1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

ક્યાં છે બાળપણ ?

બાળદિવસ પર વિશેષ

ક્યાં છે બાળપણ ?
W.D
બાળકો, એટલે નિર્દોષ, કોમળ અને નાદાન વ્યક્તિત્વ. બાળકો ગમે તે જાતિના હોય પણ તેમને જોઈને ગમે તેવા શિસ્તબધ્ધ વ્યક્તિને તેને રમાડવાની કે તેની સામે જોઈને હસવાની ઈચ્છા થાય. બાળકો છે તો આજે પણ આપણા ચહેરા પર હાસ્ય છે. બાળકો છે તો તમારા ઘરમાં રોનક છે. પણ શુ તમે કદી વિચાર્યુ છે કે જેવું બાળપણ તમે વિતાવ્યુ એવું તમે તમારા બાળકોને આપી રહ્યા છો ? જેટલી ચંચળતા અને મજાક-મસ્તી તમારામાં હતી તેટલી આજના બાળકોને કરવાની આઝાદી મળે છે.

આજે બાળકો પર સૌથી વધુ કોઈ જુલ્મ થતો હોય તો એ છે નાની ઉંમરમાં ભણતરનો બોજ. આપણે સૌ જે ઉંમરમાં મસ્તી. મજા અને ધમાચકડી કરતા હતા તે ઉંમરમાં માત્ર 3 વર્ષની ઉંમરમાં ભણવા જવું પડે છે. એ પણ ઓછુ પડતુ હોય તેમ પાછુ મા-બાપનું બાળકો પર દબાણ કે ભણવામાં પણ પાછી ગ્રેડ આવવી જોઈએ. પોતાના બાળકો પોતાના મિત્રોના બાળકો કરતાં પાછળ ન રહેવા જોઈએ. કારણ કે એ તો પાછી એમની ઈજ્જતનો સવાલ બની જાય છે. ભાઈ, તમે કેટલા હોશિયાર હતા બાળપણમાં ? અને તમે જો હોશિયાર હતા તો તેની પાછળ પણ બહુ બધા કારણો હતા. તમારા સમયે ટેલિવિઝન નામનું ઈડિયટ બોક્સ નહોતુ. એક સંયુક્ત પરિવાર હતો, જેમાં દાદા-દાદી, કાકા-કાકીનો પ્રેમ બાળકોને મળતો હતો. બાળકોને સારી સારી વાર્તાઓ સાંભળવા મળતી હતી. ચારે બાજુ લીલોતરી હતી, તેથી બાળકોને કુદરતનું સાંનિધ્ય મળતુ હતુ, પશુ-પક્ષીઓ અને છોડ-વૃક્ષને પ્રત્યક્ષ નિહાળી તેમના વિશેંનું જ્ઞાન મળતુ હતુ.

આજના બાળકોને શું મળે છે ? સીમેંટ-કોંક્રિટના જંગલો ! અદ્યતન વાહનોનો ધુમાડો. પાણી ભેળવેલું દૂધ, મિશ્રિત ઘી, રાસાયણિક ખાતરથી ઉગેલા ફળ-શાકભાજી, અને ટીવીનું પ્રદૂષણ. છતાં આજના બાળકો બહુ બુધ્ધિમાન છે. તમને એવા એવા પ્રશ્નો પૂછી બેસે છે કે ધણીવાર તમને જવાબ આપવો પણ અધરો પડી જાય.

W.D
આજે આપણે બાળકોને ડગલેને પગલે ટોકતાં જ હોય છે. એ ય ધાબાં પર ન જતાં, અરે એને ન અડતો, શુ આખો દિવસ ટીવી લગાવીને બેસી જાય છે, છે ને સાંભળતાં જ નથી આ છોકરાઓતો આજે તો માર ખાઈને જ રહેશે, અરે ભાઈ એ તમારા બાળકો છે કે રિમોટવાળા રમકડાં કે તમે જે આદેશનું બટન દબાવો તે જ કરશે. તે બાળકો છે, તેમને બાળકો જ રહેવા દો. તમે એમને કશુ જ નહી કરવા દો અને કહેશો કે બસ આખો દિવસ ચોપડી લઈને બેસી રહે તો શુ તે ઠીક છે ? આપણે મોટા હોવા છતાં મનોરંજન માટે કોઈને કોઈ તો કામ કરતાં જ હોઈએ છીએ, ટીવી જોઈએ છીએ કે પછી ફોન પર કે આસ-પડોશમાં કોઈની જોડે વાતો કરીએ છીએ તો પછી બાળકો તો બાળકો જ છે.

આજે બાળકોને માથે પણ આપણે કેટલી જવાબદારીઓ સોંપી દઈએ છીએ. નાની-નાની વસ્તુઓ આસપાસની દુકાનોથી મંગાવીએ છીએ, પોતાના નાના ભાઈ બહેનોને રમાડવાની જવાબદારી સોંપીએ છીએ. તમે જોતાં હશો કે બાળ-મજદૂરીનું પ્રમાણ પણ કેટલું વધી રહ્યું છે. થોડાંક રૂપિયા કમાવવા માટે માતા-પિતા કે તેમને સાચવનારા અન્ય લોકો બાળકોને હોટલોમાં, ઘરોમાં કામ કરવા મોકલી દે છે. અને આ કામની જગ્યાએ તેમની પર તેમની વયથી વધુ કામ કરાવીને તેમના પર ત્રાસ ગુજારવામાં આવે છે.

બાળકોને બાળકો જ રહેવા દો, બાળકોને હસવાં દો, રમવા દો તો જ તેમનો યોગ્ય વિકાસ થઈ જશે. વધુ રોકટોક કરવાથી બાળકો
કુંઠિત મનના અને ઉગ્ર સ્વભાવવાળા થઈ જાય છે.
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો