બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 9 સપ્ટેમ્બર 2024 (07:16 IST)

મણિપુરમાં ફરી ભડકી હિંસા, વૃદ્ધની હત્યા બાદ થયેલા સંઘર્ષમાં ચાર લોકોનાં મોત

manipur fire
મણિપુરમાં ફરી એક વખત હિંસા ભડકી ઉઠી છે અને લોકોના જીવ ગયા છે. મણિપુરના જિરીબામ જિલ્લામાં શનિવારે સવારે 7 સપ્ટેમ્બરે થયેલી હિંસાની નવી ઘટનામાં ચાર શંકાસ્પદ ઉગ્રવાદીઓ અને એક સામાન્ય નાગરિકનાં મોત થયાં છે.
 
આસામની સરહદે આવેલા જિરીબામના મોંગબુંગ ગામ નજીક આ હુમલો થયો હતો.
 
સુરક્ષા દળોના જણાવ્યા પ્રમાણે જિરીબામમાં શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓ દ્વારા મૈતેઈ સમુદાયના એક વૃદ્ધની તેમના ઘરે હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ત્યાં નવેસરથી હિંસા ફાટી નીકળી છે.
 
હાલમાં આ વિસ્તારમાં તણાવ છે અને સુરક્ષા દળોની વધારાની ટુકડીઓ આ વિસ્તારમાં ગોઠવવામાં આવી છે.
 
કેટલાક સ્થાનિક લોકોએ કહ્યું કે શનિવારે સવારે મૈતેઈ સમુદાયના હથિયારધારી જૂથો અને પહાડી કુકી આદિવાસીઓના "ગામ રક્ષા સ્વયંસેવકો" વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો.
 
મોંગબુંગ ગામ પાસે રહેતી કુકી જનજાતિની એક વ્યક્તિએ જણાવ્યું કે આ હુમલો ઉગ્રવાદીઓ વચ્ચે થયો હતો. હાલમાં આ વિસ્તારમાં સુરક્ષાદળોનું અભિયાન ચાલી રહ્યું છે.
 
સુરક્ષાદળોના અધિકારીઓ શું કહે છે?
 
મણિપુરમાં ફરજ બજાવતા સુરક્ષા દળોના એક અધિકારીએ જણાવ્યું કે, "ઉગ્રવાદીઓ સવારે ગામમાં ઘૂસી ગયા અને એક વ્યક્તિની હત્યા કર્યા પછી સામસામે ગોળીબાર શરૂ થયો. આ હત્યા મૈતેઈ અને કુકી જનજાતિ વચ્ચે ચાલતા વંશીય સંઘર્ષનો ભાગ છે. અમને એવા અહેવાલ મળ્યા છે કે મૃત્યુ પામનારાઓમાં કુકી અને મૈતેઈ બંને સમુદાયના લોકો સામેલ છે."
 
મૃતકોમાં સામેલ 63 વર્ષીય વાઈ કુલચંદ્ર મૈતેઈ સમુદાયના હતા. શંકાસ્પદ કુકી ઉગ્રવાદીઓએ જિરીબામ પોલીસ સ્ટેશનથી થોડાક કિલોમીટર દૂર નિંગથેમ ખુનૌ વિસ્તારમાં સવારે 5 વાગ્યાની આસપાસ ગોળી મારીને તેમની હત્યા કરી હતી.
 
કુલચંદ્રના પત્ની વાઈ બેમ્ચાએ મીડિયાને જણાવ્યું કે ઘટના સમયે તેઓ ભોજન બનાવી રહ્યાં હતાં. તે દરમિયાન ત્રણ સશસ્ત્ર હુમલાખોરો તેમના ઘરમાં ઘૂસી આવ્યા અને તેમના પતિને ગોળી મારીને ભાગી ગયા હતા.
 
જિરીબામ જિલ્લાના એસપી કાર્યાલયના એક અધિકારીએ આ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું, "આ હુમલામાં કુલ ચાર લોકોનાં મોત થયાં છે. હાલમાં સુરક્ષા દળો સાથે મળીને પોલીસ આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને નિયંત્રિત કરવામાં વ્યસ્ત છે."
 
