સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By

અકબર બીરબલની વાર્તા - ઉંટની ગરદન વાંકી કેમ ?

અકબર બિરબલના હાજર જવાબીના કાયલ હતાં, એક દિવસ તેમણે દરબારમાં ખુશ થઈને બીરબલને કંઈક પુરસ્કાર આપવાની ઘોષણા કરી. પરંતુ ઘણાં દિવસો પસાર થઈ ગયાં બાદ પણ બિરબલને ધનની રકમ (પુરસ્કાર) ન મળી બિરબલ ખુબ જ મુંઝવણમાં હતો કે બાદશાહને આ વાત કેવી રીતે યાદ અપાવવી?

એક દિવસ મહારાજા અકબર યમુના નદીના કિનારે સાંજે ફરી રહ્યાં હતાં. બીરબલ પણ તેમની સાથે હતાં, અકબરે ત્યાં એક ઉંટને ફરતું જોયું. અકબરે બિરબલને પુછ્યું, બીરબલ કહે તો, ઉંટની ગરદન વળેલી કેમ હોય છે?

બીરબલે વિચાર્યું મહારાજને તેમનો વાયદો યાદ અપાવવાનો આ યોગ્ય સમય છે. બીરબલે કહ્યું, મહારાજ આ ઉંટ કોઈની સાથે વાયદો કરીને ભુલી ગયું છે, જેના લીધે ઉંટની ગરદન વળી ગઈ છે. મહારાજ, કહેવાય છે કે જે કોઈ પણ વાયદો કરીને ભુલી જાય છે ભગવાન તેની ગરદન આ ઉંટની જેમ વાળી દે છે. આ એક રીતની સજા છે.

ત્યારે અકબરને યાદ આવે છે કે, તેમણે પણ બીરબલને એક વાયદો કર્યો હતો અને ભુલી ગયાં છે. તેમણે બીરબલને ઝડપથી મહેલમાં ચાલવા માટે કહ્યું. અને મહેલમાં પહોચતાંની સાથે જ તેમણે બીરબલને તેની પુરસ્કારને રકમ સોંપી દિધી અને કહ્યું હવે તો મારી ગરદન ઉંટની જેમ નહિ વળી જાય ને બીરબલ ! આટલુ કહીને અકબર જોરથી હસી પડ્યાં. અને આ રીતે બિરબલે પણ માંગ્યા વિના ચતુરાઈથી પોતાનો પુરસ્કાર મેળવી લીધો.