શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: ગુરુવાર, 8 જૂન 2017 (12:03 IST)

ઉત્તર ગુજરાતમાં સજ્જડ બંધ, વિરોધમાં પાટીદારોએ પાટણમાં ટાયરો સળગાવ્યાં, સરકારે તપાસના આદેશ આપ્યાં

મહેસાણાના બલોલ ગામના પાટીદાર યુવાનને ચોરીના આરોપ હેઠળ ધરપકડ કરીને તેને જેલ ભેગો કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું જેલમાં જ મોત થતાં મામલો વધારે બિચક્યો છે. મૃતકના પરિવારજનોએ પણ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દેતાં બલોલમાં નજીવી હિંસા ભભકી હતી. ત્યાર બાદ સમગ્ર બાબતે રાજકારણ ગરમાયું હતું.  પાટીદાર યુવાનના મૃત્યુના 48 કલાક બાદ   ફરિયાદ દાખલ કરવાનો ઇન્કાર કરનાર પોલીસે  બુધવારે રાત્રે ફરિયાદ નોંધવા તૈયારી બતાવી હતી. જ્યારે સામે પક્ષે સિવિલમાં હાજર મૃતકના પરિવારે જવાબદારો વિરૂદ્ધ 302 અંતર્ગત ફરિયાદ,તાત્કાલિક ધરપકડ બાદ સસ્પેન્ડ અને રી પોસ્ટમાર્ટમની શરતો મૂકતા કલાકોની ચર્ચાઓ વચ્ચે મોડીરાત સુધી ફરિયાદ ઘોંચમાં મુકાઇ હતી.  

બીજી તરફ મૃતક કેતન પટેલના પરીવારની માંગણી મુજબ આ સમગ્ર બનાવમાં ફોજદારી ગુન્હો દાખલ કરવા જિલ્લા પોલીસને સરકારે આદેશ કર્યો છે. મહેસાણા સબજેલમાં ચોરીના કેસમાં આરોપીના કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ તપાસ શરૃ કરી દેવાઈ છે. આ સમગ્ર ઘટનાક્રમ અને મહેસાણા બંધને પગલે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કેબિનેટની બેઠક બાદ સ્થાનિક ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાશનાથન, કાયદા સચિવ ઈલેશ વોરા, પોલીસવડાં ગીથા જોહરી વચ્ચે દિવસભર બેઠકોનો દોર ચાલ્યો હતો. બુધવારે બપોર પછી એફએસએલના પ્રાથમિક રિપોર્ટ બાદ આ ઘટનાની સંવેદનશીલતા અને પરીવારજનોને લાગણીને ધ્યાને લઈને સરકારે સ્થાનિક પોલીસને તત્કાળ ફોજદારી ગુન્હો દાખલ કરીને તપાસ કરવા આદેશ કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે આ બનાવ અત્યંત દુખદ છે અને કસૂરવારો સામે કડક એક્શન લેવા, પુરાવા એકત્ર કરવા ડીજીપીને સુચના અપાઈ છે. કસ્ટોડિયલ ડેથમાં પોલીસ અને ચોરીની ફરિયાદ કરનારા વેપારીની સંડોવણીના આક્ષેપ સાથે મૃતકના પરીવારને ન્યાય આપવા માટે પાટીદાર યુવાનોએ મહેસાણા બંધનું એલાન આપ્યુ હતુ. બુધવારે સવારે પાટીદારોએ મહેસાણા અને વિસનગર શહેરના બજારો બંધ કરાવ્યા હતા. કેટલાક તોફાની તત્વોએ પાલિકાની ઓફિસમાં પથ્થર અને પ્રેટ્રોલ ભરેલી બોટલ ફેંકીને અટકચાળા પણ કર્યા હતા. આથી આસપાસના નાના શહેરો, મોટા ગામડાઓમાં સ્થિતિ વણસે તે પહેલા જ આજૂબાજુના જિલ્લાઓ અને રિર્ઝવ ફોર્સની કંપનીઓના જવાનોને તૈનાત કરી દેવાયા છે. એસટી બસના કેટલાક રૃટો પણ બંધ કરી દેવાયા છે. પોસ્ટમોર્ટમ પછી પેનલના તબીબોએ કેતન પટેલના શરીર પર ૩૯ ઈજાના નિશાન મળ્યાનું જાહેર કર્યુ હતુ. બુધવારે બપોરે આ પ્રાથમિક રિપોર્ટ બાદ સ્થાનિક પોલીસ અધિક્ષકે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનુ કહ્યા બાદ પરીવારજનોએ મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરીને ફોજદારી ગુન્હો નોંધવાની માંગણી કરી હતી. સાંજે સરકારે આ માંગણી સ્વિકાર્યા પછી પણ પરીવારે મૃતદેહનો સ્વિકાર્ય કર્યો નહોતો. સ્થાનિક પાટીદારોએ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરતા મોડીરાત સુધી પરીવારને સમજાવટના પ્રયાસો ચાલુ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક આગેવાનોએ ગૃરૃવારે ઉત્તર ગુજરાત બંધનું એલાન આપ્યુ હતુ.