મંગળવાર, 19 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. ફિલ્મ સમીક્ષા
Written By વેબ દુનિયા|

ભૂતનાથ : હસાવતુ-રડાવતું ભૂત

IFM
નિર્માતા : બી.આર. ચોપડા-રવિ ચોપડા
નિર્દેશક : વિવેક શર્મ
સંગીત: વિશાલ શેખ
કલાકાર : અમિતાભ બચ્ચન, અમન સિદ્દકી, જૂહી ચાવલા, શાહરૂખ ખાન, સતીશ શાહ, રાજપાલા યાદવ, પ્રિયાંશુ ચટર્જી.

ભૂત-પ્રેતની ફિલ્મો માટે જરૂર હોય છે વીરાન જગ્યાએ એક મોટી હવેલીની. 'ભૂતનાથ'માં આ જ પ્રકારની હવેલી છે, જેમાં એક માઁ પોતાના સાત વર્ષના છોકરા સાથે રહે છે. હવેલીમાં એક ભૂત પણ રહે છે..

અહીં સુધી તો 'ભૂતનાથ' સામાન્ય ભૂત-પ્રેત પર બનનારી ફિલ્મોની જેવી છે, પણ જે વાત આ ફિલ્મને બીજી ભૂતની ફિલ્મોથી અલગ પાડે છે એ તે છે કે આ ફિલ્મનુ ભૂત બીવડાવતુ નથી. તેની અંદર એક માણસ જેવી લાગણીઓ છે. તેનુ પણ દિલ છે, જેના દ્વારા તે ખુશી અને દુ:ખનો અનુભવ કરે છે.

'ભૂતનાથ'ની સ્ટોરી કાલ્પનિક, સરળ અને સીધી છે. વધુ ઉતાર ચઢાવ નથી. પણ આ વાર્તાને નિર્દેશક વિવેક શર્માએ પડદાં પર ખૂબ જ સરસ રીતે રજૂ કરી છે, જેમા એક સાધારણ વાર્તાનુ સ્તર ઉપર ઉઠયુ છે.

બંકૂ(અમન સિદ્દીકી)ના કુંટુબમાં પપ્પા(શાહરૂખ ખાન) અને મમ્મી(જૂહી ચાવલા) છે. ગોવામાં તેમણે કંપની તરફથી કૈલાશનાથની હવેલીમાં રહેવાનુ મળે છે. આ હવેલી વિશે એવુ મનાય છે કે આમાં ભૂત રહે છે.

કૈલાશનાથ ભૂત બની ગયો છે અને તેને આ ઘરમાં કોઈ રહે એ બિલકુલ પસંદ નથી. તે બંકૂને બીવડાવવાની કોશિશ કરે છે, પણ બંકૂ પર આની કોઈ અસર નથી થતી. બંકૂ તેને ભૂતનાથના નામથી બોલાવે છે અને બંને વચ્ચે દોસ્તી થઈ જાય છે.

તેઓ સાથે મળીને બહુ મસ્તી કરે છે. ભૂતનાથ ફક્ત બંકૂને જ દેખાય છે. એક દિવસ કૈલાશનાથનો છોકરો અમેરિકાથી આવીને હવેલી વેચવાનો પ્રયત્ન કરે છે. અહીંથી વાર્તામાં વળાંક આવી જાય છે.

IFM
નિર્દેશકે નાની નાની ઘટનાઓ દ્વારા ઘણા સંદેશ આપ્યા છે. સ્પોર્ટસ-ડેના દિવસે બંકૂ રમતના મેદાનમાં સતત હારતો રહે છે. તે ઈચ્છે છે કે ભૂતનાથ કોઈ ચમત્કાર બતાવે અને પોતે જીતી જાય.

કીડીનુ ઉદાહરણ આપી ભૂતનાથ તેને કહે છે કે ચમત્કાર જેવી કોઈ વસ્તુ નથી હોતી, ફક્ત સખત મહેનત દ્વારા જ સફળતા મેળવી શકાય છે. બીજાને માટે જે ખાડો ખોદે તે પોતે જ તેમાં પડે છે અને ક્ષમાના મહત્વને પણ ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે.

