બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 2 ડિસેમ્બર 2024 (10:03 IST)

તામિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠે ચક્રવાતી વાવાઝોડું ફેંગલ ત્રાટક્યું, વહીવટીતંત્ર હાઈ ઍલર્ટ પર

તામિલનાડુ અને પુડુચેરીના દરિયાકિનારે ચક્રવાતી વાવાઝોડું ફેંગલ ત્રાટક્યું છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) મુજબ શનિવારે રાત્રે 10:30થી 11:30 વાગ્યાની વચ્ચે વાવાઝોડું દરિયાકાંઠે ત્રાટક્યું હતું.
 
આઈએમડી મુજબ આ ગાળા દરમિયાન પવનની ઝડપ 70થી 80 કિમી પ્રતિ કલાકથી લઈને 90 કિમી પ્રતિકલાકની હોઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે ફેંગલ વાવાઝોડું પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશામાં 
 
ધીમે ધીમે આગળ વધશે.
 
હવામાન વિભાગે કહ્યું છે કે આગામી કેટલાક કલાકો દરમિયાન વાવાઝોડું ધીમે ધીમે નબળું પડતું જશે.
 
હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ મુજબ વાવાઝોડું ફેંગલ ઉત્તર કિનારાવર્તી તામિલનાડુ અને પુડુચેરી પર બપોરે 12:30 વાગ્યે સ્થિર હતું. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 65-75 કિમી પ્રતિકલાકથી 
 
85 કિમી પ્રતિકલાકની રહી હશે.
 
આઈએમડીએ કહ્યું કે ચેન્નાઈ અને કરાઈકલમાં ડૉપ્લર વેધર રડાર દ્વારા વાવાઝોડા પર સતત નજર રાખવામાં આવી રહી છે.
 
ફેંગલને કારણે શનિવારે ચેન્નાઈમાં 11.4 સેમી અને પુડુચેરીમાં 39 સેમી વરસાદ પડ્યો હતો. શનિવારે ચેન્નાઈ સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી.
 
તામિલનાડુ સરકારે આ દરમિયાન શાળા-કૉલેજોમાં રજાની જાહેરાત કરી છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
 
તામિલનાડુ અને પુડુચેરીમાં વહીવટીતંત્ર અત્યારે હાઈ ઍલર્ટ પર છે. શૈક્ષણિક સંસ્થાઓને હાલમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા ન યોજવા તથા વિશેષ વર્ગ ન રાખવા માટે કહેવામાં આવ્યું છે.
 
ફેંગલના કારણે તામિલનાડુના ઘણા ભાગોમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ પણ જાહેર કરાયું છે. ભારે વરસાદને કારણે ઘણી ફ્લાઇટ પણ રદ કરવી પડી હતી.