આ ન.મો.બહુ નડે છે.. ' .આવા નાટકને ગુજરાત સરકાર ચાલવા દે???
આ ન.મો.બહુ નડે છે, એનું કંઈક કરો... એને કાઢો અહીંથી.
મુંબઈમાં ધૂમ ચાલી રહેલા નાટક ‘આ ન.મો. બહુ નડે છે’ને એના શીર્ષકને કારણે નરેન્દ્ર મોદીના ગુજરાતમાં સેન્સરનું સર્ટિફિકેટ ન મળ્યું એટલે નામ બદલીને ‘આ ન.મો.ને નડતાં નહીં’ કરવું પડ્યું.ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ટૂંકમાં બધા ન.મો. કહે છે એ જગજાહેર છે. તેમના ગાંધીનગરના મુખ્ય પ્રધાનના કાર્યાલયના અધિકારીઓથી લઈને મિડિયા અને લોકો તેમના માટે ન.મો. શબ્દનો પ્રયોગ કરે છે એ ખુદ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ખબર છે. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના ટૂંકાક્ષારી નામ ન.મો.ને કારણે ગુજરાતી નાટકના ખ્યાતનામ ઍક્ટર-પ્રોડ્યુસર અને ડિરેક્ટર સંજય ગોરડિયાએ પોતાના નાટક ‘આ ન.મો. બહુ નડે છે’ના નેવું શો થયા પછી એનું ટાઇટલ બદલીને નાટકનું ટાઇટલ ‘આ ન.મો.ને નડતાં નહીં’ કરવું પડ્યું છે. અલબત્ત, મુંબઈમાં અગાઉનું ટાઇટલ ચાલુ રહેશે, જ્યારે ગુજરાતમાં આ નાટકનું નામ બદલીને ‘આ ન.મો.ને નડતાં નહીં’ કરવામાં આવ્યું છે. ટાઇટલ બદલવા માટેનું કારણ એ છે કે ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર ર્બોડ ‘આ ન.મો. બહુ નડે છે’ ટાઇટલ સાથે નાટકની ભજવણીનું સેન્સર સર્ટિફિકેટ આપવા તૈયાર નહોતું. નાટકના પ્રોડ્યુસર અને નાટકમાં મુખ્ય રોલ નિભાવતા ઍક્ટર સંજય ગોરડિયાએ કહ્યું હતું કે ‘સામાન્ય રીતે ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર ર્બોડમાંથી સેન્સર સર્ટિફિકેટ પંદર દિવસમાં આવી જતું હોય છે, પણ અમારા નાટકનું સર્ટિફિકેટ ન આવતાં અમે કારણ વિશે તપાસ કરી તો ખબર પડી કે તેમને આ ટાઇટલ સામે વાંધો છે. આ વાંધો દૂર કરવા માટે અમે નાટકનું ટાઇટલ ‘આ ન.મો. બહુ નડે છે’માંથી ‘આ ન.મો.ને નડતાં નહીં’ કરવાનું નક્કી કર્યું. સ્ક્રિપ્ટમાં જરૂરી સુધારા-વધારા પણ કર્યા.’૨૭ ફેબ્રુઆરીએ મુંબઈમાં ઓપન થયેલા આ નાટકે અત્યાર સુધીમાં મુંબઈમાં નેવું શો કર્યા છે. ગુજરાતમાં શરૂ થયેલી એની ટૂરનો પહેલો શો ગઈ કાલથી વડોદરામાં હતો. સંજય ગોરડિયાએ કહ્યું હતું કે ‘નાટકનું ટાઇટલ બદલવું પડશે એવું અમે વિચાર્યું નહોતું, પણ મુંબઈના ટાઇટલમાં સહેજ નેગેટિવિટી હતી જે ગુજરાતના ટાઇટલમાંથી બાદ કરી નાખવામાં આવી છે. મુંબઈના અને ગુજરાતના ગુજરાતીઓમાં ફરક છે. ગુજરાતના ગુજરાતીઓને નરેન્દ્ર મોદી માટે અપાર માન છે. અફકોર્સ મુંબઈકરને પણ નરેન્દ્ર મોદી માટે માન છે, પણ મોદીને જોવાની તેમની દૃષ્ટિ અને ગુજરાતના ગુજરાતીઓની દૃષ્ટિ વચ્ચે ઘણો તફાવત છે. અધિકારીઓ સાથે વાત થયા પછી લાગ્યું કે અમારે પણ આ ટાઇટલને પૉઝિટિવ કરવું જોઈએ, જે હવે અમે કરી નાખ્યું છે.’સુપરહિટ પુરવાર થયા પછી અધવચ્ચે નાટકનું ટાઇટલ બદલવામાં આવ્યું હોય અને એક જ નાટક બે અલગ-અલગ સ્ટેટમાં અલગ-અલગ નામ સાથે ભજવાતું હોય એવું અગાઉ ગુજરાતી રંગભૂમિમાં બન્યું નથી. શરૂઆતમાં ટાઇટલ નહીં બદલવા માટે નાટકના પ્રોડ્યુસરે સ્વાભાવિકપણે પ્રયત્નો કર્યા હતા, પણ પછી નાટકના હિતમાં ટાઇટલને બદલવાનું નક્કી કરવામાં આવ્યું.આ કૉમેડી નાટકમાં નરોત્તમદાસ મોરબીવાળાના ભૂતની વાત છે. નરોત્તમદાસ મોરબીવાળા એટલે કે નાટકના ન.મો.નું ભૂત ભટકે છે અને વારંવાર તેમના દીકરાના શરીરમાં આવે છે. બાપાના ભૂતથી મોરબીવાળા પરિવાર ત્રાસી ગયો છે અને ન.મો.ના ભૂતથી બચવા માટે પથ્થર એટલા દેવ અને માટી એટલાં માતાજીને પૂજે છે. જોકે ન.મો. એટલે કે નરોત્તમદાસ મોરબીવાળાનું ભૂત તેનો પીછો નથી છોડતું. એક તબક્કે તો એવી હાલત થઈ જાય છે કે આ પરિવારને કોઈ પણ કંઈ તકલીફ વિશે પૂછે કે તરત જવાબ મળે છે કે ‘આ ન.મો.બહુ નડે છે, એનું કંઈક કરો... એને કાઢો અહીંથી.’ન.મો.ના ભૂતને કાઢવા જતાં મોરબીવાળા ફૅમિલી પર કેવી-કેવી તકલીફો આવે છે એની વાત નાટકમાં છે.