એક દિવસ જંગલમાં એક સિંહ બપોરના સમયે આરામ કરી રહ્યો હતો. પાસેના દરમાં એક ઉંદરનું બચ્ચું રહેતું હતું. તે મસ્તી કરવાના મૂડમાં હતો. તેને સિંહ ને સુતેલો જોઈને તેને છેડવાની ઈચ્છા થઈ. તે સિંહ ના શરીર પર આમ થી તેમ દોડવા લાગ્યો. સિંહને ગલગલીયા થવા લાગ્યા. પહેલા તો સિંહ આમ તેમ કરીને કરવટ બદલી રહ્યો હતો.પણ જ્યારે ઉંદર તેના નાક પાસે આવ્યો ત્યારે તેનાથી ન રહેવાયું. સિંહે ઉંદરને પોતાના પંજામાં પકડી લીધો.
સિંહે ત્રાડ નાખી - " એ નાનકડાં બચ્ચાં તારી આટલી હિમંત કે તુ જંગલના રાજાને પરેશાન કરે ! હવે હું તને નહિં છોડું. ઉંદરનુ બચ્ચું ગભરાઇ ગયું તે સિંહ ને હાથ જોડીને બોલ્યું, "રાજાજી મને માફ કરી દો. મારા જેવા નાનકડાં બચ્ચાંને ખાવામાં તમારા જેવા રાજાને ન શોભે. વળી મને ખાઈને તમારું પેટ પણ નહિ ભરાય. જરુર પડે ત્યારે હું પણ તમારા કામમાં આવીશ. સિંહ હસીને બોલ્યો "તુ વળી મારા શું કામમાં આવવાનો છે? પણ જા હું તને માફ કરૂં છું. પણ ફરી કદી માફ નહિ કરું. ઉંદરનું બચ્ચુ તરતજ ભાગીને પોતાના દરમાં ધૂસી ગયું.
એક દિવસ સિંહ રોજની જેમ બપોરના સમયે ઉંધી રહ્યો હતો. મોકાનો ફાયદો ઉઠાવતા એક શિકારીએ આવીને જાળ પાથરી દીધો, જ્યારે સિંહ ઊઠ્યો ત્યારે તે શિકારીની જાળમાં ફસાઇ ગયો હતો. જાળમાંથી નીકળવા માટે સિંહે ઘણી કોશિશ કરી પરંતુ તે વધુને વધુ તેમા ફસાતો ગયો. હવે તે ખૂબ ડરી ગયો. અને જોર-જોરથી ત્રાડ નાખવા માંડ્યો.
તેની ચીસો સાંભળી પેલું ઉંદરનું બચ્ચું પોતાના દરમાંથી બહાર આવ્યું. અને તરતજ સિંહની મદદ માટે પહોંચી ગયું. થોડી જ વારમા ઉંદરે પોતાના દાંત વડે જાળને કાપી નાખી. અને સિંહને મુક્ત કર્યો.
સિંહને અહેસાસ થયો કે સમય પડે ત્યારે નાનામાં નાની વ્યકિત પણ કામમાં આવી શકે છે. તેણે ઉંદરનો આભાર માન્યો. ત્યારથી ઉંદર અને સિંહ વચ્ચે દોસ્તી થઈ ગઈ.