શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Modified: શુક્રવાર, 26 ડિસેમ્બર 2025 (16:40 IST)

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

મારા નસીબનો ઘર-પરિવાર
“જો, સંગીતા, હું બજારમાંથી આ સ્લેક્સ લાવી છું. તું ગઈકાલે કહેતી હતી કે તારી પીળી સ્લેક્સ બગડી ગઈ છે, સાચુ કહ્યુ  ને? એટલે જ મેં આ ખરીદી છે.”
 
સંગીતાના ચહેરા પર ખુશીનો કોઈ ભાવ પણ નહોતો. તેણે પૂછ્યું, “આ સ્લેક્સ કેટલાના છે?”
 
તેની સાસુએ કહ્યું, “છસો પચાસ રૂપિયા.”
 
સંગીતાએ ચીડાઈને કહ્યું, “તમારે આટલા મોંઘા સ્લેક્સ લાવવાની શુ જરૂર હતી ? મને તે નથી જોઈતી. કાલે પરત કરી દે જો.”
 
તેની સાસુનો ચહેરો ઉતરી ગયો. “ઠીક છે,” ધીમેથી આટલુ બોલીને તે  ઉદાસ મનથી પોતાના રૂમમાં ગઈ.
 
અભય આ બધું જોઈ રહ્યો હતો. તેની માતા  રૂમમાં જતા જ  તેણે કહ્યું, “તેં સારુ ન કર્યુ,  જો તેં સ્લેક્સ રાખી લીધા હોત તો શુ થાત ? જો કાલે દુકાનદાર તેને પાછ નહી લે તો  ? માતા ફરીથી બજારમાં જશે, પરેશાન થશે.”
 
સંગીતા હસી અને બોલી , “તું બસ રાહ જો… તેઓ કાલે બજારમાં નહીં જાય.”
 
અભય કંઈ સમજી શકે તે પહેલાં, તેની સાસુ રૂમમાં પાછી આવી. તેમના હાથમાં પેલુ સ્લેક્સ હતુ. તેમણે કહ્યુ - વહુ બેટા કાપડ ખૂબ સરસ છે, તમે તે રાખી લો.”
 
સંગીતાએ કહ્યું, “ઠીક છે, હું લઈ લઉ છુ … પણ ફરીથી ના લાવશો.”
 
આ સાંભળીને, તેની સાસુ બાળકની જેમ ખીલી ગઈ, પછી  બોલી, “આ રિમઝીમને જો, તે મારી એક વાત સાંભળતી નથી! ગઈકાલે, ઝાડુ મારતી વખતે, તેણીએ ખૂણામાં કચરો છોડી દીધો હતો. તું તેને સમજાવ - તે મારી વાત સાંભળે, નહીં તો  હું તેને કાઢી મૂકીશ.” આટલું કહીને, તે  રિમઝીમને બૂમ પાડતી બહાર નીકળી ગઈ.
 
સંગીતા રસોડા તરફ જવા લાગી ત્યારે અભયે કહ્યું, "જો તારે સ્લેક્સ છેલ્લે રાખવી જ હતી, તો તે પહેલા કેમ ન રાખી?"
 
સંગીતા હસીને બોલી, "જો તે પહેલા જ રાખી લેત તો તે કાલે કંઈક નવું ખરીદીને લાવતા."
 
અભયે કહ્યું, "સાચું કહું તો, મારી માતા સાથે રહેવું સહેલું નથી. તેથી જ મારા કોઈ ભાઈ-બહેન તેને પોતાની સાથે રાખવા માંગતા નથી."
 
સંગીતાએ પલટીને જવાબ આપ્યો, "પણ જો આપણે માતાને આપણી સાથે નહીં રાખીએ, તો બાળકોને દાદી જેવો પ્રેમ કોણ આપશે? અને તે ક્યાં રહેશે?"
 
અભયે કહ્યું, "તો પછી તમે બંને આખો દિવસ કેમ ઝઘડો કરો છો? તુ મમ્મીના દરેક કામમાં ભૂલો કેમ શોધતી રહે છે."
 
સંગીતાએ  કહ્યું, "જુઓ, બાળકો અને વડીલો સમાન છે. તમે જેટલું વધુ સાંભળો છો, તેમની માંગણીઓ વધે છે. ક્યારેક આપણે તેમને રોકવા પડે છે. ...પરંતુ એનો અર્થ એ નથી કે આપણે તેમની સાથે ન રહેવું જોઈએ. આ જ તો મારા ભાગનો ઘરપરિવાર છે."
 
અભયે કહ્યું, "મમ્મી બધામાં દોષ શોધતી રહે છે. રિમઝીમ તેનાથી ખૂબ જ નારાજ છે. તું તેને કેમ કહેતી નથી કે તે તમે તમારા રૂમમાં બેસી રહો હુ   કામ સંભાળી લઈશ ?"
 
સંગીતાએ સ્મિત સાથે જવાબ આપ્યો, "શું હું તેમને તેમના રૂમમાં બેસાડું દઉ જેથી તેઓ ડિપ્રેશનમાં જતા રહે ?   તે ઘરમાં ફરતા  રહે છે, રિમઝીમ પર નજર રાખે છે, બાળકો સાથે વાત કરે છે... આનાથી તે વ્યસ્ત રહે છે અને તેમનો બોલવાનો કોટા પણ પૂરો થાય છે."
 
ત્યારે જ  બહારથી સાસુનો અવાજ આવ્યો, "આજે તારો પતિ ઘરે છે, તો શું મને અને મારા પૌત્ર પૌત્રીઓને જમવાનુ બનાવીને પણ નહી ખવડાવે ?  તો પછી આજે અમે ઉપવાસ કરી લઈએ ?"
 
સંગીતાએ એ જ સ્વરમાં જવાબ આપ્યો, "હા, હા, હું આવી રહી છું. તમે તો  બસ આખો દિવસ મારા પર નજર રાખતા રહેજો "
 
તે ઊભી થઈ, તેના પતિ તરફ જોઈને સ્મિત કર્યું, અને દરવાજા તરફ ઈશારો કરીને બોલી, મારા નસીબનો "ઘર-પરિવાર"