શનિવારે થયેલા હુમલા વિશે મણિપુર પોલીસના આઈજીપી (ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ) કે. કબિબે મીડિયાને જણાવ્યું કે પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળની ટીમ પર ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જવાબી ગોળીબાર કરવામાં આવ્યો હતો.
 
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પોલીસને ભારે ગોળીબારના સ્થળેથી સૈન્યના ગણવેશમાં ત્રણ મૃતદેહ મળ્યા છે. હજુ સુધી ત્રણેય મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.
 
મણિપુરમાં છેલ્લા 16 મહિનાથી વંશીય હિંસા ચાલુ છે. તેમાં પણ છેલ્લા બે દિવસમાં ડ્રૉન બૉમ્બ અને રૉકેટ લૉન્ચરથી હુમલા થતા સુરક્ષા દળોની ચિંતા વધી ગઈ છે.
 
મણિપુર પોલીસના આઈજીપી (ઈન્ટેલિજન્સ) કે. કબિબે રાજ્યમાં ફાટી નીકળેલી હિંસા અંગે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, "રાજ્યમાં તાજેતરમાં થયેલી હિંસાને કારણે મણિપુર પોલીસે સંયુક્ત સુરક્ષા દળો સાથે મળીને અમુક કાર્યવાહી કરી છે. અમારા વરિષ્ઠ અધિકારીઓ ગ્રાઉન્ડ પર છે અને જિલ્લા મુખ્યાલયમાં રહીને પરિસ્થિતિ પર સતત નજર રાખે છે. ડ્રૉન હુમલા સહિતની તાજેતરની ઘટનાઓને કારણે રાજ્ય પોલીસે ઍન્ટિ-ડ્રૉન સિસ્ટમ્સ ગોઠવી છે અને આવી વધુ સિસ્ટમો ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે."
 
હિંસા અંગે મુખ્ય મંત્રી બીરેનસિંહે કૅબિનેટની બેઠક યોજી
 
આ અગાઉ રાજ્ય સરકારે કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળવા અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે મજબૂત પ્રતિકારક તંત્રની સાથે સાથે જરૂરી નિવારક અને સાવચેતીનાં પગલાં લેવાની સૂચનાઓ આપી હતી.
 
આ દરમિયાન રાજ્યના મુખ્ય મંત્રી એન. બીરેનસિંહે શનિવારે થયેલી હિંસાના પગલે સાંજે 4 વાગ્યે કૅબિનેટની બેઠક બોલાવીને તેમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી છે.
 
મળતી માહિતી મુજબ ઉગ્રવાદી સંગઠનો પાસે ડ્રૉન બૉમ્બ અને રૉકેટ લૉન્ચર્સ છે તે મામલે કેન્દ્ર સરકારને પત્ર મોકલવામાં આવ્યો છે. આવા સંગઠનો સામે હવે કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.
 
કુકી જનજાતિના સંગઠનો તાજેતરની હિંસા માટે રાજ્યના મુખ્ય મંત્રી એન. બીરેનસિંહની લીક થયેલી ઑડિયોક્લિપને જવાબદાર માને છે, જેમાં મુખ્ય મંત્રી પોતે કથિત રીતે આ વંશીય હિંસામાં સામેલ હોવાનો આરોપ છે.
 
કુકી જનજાતિના સર્વોચ્ચ સંગઠન કુકી ઇનપીના એક ટોચના નેતાએ બીબીસીને કહ્યું, "ગયા અઠવાડિયે મુખ્ય મંત્રીની એક ઑડિયોક્લિપ લીક થયા બાદ રાજ્યમાં ફરી હિંસા શરૂ થઈ. કારણ કે આ ઑડિયોક્લિપ બહાર આવ્યા પછી કુકી સંગઠનોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો."
 
તેમણે કહ્યું કે, "કુકી જનજાતિના સર્વોચ્ચ સંગઠન કુકી ઈન્પી, કુકી વિદ્યાર્થી સંગઠન સહિત ઘણા કુકી સંગઠનોએ શનિવારે એક વિશાળ પ્રદર્શન યોજવા હાકલ કરી હતી."
 
કથિત લીક થયેલી ઑડિયો ટેપને કારણે આ પ્રદર્શનોનું આહ્વાન કરવામાં આવ્યું હતું. ઑડિયો ટેપમાં કથિત રીતે વંશીય સંઘર્ષમાં મુખ્ય મંત્રી એન બીરેનસિંહની સંડોવણીનો ખુલાસો થયો હતો.
 
