Last Modified: સોમવાર, 1 સપ્ટેમ્બર 2014 (14:36 IST)
ટકી રહેવું અઘરું હોવાથી ગુજરાતી ગઝલ ગાયનમાં નવા સિંગર આવતા નથી
આજની ગુજરાતી પેઢી પણ મારી ગુજરાતી ગઝલો સાંભળે છે તેથી મોટી ગૌરવશાળી વાત એક કલાકાર માટે બીજી શુ હોઇ શકે. મે મારી જીંદગીમા ક્યારેય કોઇ સપનુ જોયુ ના હતુ કુદરત જે રસ્તે મને લઇ ગઇ તે રસ્તે હું ફંટાતો ગયો એટલે સફળતાનો નશો મને ક્યારેય ચડયો નથી. કેમ કે મને એવુ ક્યારેય નથી થયુ કે આ બધુ મે કર્યુ છે. કુદરતે મારી પાસે જે કરાવ્યુ તે હું કરતો આવ્યો છું તેમ આજે વડોદરા આવેલા હિન્દી ફિલ્મોના પાશ્વેગાયક અને ગુજરાતી ગઝલ ગાયનમા જેમનો કઇ પર્યાય નથી તેવા મખમલી આવાજના માલીક મનહર ઉધાસે વાતચીત દરમિયાન કહ્યુ હતું.
પોતાના કેરિયરની શરૃઆતના દિવસોને યાદ કરતા મનહર ઉધાસે કહ્યુ હતુ કે ૧૯૭૦માં જ્યારે મારી હિન્દી ફિલ્મોમા પ્લેબેક સિંગર તરીકેની શરૃઆત થઇ તે જ સમયગાળામા મે ગુજરાતી ગઝલનો આલ્બમ બહાર પાડવાની હિમ્મત કરી હતી. બનાવ એવો બન્યો હતો કે ત્યારે રેકોર્ડ કંપની એચએમવીનુ એક હથ્થુ સામ્રાજ્ય હતુ. અને પોલીડોર રેકોર્ડ કંપનીનો પ્રવેશ થયો હતો. તેઓ મારી પાસે હિન્દી આલબમની પ્રપોઝલ લઇને આવ્યા હતા અને મે તેઓને ગુજરાતી આલ્બમ બનાવવા કહ્યુ. શરૃઆતમા તેઓને ખચકાટ થયો પણ પછીથી ચાર ગઝલોનો મારો પહેલો આલ્બમ પ્રિતના શમણા બહાર પડયુ. જો કે સાથે સાથે હિન્દી ફિલ્મોમા પ્લેબેકની સફર પણ મારી ચાલુ રહી હતી. અને હું સદભાગી રહ્યો કે સંગીતની યુનિવર્સિટી કહી શકાય તેવા ગાયકો મુકેશ, રફી અને લતા મંગેશકર સાથે મને ગાવાની તક મળી હતી. જો કે આટલા વર્ષો બાદ પણ મારો ગુજરાતી ગઝલ પ્રત્યેનો પ્રેમ સહેજ પણ ઓછો થયો નથી. ટુંક સમયમા મારૃ ૩૧મુ આલબમ આવશે. ગુજરાતી ગઝલ ગાયન ક્ષેત્રમા નવા કલાકારો કેમ રસ ધરાવતા નથી તેવા સવાલના જવાબમા તેઓએ કહ્યુ હતુ કે આજની પેઢીને જ્યા સંઘર્ષ હોય ત્યા નથી જવુ એટલે આ ક્ષેત્રમા કોઇ આવતુ નથી. દરમિયાનમાં આજકાલ હિન્દી ફિલ્મોમા રેપ સોંગના ટ્રેન્ડ અંગે તેઓએ એવુ કહ્યુ હતું કે સમય સમય પ્રમાણે ગીત સંગીત બદલાતુ રહેતુ હોય છે. હું એમ નહી કહુ કે આજના ગીત સંગીત ખરાબ છે કેમ કે તે આજના સમયની માંગ છે. જેમ મારા આવનારા આલબમમા કિરણસિંહ ચૌહાણની ગઝલ છે કે '' સુખ ગયુુતુ એ રીતે દુઃખ રવાના થઇ જશે, આપણા દિવસો ફરી બહુ મજાના થઇ જશે'' તેમ આજે સંગીતમા જે ટ્રેન્ડ છે તે પણ એક દિવસ જતો રહેશે. જે ગીત સંગીત સારા હશે તે સનાતન રહેશે. એટલે જ જુના હિન્દી ફિલ્મી ગીતો આજે પણ લોકો સાંભળે છે.