બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 24 ઑગસ્ટ 2019 (17:22 IST)

અરુણ જેટલીનું નિધન : અમિત શાહ સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો

નરેન્દ્ર મોદીની ગત સરકારમાં નાણામંત્રી અરુણ જેટલીનું શનિવારે અવસાન થયું છે, તેઓ 67 વર્ષના હતા. ગૃહમંત્રી અમિત શાહ તેમનો હૈદરાબાદ ખાતેનો પ્રવાસ ટૂંકાવીને જેટલીને અંજલિ આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
 
નવમી ઑગસ્ટથી જેટલી નવી દિલ્હીની AIIMS (ઑલ ઇંડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ) ખાતે આઈસીયૂમાં સારવાર હેઠળ હતા. ઍઇમ્સના પ્રવક્તા આરતી વિજના કહેવા પ્રમાણે, જેટલીએ શનિવારે બપોરે 12 વાગ્યા અને સાત મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા. મે મહિનામાં જેટલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે આરોગ્યના કારણસર તેઓ કોઈ સરકારી જવાબદારી લેવા નથી માગતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી-7 બેઠકમાં ભાગ લેવા માટે ફ્રાન્સ પહોંચ્યા છે. આ પહેલાં તેમણે યૂએઈ તથા બહેરિનની યાત્રાએ છે.
 
મોદીએ આપી શ્રદ્ધાંજલિ
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર ટ્વીટ કરીને જેટલીને શ્રદ્ધાંજલિ આપતાં ટ્વીટ્સ કર્યા હતા. તેમણે લખ્યું: "મેં પરમ મિત્ર ગુમાવી દીધો. તેમને દાયકાઓથી ઓળખવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. તેઓ દરેક મુદ્દાને સારી રીતે સમજતા હતા." 
 
"તેઓ અમને સુખત સ્મૃતિઓ સાથે છોડી ગયા. અમે તેમને સદા યાદ રાખીશું."
 
અન્ય એક ટ્વીટમાં મોદીએ લખ્યું, "ભાજપ તથા જેટલી વચ્ચે અતૂટ સંબંધ હતો. વિદ્યાર્થી નેતા તરીકે કટોકટી સમયે સૌથી અગ્રેસર રહીને તેમણે અમારી રક્ષા કરી હતી."
 
"તેઓ અમારી પાર્ટીનો લોકપ્રિય ચહેરો હતા. તેમણે સમાજના અલગ-અલગ વર્ગની વચ્ચે જઈને પાર્ટીના કાર્યક્રમો તથા વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કર્યા."
 
શાહે આપી શ્રદ્ધાંજલિ

 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અરુણ જેટલીના નિધનને 'વ્યક્તિગત ક્ષતિ' જણાવી હતી. તેમણે લખ્યું, "તેમના સ્વરૂપમાં મેં સંગઠનના વરિષ્ઠ નેતા જ નહીં, પરંતુ પરિવારનો એક એવો સભ્ય ગુમાવ્યો છે, જેમનો સહયોગ અને માર્ગદર્શન મને વર્ષોથી મળતા રહ્યા."
 
કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે લખ્યું, "અરુણ જેટલી અનેક હોદ્દા ઉપર રહીને દેશની સેવા કરી. તેઓ પક્ષ તથા સરકાર માટે સંપત્તિ સમાન હતા."
 
"દરેક મુદ્દે તેની ઊંડી સમજ હતી. જ્ઞાન તથા વાત કરવાની સ્પષ્ટ સમજને કારણે તેમણએ અનેક મિત્ર બનાવ્યા હતા."
 
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું, 'પ્રતિભાશાળી વકીલ, સંસદસભ્ય તથા પ્રધાન, એમ રાષ્ટ્રના નિર્માણમાં જેટલીએ અભૂતપૂર્વ યોગદાન આપ્યું.'

 
નાણામંત્રી તરીકે જેટલીના અનુગામી નિર્મલા સિતારમણે લખ્યું કે 'શ્રી જેટલીના નિધનથી જે ખોટ પડી છે, તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.'
 
'તેઓ અનેકના ગુરૂ, માર્ગદર્શક તથા નૈતિક સહયોગી હતા. વિશાળ હૃદયી વ્યક્તિ, જેની કોઈ સરખામણી ન થઈ શકે.'
 
વિપક્ષે વ્યક્ત કર્યો શોક
 
કૉંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું, "અમે શ્રી અરુણ જેટલીના નિધનથી દુખી છીએ. અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે."
 
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું, "પૂર્વ નાણામંત્રી અને વરિષ્ઠ નેતા અરુણ જેટલીના અસમય નિધનથી દેશને મોટી ખોટ પડી છે."
 
"એક દિગ્ગજ વકીલ અને સુશાસનના મુદ્દે દેશ તેમને સદૈવ યાદ રાખશે. દુખની આ ઘડીમાં અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે."