નવ દિવસ સુધી ગરબાના તાલે ઝૂમવા યુવાધનમાં થનગનાટ

વેબ દુનિયા| Last Modified બુધવાર, 2 ઑક્ટોબર 2013 (10:31 IST)
P.R

મા આઘશકિતની ઉપાસનાનો શ્રેષ્ઠ અવસર અને ગરબા ગુજરાતની સંસ્કૃતિનો પર્યાય બની ગયેલી નવરાત્રી મહોત્સવનો આસો સુદી એકમથી પ્રારંભ થશે. સતત દશેરા સુધી તમામ નાના મોટા નગરો અને કસ્બાઓ મોડી રાત સુધી ધબકતા રહેશે અને પ્રાચીન તથા અર્વાચિન ગરબાઓની તાલે અબાલ વૃધ્ધ આખીરાત સુધી ઝૂમતા રહેશે. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેર જિલ્લામાં પણ નવલા નોરતાનો પ્રારંભ થશે ત્યારે આગોતરી તૈયારીઓમાં ડુબી ગયેલા યુવાધનમાં નવરાત્રીને વિશેષ માણવાનો ગજબનો થનગનાટ જોવા મળી રહ્યો છે...!!
જો કે ભાતીગળ પરંપરાગત શેરી ગરબો હવે લુપ્ત થઇ રહ્યો છે છતાં શહેરમાં થોડા સ્થળો એવા પણ છે જ્યાં હજુ પણ ગરબાની પ્રાચીનતા જળવાઇ રહી છે. અલબત, બદલાતા જતા જમાનાની સીધી અસર ગરબા પર પણ પડી છે, અને આધુનિક ગરબાએ પણ લોકોમાં વિશેષ આકર્ષણ ઉભુ કર્યુ છે. અત્યાધુનિક વાજિંત્રો, અદભૂત સાઉન્ડ ઇફેકટસ અને જમાના સાથે બદલાયેલા ગરબા તથા તેને અદભૂત રીતે પેશ કરીને લોકોને ઝુમવા માટે મજબુર બનાવી દેનાર લૂરિલા ગાયકવૃંદોના સથવારે રંગબેરંગી ઝાકમઝોળ લાઇટૂસ અને મોટા વિશાળ ગરબા ગ્રાઉન્ડમાં ઉભા કરાયેલા અદભૂત દ્રષ્યો વચ્ચે ગરબાએ પણ પોતાનું સ્વરૂપ બદલ્યું છે!!
નવ દિવસ સુધી ભકતો ઉપવાસ કરીને શકિતની આરાધના કરશે. શહેરમાં આવેલા શકિતના મંદિરને પણ શણગારાઇ રહ્યા છે. અંબે માના મંદિરે રોજ રાત્રે અદભૂત કહી શકાય તેવા અને પ્રાચીનતાથી સંકળાયેલા મા અંબેના ગરબા ગવાશે. શેરી ગરબાની યાદ અપાવતા અને મા અંબે માના ગુણગાન ગાતા આ પ્રકારના ગરબા જોવાનો અને સાંભળવાનો લાભ મળે તે લ્હાવો છે. શહેરમાં બીજા થોડા સ્થળોએ પણ આ જ પ્રકારના અસલ ગરબાનો અનુભવ પણ થઇ શકે છે!! આખો દિવસ ઉપવાસ કરી સાંજે અંબે માની પુજા અર્ચના કર્યા બાદ બેથી ત્રણ કલાક ગરબાની રમઝટ જામે તેવુ દ્રશ્ય અદભૂત લાગે છે!!
બીજી તરફ શહેરમાં ચાલુ વર્ષે અસંખ્ય નવરાત્રી મહોત્સવોનું પણ આયોજન કરાયુ છે. ગરબાના મેદાનો પર તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે. ગરબા આયોજકો પણ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવા દોડાદોડી કરી રહ્યા છે તો ગાયકવૃંદો પણ સતત રિયાઝ કરીને ગરબા રસિકોને મજા પડી જાય તેવા તાલે ઝુમવા મજબુર કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

યુવાધન નવરાત્રી મહોત્સવથી વિશેષ રોમાંચ અનુભવી રહ્યુ છે. ટ્રેડીશ્નલ ડ્રેસ ખરીદવા માટે છેક છેલ્લી ઘડી સુધી બજારમાં ભીડ જોવા મળી રહી છે તો સાથે સાથે બાલિકાઓ અને યુવતિઓ પોતાના રૂપને શોભે તેવા ઇમીટેશન જ્વેલરીઓ ખરીદવામાં પણ વ્યસ્ત છે. યુવક-યુવતિઓ સમૂહમાં ભેગા મળી ચાલુ વર્ષે કયાં જવુ તેની ચર્ચાઓ કરી રહ્યા છે અને આ માટે પાસ મેળવવા માટે દોડધામ કરી રહ્યા છે. આખુ શહેર આખી રાત જાગશે, અને તેમા વેપાર કરી લેવા માટે ખાણીપીણીના દુકાનદારો અને ફેરિયાઓએ પણ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ગરબાના મેદાનોની નજીક ખાણીપીણીના સ્ટોલ ઉભા કરીને તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. પોલીસતંત્રએ પણ નવરાત્રીઓ દરમ્યાન શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લોખંડી પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે.
ગરબાના સ્થળોએ મેટલ ડિરેકટરથી ચકાસણી કરાશે. લોકોના ભારે ધસારાના કારણે ટ્રાફિક સમસ્યા વકરે નહી તે માટે ૨૦૦ જેટલા ટ્રાફિક પોલીસ જવાનો સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૩ પી.આઇ. કક્ષાના અધિકારીઓ અને ૧૨ પીએસઆઇને ટ્રાફિક નિયમન કરવા માટેની જવાબદારી સુપ્રત કરાઇ છે. ચાલુ વર્ષે શહેરના ખ્યાતનામ ગરબાના સ્થળોએ ખ્યાતનામ ગાયકવૃંદો ગરબાની રમઝટ બોલાવશે. ગરબાને ટેલિવિઝન અને ઇન્ટરનેટ પર પણ સીધુ પ્રસારણ કરવામાં આવશે તેવુ માહિતગાર લૂત્રોએ જણાવ્યુ છે.
શકિતની ઉપાસના કરવા માટે એક તરફ ભાવિકોએ પણ તૈયારીઓ પૂર્ણ કરી છે તો બીજી તરફ ગરબાના આયોજકો અને યુવાધને પણ તૈયારીઓ પૂર્ણ કરી છે. સતત નવ દિવસ સુધી શહેર હિલોળે ચડશે. સમગ્ર ગુજરાતમાં ગરબા દરેક પ્રકારે જુદા પડે છે તેથી રાજ્યમાં ગરબા ખુબજ લોકપ્રિય થયા છે. નવ દિવસ ગરબા મહોત્સવને માણવા અને મા અંબેની ઉપાસના કરવાના અવસરની પ્રતિક્ષાનો હવે અંત આવી રહ્યો છે.!!


આ પણ વાંચો :