મહાશિવરાત્રીનાં દિવસે પૂ.ભારતી આશ્રમ ખાતે નવનિર્મિત ભોજનાલયનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી મોદીના હસ્તે
જૂનાગઢ(એજંસી) હર...હર...મહાદેવઃ જુનાગઢના ભવનાથ મંદિરે મહાશિવરાત્રી મેળામાં આજના દિવસે શ્રદ્ધાળુઓની ભીડ જામી છે. દ્ગિંબર સાધુઓનાં ધુણા ધખધખી રહ્યા છે. અંગે ભભૂતી લગાડી નાગા સાધુઓ ચલમનાં કશ ખેંચી રહ્યા છે. મહા શિવરાત્રીએ દ્ગિંબર સાધુની રવેડીયાત્રા યોજવા તડામાર તૈયારીઓ થઈ રહી છે. દ્ગિંબર સાધ્વીજીઓ પણ રવેડીયાત્રામાં દર વર્ષે જોડાઈ છે.
ભાવિકોની પાંખી હાજરી વચ્ચે મહાશિવરાત્રીનો મેળો આજે પાંચમાં દિવસમાં પ્રવેશ્યો છે. આજથી ભાવિકોનો ભવનાથ તળેટી તરફ ભારે પ્રવાહ વહેતો શરૂ થઇ ગયો છે. મેળાનાં અંતિમ દિવસે જ શ્રદ્ધાળુ લોકો નાગાસાધુઓના રવેડી સરઘસના દર્શન કરવા ભારે ઘસારો કરશે તેવી સંભાવના છે. મહાશિવરાત્રીનાં દિવસે પૂ.ભારતી આશ્રમ ખાતે નવનિર્મિત ભોજનાલયનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે.
મુખ્યમંત્રીના સીધા ભવનાથનાં આગમન માટે મંગલનાથ બાપુની જગ્યાનાં પાછળનાં મેદાનમાં હેલીપેડ બનાવવાની કામગીરી પણ યુદ્ધનાં ધોરણે ચાલી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળા દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ગત તા.3ના નાણામંત્રી વજુભાઈ વાળાએ સાંસ્કૃતિક કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. નૃત્ય ભારતી સંસ્થા અમદાવાદ-દ્વારા અદ્ભૂત શિવ શકિત નૃત્ય નાટીકા પ્રસ્તુત કરાયુ હતું જે નિહાળી અસંખ્ય લોકો મંત્રમુગ્ધ બન્યા હતાં. શિવરાત્રીનો મેળો જૂનાગઢની બજાર વેપાર ધંધામાં અનેરી રોનક લાવી દે છે. અંદાજે પાંચ થી આઠ લાખ લોકો શિવરાત્રીનો મેળો માણવા આવે છે. રીક્ષા ચાલક, ખાનગી ટ્રાવેલ્સો, એસટી, રેલ્વે હોટલ-રેસ્ટોરા, શાકભમાજી, કરીયાણાના વેપારી વિગેરેનાં આ પાંચ દિવસીય મેળામાં ખીલી ઉઠે છે. અંદાજે રૂ. 50 કરોડથી વધુનું ટર્ન ઓવર થાય છે. નાણામંત્રી વજુભાઈ વાળાએ વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરાયેલ જૂનાગઢ જિલ્લાની પાંચ વર્ષની વિકાસ ગાથાને આવરી લેતી "વિકાસ વાટીકા'' પુસ્તીકાનું પણ વિમોચન કર્યુ હતું. યાત્રિકોનો પ્રવાહ વધ્યો છે અને ભજન-ભોજનથી ઉતારામાં ધમધમાટ
આજે બેલાખ ભાવિકોએ મેળાની રંગત માણી હતી. જયારે ચાર દિવસો દરમ્યાન આશરે સાડાચાર લાખ શ્રઘ્ધાળુઓ મેળામાં આવ્યા હોવાનો અંદાજ છે.
મહાશિવરાત્રિના મેળામાં છેલ્લા ત્રણ દિવસથી ભાવિકોની હાજરી પાંખી રહી હતી. પ્રથમ દિવસે 50 હજાર ભાવિકો બીજા દિવસે એક લાખ, ત્રીજા દિવસે એક લાખ તેમજ ગઇકાલે ચોથા દિવસે બે લાખ ભાવિકો મેળામાં આવ્યા હોવાનો અંદાજ છે.
મેળામાં અન્નાક્ષેત્રો, ઉતારા અને ભજન મંડળીઓ છેલ્લા ચાર દિવસથી કાર્યરત છે. આજે મેળામાં ભવનાગર, જામનગર, અમરેલી તેમજ રાજકોટના ભાવિકો પણ ઉમટી પડયા હતા.
ભાવિકોને વિનામૂલ્યે નિદાન, સારવાર અને દવા
ભવનાથ વિસ્તારમાં શિવરાત્રિના મેળામાં ઠેર ઠેર થી આવતા ભાવિકો ને લેઉવા પટેલ સમાજ ખાતે રાજકોટના બાબુેભાઈ લક્ષ્મણભાઈ ખુંટ દ્વારા દવાખાનું ખોલવામાં આવ્યું છે. જેમાં નિદાન, સારવાર થી માંડી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.