વીડિયોમાં સેનાની જીપ પર બંધાયેલ દેખાય રહેલ વ્યક્તિ આવ્યો સામે, સુનાવી આપબીતી
સીઆરપીએફના જવાનને સ્થાનિક યુવકો દ્વારા લાતો મારવાની ઘટના હજુ તાજી છે ત્યાં કાશ્મીરના એક સ્થાનિક યુવાનને આર્મીની જીપની આગળ બાંધીને ફેરવવામાં આવવાના બનાવે હિંસાની આગમાં વધુ પેટ્રોલ છાંટ્યું છે. જે યુવકને જીપની આગળ બાંધવામાં આવ્યો છે તે આર્મીનો વિરોધ કરતો હતો તેમ કહેવાય છે. ફારૂક દાર તરીકે ઓળખાયેલા આ યુવકને રાષ્ટ્રીય રાયફલના જવાનોએ પથ્થરબાજોથી રક્ષણ મેળવવા માટે 'માનવઢાલ' તરીકે જીપની આગળ દોરી વડે બાંધી દીધો હતો અને ૧૦થી ૧૨ ગામમાં ફેરવ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં કાશ્મીરમાં વધુ જનઆક્રોશ ફાટી નીકળે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે. આર્મીએ આ અંગે તપાસ હાથ ધરી હતી જેમાં ઘટના સાચી હોવાનું પુરવાર થયું હતું. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ ટ્વીટર દ્વારા આ વિડીયો શેયર કર્યો હતો અને પોતાનો રોષ બતાવ્યો હતો.
આ વીડિયોમાં જે વ્યક્તિને સૈન્યની જીપ આગળ બાંધવામાં આવ્યો છે તે 26 વર્ષનો ફારુક અહમદ ધર છે. ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતમાં ફારુકે જણાવ્યું કે, તેણે પોતાના જીવનમાં ક્યારેય પથ્થરબાજી કરી નથી. તે પત્થર ફેંકનારો નથી પરંતુ તે કાશ્મીરમાં નાના-મોટા કામ કરું છું.
ફારુકના પરિવારમાં તે અને તેની 70 વર્ષની વૃદ્ધ માતા છે. તે ઘટના અંગે ફારુક જણાવે છે કે તે દિવસે તે પોતાના સંબંધીની અંતિમ યાત્રામાં જઇ રહ્યો હતો. રસ્તામાં વિરોધપ્રદર્શન ચાલી રહ્યું હતું તો તે ત્યાં રોકાયો. થોડી જ વારમાં કેટલાક જવાનોએ તેને પકડ્યો અને મને માર માર્યો અને જીપની આગળ બાંધી દીધો. મને જીપ આગળ બાંધીને નવ ગામ સુધી ફેરવવામાં આવ્યો. બાદમાં મને સીઆરપીએફ કેમ્પમાં લઇ જવામાં આવ્યો અને ત્યાં છોડી મુકાયો હતો.