ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 લોકોનો ખાત્મો, ભારતનો મોસ્ટવોંટેડ રઉફ અસગર પણ આવ્યો એયર સ્ટ્રાઈકની ચપેટમાં
ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો માર્યા ગયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મસૂદ અઝહરનો આતંકવાદી ભાઈ રઉફ અસગર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. માર્યા ગયેલા લોકોની યાદીમાં મસૂદ અઝહરના ભાઈ અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી રૌફ અસગરના પુત્ર હુઝૈફાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રૌફ અસગરના ભાઈની પત્નીના મૃત્યુના સમાચાર પણ આવી રહ્યા છે.
કોણ છે મસૂદ અઝહર ?
મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક અને મોસ્ટ વોંટેડ આતંકી છે. મસૂદને ભારત માટે સૌથી ખતરનાક આતંકવાદીઓમાંનો એક માનવામાં આવે છે. મસૂદ અઝહરની 1999માં ઇન્ડિયન એરલાઇન્સના હાઇજેકના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં બંધકોને મુક્ત કરવાના બદલામાં તેને છોડી દેવામાં આવ્યો હતો. ત્યારથી, તે પાકિસ્તાનમાં છુપાઈ રહ્યો છે અને અનેક મોટા આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યો છે.
મસૂદ અઝહરના નેતૃત્વ હેઠળ જૈશ-એ-મોહમ્મદે 2001માં ભારતીય સંસદ પર હુમલો, 2000માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર હુમલો, 2016માં પઠાણકોટ એરબેઝ પર હુમલો અને 2019માં પુલવામામાં આત્મઘાતી હુમલો જેવી ઘણી મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો હતો.
મસૂદની મદરસા પર હુમલો
'ઓપરેશન સિંદૂર' હેઠળ, ભારતીય સેનાએ મસૂદ અઝહરના આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કર્યો, જેમાં બહાવલપુરમાં તેના મદરેસા અને જૈશના મુખ્યાલયને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યું. આ હુમલો 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.
મસૂદ અઝહરને 2019 માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આતંકવાદીઓને તાલીમ આપી રહ્યો છે અને તેના સંગઠનનો વિસ્તાર કરવા માટે નવા મદરેસા ખોલવાની યોજના બનાવી રહ્યો છે.