બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રી
Written By
Last Updated : શનિવાર, 2 માર્ચ 2024 (17:26 IST)

Mahashivratri 2024: મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે ? જાણો આ તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક કથા અને માન્યતા

mahashivratri
mahashivratri 
Mahashivratri 2024 Mythology Story: દર વર્ષે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે, શિવભક્તો દેવી પાર્વતી અને ભોલેનાથની સંપૂર્ણ વિધિ સાથે પૂજા કરે છે. દરેક શિવ મંદિરોને ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. મહાશિવરાત્રી નિમિત્તે અનેક મંદિરોમાં મહાદેવનો વિશેષ શણગાર કરવામાં આવે છે.  આ શુભ દિવસે વ્રત કરવાથી અને ભગવાન શિવ અને માતા ગૌરીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યારે કુંવારી યુવતીઓને યોગ્ય અને ઈચ્છિત જીવનસાથી મળે છે. મહાશિવરાત્રીના અવસર પર  દેશના વિવિધ ભાગોમાં શિવજીની ભવ્ય  શોભાયાત્રાઓ પણ કાઢવામાં આવે છે. તો ચાલો હવે જાણીએ કે મહાશિવરાત્રીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે. આની પાછળ કઈ ધાર્મિક કથાઓ અને માન્યતાઓ  જોડાયેલી છે?
 
મહાશિવરાત્રી પર્વ વિશે પૌરાણિક કથા
મહાદેવના લગ્ન દક્ષ પ્રજાપતિની પુત્રી દેવી સતી સાથે થયા હતા. દક્ષ શિવજીને પસંદ નહોતા કરતા, તેથી તેમણે મહાદેવને પોતાના જમાઈ તરીકે ક્યારેય સ્વીકાર્યા નહીં. એકવાર દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું જેમાં તેમણે ભગવાન શિવ અને માતા સતી સિવાય બધાને આમંત્રણ આપ્યું. જ્યારે માતા સતીને આ વાતની જાણ થઈ ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગયા અને આમંત્રણ ન હોવા  છતાં તેમણે ત્યાં જવાનું નક્કી કર્યું. મહાદેવના સમજાવ્યા છતા પણ સતીજી માન્યા નહીં અને યજ્ઞમાં ભાગ લેવા પિતાના ઘરે પહોંચી ગયા. સતીને જોઈને પ્રજાપતિ દક્ષ ખૂબ ગુસ્સે થઈ ગયા અને ભોલેનાથનું અપમાન કરવા લાગ્યા. માતા સતી ભગવાન શિવ પ્રત્યે દક્ષ દ્વારા ઉચ્ચારવામાં આવેલા શબ્દો અને અપમાનને સહન ન કરી શક્યા અને તેમણે તે જ યજ્ઞકુંડમાં ખુદને ભસ્મ કરી નાખ્યા
 
ત્યારબાદ હજારો વર્ષો પછી  દેવી સતીનો બીજો   જન્મ પર્વતરાજ હિમાલયના ઘરે થયો. પર્વતરાજના ઘરે જન્મ લેવાને કારણે તેમનું નામ પાર્વતી પડ્યું. માતા પાર્વતીને ભગવાન શિવ સાથે લગ્ન કરવા માટે ખૂબ જ કઠોર તપસ્યા કરવી પડી હતી. એવું કહેવાય છે કે તેમની તપસ્યાને કારણે ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો. માતા પાર્વતીએ અન્ન-જળનો ત્યાગ કરીને  વર્ષો ભોલેનાથની પૂજા કરી. આ સમય દરમિયાન  તેઓ  દરરોજ શિવલિંગ પર જળ અને બેલના પાન ચઢાવતા હતા. જેથી ભોલે ભંડારી તેમની તપસ્યાથી પ્રસન્ન થાય. છેવટે ભગવાન શિવ દેવી પાર્વતીની તપસ્યા અને નિર્સ્વાર્થ પ્રેમથી પ્રસન્ન થયા અને તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધા. પૌરાણિક કથા અનુસાર, ભગવાન શિવે પાર્વતીને કહ્યું હતું કે અત્યાર સુધી તેઓ વૈરાગિક જીવન  જીવતા રહયા છે અને તેમની પાસે અન્ય દેવતાઓની જેમ કોઈ રાજમહેલ નથી, તેથી તેઓ તેમને ઘરેણાં કે મહેલ નહીં આપી શકે. ત્યારે માતા પાર્વતીએ ફક્ત શિવજીનો જ સાથ  માંગ્યો અને લગ્ન પછી તેઓ કૈલાસ પર્વત પર ખુશી ખુશી રહેવા લાગ્યા. આજે, ભગવાન શિવ અને માતા પાર્વતીનું લગ્ન જીવન સૌથી સુખી છે અને દરેક કોઈ તેમના જેવા સંપન્ન પરિવારની ઈચ્છા ધરાવે છે.