નવી પેઢી પોતાના કેરિયરને હદથી વધુ મહત્વ આપે છે અને જેને કારણે પોતાના માતા-પિતાને ઉપેક્ષિત કરે છે. આ હકીકતને પણ 'ભૂતનાથ'માં બતાવવામાં આવી છે.

જ્યારે કૈલાશનાથના છોકરાનુ કેરિયર માટે પોતાના પિતાની ઈચ્છાના વિરુધ્ધ અમેરિકા જવાનો નિર્ણય લે છે તો કૈલાશનાથ આને પોતાની ભૂલ માને છે જે તેમના ઉછેરમાં કોઈ ભૂલ રહી ગઈ છે. આ દ્રશ્યના દ્વારા બે પેઢીઓનો વિચારમાં અંતરને બતાવવામાં આવ્યુ છે.

નિર્દેશક વિવેક શર્માની ફિલ્મ માધ્યમ પર પકડ છે. ફિલ્મ જોઈને એવુ લાગતુ નથી કે આ તેમની પહેલી ફિલ્મ છે. તેમણે ફિલ્મ એ રીતે બનાવી છે કે દર્શકો ફિલ્મમાં ખોવાઈ જાય છે. ફિલ્મમાં પાત્રો ઘણા ઓછા છે પણ તે છતા એકરસતા નથી આવતી.

કેટલીક ખામીયો પણ છે. મધ્યાંતર પહેલાવાળો ભાગ ખૂબ જ મનોરંજક છે. પણ પછી ગંભીરતા આવી જાય છે અને આ ભાગમાં બાળકોના બદલે વયસ્કોનુ ધ્યાન રાખવામાં આવ્યુ છે. આ ભાગમાં પણ થોડા હળવા મનોરંજક દ્રશ્યોનો સમાવેશ કરવો જોઈતો હતો.

ફિલ્મનો અંત પણ એવો નથી કે જે બધા દર્શકોને સંતુષ્ટ કરી શકે. ફિલ્મનો છેલ્લો કલાક થોડો લાંબો છે. કેટલાક ગીત અને દ્રશ્ય ઓછા કરી તેને નાના કરી શકાય છે. ફિલ્મનુ સંગીત સરેરાશ જેટલું છે. જાવેદ અખ્તરે અર્થપૂર્ણ ગીત લખ્યા છે, પણ વિશાલ શેખર ધૂન તે સ્તરની ન બનાવી શકયા. 'છોડો ભી જાને દો' ફિલ્મનુ ઉત્તમ ગીત છે.
IFM

અમિતાભ બચ્ચને ફિલ્મમાં મુખ્ય ભાગ ભજવ્યો છે, એક વાર ફરી તેમણે બતાવી દીધુ છે કે તેમની અભિનય પ્રતિભાને કોઈ સીમામાં કેદ નથી કરી શકાતી. અમન સિદ્દીકીએ અમિતાભને કડી ટક્કર આપી છે. તેમનો અભિનય આત્મવિશ્વાસથી ભરેલો અને નેચરલ છે.

શાહરૂખ ખાનની ભૂમિકા પ્રભાવશાળી તો નથી પણ આખી ફિલ્મમાં તે વચ્ચે વચ્ચે આવતા રહે છે. જૂહી ચાવલાએ ખૂબ જ સરળતાથી પોતાનુ પાત્ર ભજવ્યુ છે. પ્રિંસીપલ બનેલા સતીશ શાહે બાળકોને ખૂબ હસાવ્યા છે. રાજપાલ યાદવને વધુ તક નથી મળી.

બધુ મળીને 'ભૂતનાથ' એક સાફ સુથરી અને મનોરંજક ફિલ્મ છે. મોટા લોકો પણ જો બાળક બનીને ફિલ્મ જુએ તો તેમણે ફિલ્મ વધુ ગમશે.