જોકે, બીબીસી આવી કોઈ ઑડિયોક્લિપની પુષ્ટિ નથી કરતું.
 
મણિપુર સરકારે આ ઑડિયોક્લિપને 'બનાવટી' ગણાવી હતી અને કહ્યું હતું કે વંશીય હિંસાથી પીડિત રાજ્યમાં ચાલી રહેલી 'શાંતિ પ્રક્રિયા'ને ખોરવી નાખવા માટે તેને સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવી હતી.
 
આ અગાઉ શુક્રવારે દિવંગત ભૂતપૂર્વ મુખ્ય મંત્રી મેરેમ્બમ કોઈરેંગના ઘર પર રૉકેટ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને વિષ્ણુપુર જિલ્લામાં બે ઇમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી.
 
ડ્રૉન અને રૉકેટ હુમલાથી ચિંતામાં વધારો
પોલીસનો દાવો છે કે રાજ્યમાં તાજેતરની હિંસામાં ઉગ્રવાદીઓ દ્વારા અત્યાધુનિક ડ્રૉન અને આરપીજી (રૉકેટ પ્રૉપેલ્ડ ગન)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારનાં ભારે હથિયારોનો ઉપયોગ સામાન્ય રીતે યુદ્ધ દરમિયાન થાય છે.
 
પોલીસના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે યુદ્ધમાં ડ્રૉન બૉમ્બનો ઉપયોગ કરવામાં આવે છે. સુરક્ષા દળો અને નાગરિકો સામે તેનો ઉપયોગ એક મોટો પડકાર છે. પોલીસનું કહેવું છે કે, "આ મામલામાં હુમલાખોરોને ઉત્તમ તાલીમ, ટૅક્નિકલ કુશળતા અને મદદ મળતી હોવાની શક્યતા નકારી શકાય નહીં."
 
આ હુમલા પછી રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને પોલીસ કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી કરી રહી છે.
 
મણિપુરમાં દોઢ વર્ષથી હિંસા
મણિપુરમાં લગભગ દોઢ વર્ષથી હિંસા ચાલુ છે. 27 માર્ચ, 2023ના રોજ મણિપુર હાઇકોર્ટે એક આદેશમાં રાજ્ય સરકારને અનુસૂચિત જનજાતિની યાદીમાં મૈતેઈ સમુદાયને સામેલ કરવાના મુદ્દે ઝડપથી વિચાર કરવા કહ્યું હતું.
 
કોર્ટના આ આદેશ પછી થોડા જ દિવસો બાદ રાજ્યમાં વંશીય હિંસા ફાટી નીકળી હતી અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હિંસાને કારણે હજારો લોકો બેઘર બન્યા છે અને જાહેર સંપત્તિને પણ ભારે નુકસાન થયું છે.
 
રાજ્યના મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગને આ હિંસાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. મણિપુરના પહાડી વિસ્તારોમાં વસતા કુકી જનજાતિના લોકો આનો વિરોધ કરી રહ્યા છે.
 
ત્યાર પછી ફેબ્રુઆરી 2024માં મણિપુર હાઇકોર્ટે તેના અગાઉના આદેશમાંથી મૈતેઈ સમુદાયને એસટીનો દરજ્જો આપવાની ભલામણનો ઉલ્લેખ કરતા ભાગને દૂર કર્યો હતો.
 
મણિપુરમાં ગયા વર્ષે શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે. રાજ્યમાં હજુ પણ સ્થિતિ સામાન્ય નથી થઈ.
 
હિંસાથી અસરગ્રસ્ત મૈતેઈ અને કુકી સમુદાયના લોકો મોટી સંખ્યામાં હજુ પણ રાહત શિબિરોમાં રહે છે. હિંસાથી અસર પામેલા કેટલાક લોકોએ ભાગીને પાડોશી રાજ્ય મિઝોરમમાં આશરો લેવો પડ્યો છે.
 
જો કે, તાજેતરના મહિનાઓમાં રાજ્યમાં હિંસાની કોઈ મોટી ઘટના નહોતી બની.