કર્મચારીને ફક્ત પ્રેરણા આપવાથી નહીં ચાલે!, ક્રાંતિની જ્યોત જલાવી રાખવા ઉશ્કેરાટ ફેલાવો

success
Last Modified મંગળવાર, 9 જૂન 2015 (18:05 IST)
આપણે ત્યાં પ્રેરણા શબ્દનું બહુ બધું મહાત્મ્ય છે. મોટિવેશનલ સેમિનાર અને પુસ્તકોમાં છૂટે હાથે પ્રેરણાની પ્રસાદી વહેંચવામાં આવે છે. અમુક નિષ્ણાતો પણ તમને કહે છે કે લોકોને યોગ્ય પ્રેરણા આપો એટલે કામ પાર પડી જાય, પરંતુ મારા મતે પ્રેરણા શબ્દની અસર મર્યાદિત છે. હું મારા સેમિનારમાં શરૂઆતમાં જ કહી દઉં છું કે અહીં તમે પ્રેરણા મેળવવા આવ્યા હો તો નિરાશ થશો. હું તમને પ્રેરણા આપવા નહીં, ઉશ્કેરવા આવ્યો છું.

વેલ, આપને સવાલ થશે કે પ્રેરણા આપવી અને ઉશ્કેરવું એ બે વચ્ચે શો તફાવત છે. સાવ સાદી રીતે જુઓ તો પ્રેરણાની સાથે ‘આપવી’ શબ્દ લખવો પડે છે. એટલે કે પ્રેરણા આપવી પડે. તમે આપનાર અને તમારા કર્મચારી અહીં લેનાર બને. આમ તમે તમારા કર્મચારીઓથી જુદા પડો. બસ, આપનાર અને લેનારની આ ભૂમિકા જ વિઘ્ન બને છે.

હકીકતમાં તો તમારે તમારા કર્મચારીઓના મનમાં આગ લગાડવાની છે. કશુંયે આપવા-લેવા કરતાં જે આગ તમારા મનમાં છે તે જ આગ તમારા કર્મચારીઓના મનમાં લગાવી દો તો તમારો બેડો પાર. તમને સવાલ થશે, એ કઈ રીતે કરવું. આવો જોઈએ.

સૌપ્રથમ તો આપણે ધંધામાં કર્મચારીઓના મહત્ત્વને સમજી લઈએ. ધંધો એટલે શું? તમે તમારા કર્મચારીઓના ગળાડૂબ પ્રેમમાં પડેલા છો? તો તમારી અને સફળતાની વચ્ચે કાંઈ જ વિઘ્ન નહીં આવે. જે પળે તમે તમારા કર્મચારીઓની ઉપેક્ષા કરવાનું શરૂ કરશો, તે મિનિટથી તેઓ પણ કંપનીની અને તેના હિતની ઉપેક્ષા કરશે. કામમાં બેદરકારી દાખવશે તથા નિરુત્સાહી બની જશે. કંપનીની પ્રોડકટ્સ તેમ જ ગ્રાહકો તરફ પણ દુર્લક્ષ સેવશે.

ધંધા માટે કોઈ પણ હોય, તેના કેન્દ્રમાં સદાકાળ કર્મચારીઓ જ હોય છે. બાકી તો દરેક પ્રોડક્ટ માટે બજાર હોય છે તથા દરેક બજાર માટે જ ચીજવસ્તુઓ સર્જાય છે. મુખ્ય બાબત કર્મચારીઓના ઉત્કર્ષની જ છે. છતાંય આ બાબત સૌથી વધુ ઉપેક્ષિત છે. તમે પણ કર્મચારીઓના લાભ વિષે વિચારશો, તો આજે જ તમારી કંપનીની બાજી પલટાઈ જશે.

કર્મચારીઓને કાબૂમાં રાખવાનો પ્રયત્ન છોડો... તેમને સમજો તથા તેમના ઉત્કર્ષમાં રસ લો

