રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 14 ઑગસ્ટ 2024 (15:39 IST)

શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યાં પછીની પહેલી પ્રતિક્રિયામાં શું કહ્યું

શેખ હસીનાએ બાંગ્લાદેશનાં વડાં પ્રધાનપદેથી રાજીનામું આપ્યું, એ પછી પહેલી વખત તેમની સાર્વજનિક પ્રતિક્રિયા આપી છે, જે તેમના દીકરા સાજીબ વાજિદે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી છે.
 
પોતાના નિવેદનમાં શેખ હસીનાએ તા. 15 ઑગસ્ટના દિવસને 'રાષ્ટ્રીય શોક દિવસ' તરીકે પાળવાનું આહ્વાન કર્યું છે, વર્ષ 1975માં આ દિવસે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા તથા શેખ હસીનાના પિતા શેખ મુજીબુર 
 
રહેમાન તથા 15 જેટલા પરિવારજનોની હત્યા કરી દેવામાં આવી હતી. આ સિવાય કેટલાક સૈન્યકર્મીઓ, તેમના પરિવારજનો અને સ્વાતંત્ર્યસેનાનીઓની હત્યા કરી દેવામાં આવી હતી.
 
આ પહેલાં સ્થાનિક મીડિયામાં ચર્ચા હતી કે વચગાળાની સરકાર દ્વારા બાંગ્લાદેશમાં તા. 15મી ઑગસ્ટની રાષ્ટ્રીય રજાને રદ કરી દેવામાં આવશે.
 
આ પછી વર્તમાન સ્થિતિ વિશે લખ્યું, 'ગત જુલાઈથી અત્યાર સુધીમાં આંદોલનના નામે તોડફોડ, હિંસા તથા આગચંપીની ઘટનાઓ ઘટી છે. જેમાં દેશના વિદ્યાર્થી, શિક્ષક, ગર્ભવતી મહિલાઓ, પોલીસ અધિકારીઓ, 
 
પત્રકારો, કાર્યકર્તા, નેતા, અવામી લીગના કાર્યકર્તા આતંકવાદી હુમલાનો ભોગ બન્યા અને જીવ ગુમાવ્યા. હું તેમના પ્રત્યે દુખ વ્યક્ત કરું છું તથા તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.'
 
'હું આ જઘન્ય હત્યાઓ તથા તોડફોડની ઘટનાઓ માટે જવાબદાર લોકોને ઓળખીને તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે ઊંડી તપાસની માગ કરું છું.'
 
બીજી બાજુ, શેખ હસીના તથા છ અન્ય શીર્ષસ્થ નેતાઓ વિરૂદ્ધ હત્યાના કેસની તપાસ હાથ ધરવામાં આવશે. અનામતવિરોધી વિરોધપ્રદર્શનને ડામી દેવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 
 
અનેક વિદ્યાર્થી અને નાગરિક મૃત્યુ પામ્યા હતા. તાજેતરના આંદોલન દરમિયાન ઓછામાં ઓછા 400 લોકો મૃત્યુ પામ્યા છે.
 
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓના ઉગ્રહ અને હિંસક આંદોલન પછી તા. પાંચમી ઑગસ્ટે તેઓ ભારત આવી ગયાં હતાં. એ પછી નોબલ પારિતોષિક વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારનું ગઠન કરવામાં આવ્યું છે.