલાક અઠવાડિયામાં જ પૈસા વસૂલ થઈ જતા. આ રીતે 1960ના દાયકામાં રાજેન્દ્ર કુમાર સિલ્વર સ્ક્રિન પર છવાયેલા રહ્યા. 1970નો દાયકો તેમના માટે નીરાશાજનક રહ્યો. કારણ કે તે દાયકામાં તેમની ગંવાર (1970), ટાંગેવાલા (1972), લલકાર (1972), ગાંવ હમારા શહર તુમ્હારા (1972), આનબાન (1972) જેવી અનેક ફિલ્મો નીષ્ફળ નીવડી.

પરિણામે જે અભિનેતાને લેવા ક્યારેક નિર્દેશકો પડાપડી કરતા તે અભિનેતા પોતે હવે ફિલ્મો વિહોણો થઈ ગયો. 1978માં રીલીઝ થયેલી સાજન બિના સુહાગન ફિલ્મ દ્રારા રાજેન્દ્ર કુમારે તેમના જૂના દિવસોની જેમ જ સફળ પુનરાગમન કર્યુ. 1964માં સંગમ અને 1970માં મેરા નામ જોકર ફિલ્મમાં રાજ કપૂરે રાજેન્દ્ર કુમારને સહાયક અભિનેતા તરીકેની ભૂમિકા આપી હતી. તે બંને ફિલ્મોમાં રાજેન્દ્ર કુમારનો અભિનય વખણાયો હતો. 1975માં ફરી એક વાર રાજેન્દ્ર કુમારે રાજ કપૂર સાથે દો જાસૂસ ફિલ્મમાં કામ કર્યુ અને પ્રેક્ષકોની વાહવાહ મેળવી.

1981માં રાજેન્દ્ર કુમારે તેમના દિકરા કુમાર ગૌરવને લોન્ચ કરવા લવ સ્ટોરી ફિલ્મનું નિર્માણ કર્યુ. તે ફિલ્મ બોક્સઓફિસ પર સફળ રહી. પરંતુ રાજેન્દ્ર કુમારે ફિલ્મ જગતમાંથી સ્વૈચ્છીક નિવૃત્તિ સ્વીકારી. જો કે કુમાર ગૌરવને લવ સ્ટોરી દ્વારા ચોકલેટી હિરો તરીકે પ્રસ્થાપિત કરનાર રાજેન્દ્ર કુમાર તેમના દિકરાને મોટા ગજાનો અભિનેતા બનતા ન જોઈ શક્યા. 1999માં તેમના સિત્તેરમા જન્મ દિવસના માત્ર નવ દિવસ પછી તેમનું કેન્સરની બિમારીને લીધે મૃત્યુ થયું. એવું કહેવાય છે કે તેમણે જીવન પર્યત ક્યારેય કોઈ પણ દવાનું સેવન કર્યુ નહોતું.