કર્મચારીઓને કાબૂમાં રાખવાનો પ્રયત્ન છોડવાની વાત કહીને હું એમ કહેવા નથી ઈચ્છતો કે તેમને બેકાબૂ બની જવા દો... તેમના તરફથી નજર હટાવી લેવાની પણ જરૂર નથી. તમારે પ્રભુત્વ નથી ગુમાવવાનું, માત્ર પોલીસગીરીથી દૂર રહેવાનું છે. તમારા કર્મચારીઓથી તમે જ હાથ ધોઈ નાખશો તો કંપનીનું શું થશે? બૅન્ડ જ બજી જશે કે બીજું કાંઈ? નેતા તરીકે તમારે ઝીણું કાંતવાની આદત છોડવી પડશે. અંગ્રેજીમાં જેને માઈક્રોમૅનેજમેન્ટ કહે છે તેનાથી દૂર રહેવું પડશે. કર્મચારીઓને કામ સોંપીને તેમના પર વિશ્ર્વાસ રાખીને થોડું અંતર રાખતા શીખવું પડશે. મોટા ભાગના ફર્સ્ટ જનરેશન ઍન્ટરપ્રિન્યોર્સ જે ભૂલ કરે છે તે માઈક્રો મૅનેજમેન્ટની છે. દરેક બાબતમાં માથું મારવું, ઝીણું કાંતવું તથા ડોયો હલાવવો! તમે કર્મચારીઓ સાથે સમય ગાળો, તેમના પ્રશ્ર્નોના જવાબ આપો, મુશ્કેલીમાં સાથ આપો, ઓફિસમાં આહ્લાદક વાતાવરણ ઊભું કરો તથા ચમચાગીરીને ઉત્તેજન ન આપો. એક ઉત્તમ નેતાના આ જ ગુણ છે.

તમે ખુદને ખખખ સર્ટિફિકેટ આપ્યું છે?

(ખખખ = માસ્ટર ઑફ મૅન-મૅનેજમેન્ટ)

તમે ખઇઅ નહીં હો તો ચાલશે. તમને અસંખ્ય નિષ્ફળ ખઇઅ જોવા મળશે, પરંતુ તમને ખખખ થયેલી એકપણ નિષ્ફળ વ્યક્તિ ક્યારેય જોવા નહીં મળે. કર્મચારીઓને સાચવવાના પાઠ દુનિયાભરની માંડ ગણીગાંઠી યુનિવર્સિટીઝ ભણાવે છે. હું તો કહીશ કે આ પાઠ માત્ર ભણવાનો નથી, તેમાં શ્રેષ્ઠ દેખાવ કરવાનો છે. આ એક જ વિષયમાં પારંગત થયેલ વ્યક્તિ ભણેલી ન હોય તોય ગણેલી તો હશે જ. જે કર્મચારીઓની લાગણીને સમજવામાં થાપ ખાઈ જાય છે તે અન્યને કામ સોંપી નથી શકતો.

પરિણામ શું આવે છે? કામના ઢગલા, ફાઈલોના ઢેર, સંતાપ, થાક અને હતાશા. સ્ટ્રેસ અને ડિપ્રેશન. તેથી જ ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્ર્વાન તાણે’ એ પંક્તિ સમજો. અન્યના ગુણ-કાબેલિયતનો મહત્તમ લાભ લો.

પ્રેરણા અને પ્રોત્સાહન વચ્ચેનું અંતર સમજો

પ્રેરણા અત્યંત કામચલાઉ ક્રિયા છે. નેતા તરીકે કર્મચારીઓને પ્રેરણારૂપી દવાના ડોઝ આપવા કરતાં તેમનામાં કામ અંગે ઉશ્કેરાટ ફેલાય તેવું કંઈક કરો. પ્રેરણારૂપી દવાનો ડોઝ લાંબું કામ નહીં આપે. હા, તેનાથી કર્મચારીઓને શક્તિવર્ધક દવા મળ્યા જેવું જરૂર લાગશે. દવાની અસર ઘટે એટલે ફરી એનું એ! તમારે ધંધાનો વ્યાપ ખરેખર વધારવો હોય તો કર્મચારીઓને પ્રેરણાના નાના-નાના ડોઝ આપવાને બદલે તેમનામાં ઉશ્કેરાટરૂપી જ્યોત જગાવો. ક્રાંતિકારી પગલાં લો અને તેમને ઉત્તેજન આપો, અત્યંત પ્રોત્સાહિત કરો.

તમારાં સ્વપ્ન સાકાર કરવામાં જે વ્યક્તિ તમને મદદરૂપ થઈ રહી છે તેને માત્ર પ્રેરણા આપવાથી ન ચાલે! તેનામાં જલાવીને સતત પ્રોત્સાહિત રાખો. ઉશ્કેરાટ ફેલાવો. આગ લગાવો અને પછી જુઓ પરિણામો.આ પણ વાંચો :