પુરાણોમાં રક્ષાબંધનનું મહત્વ


રક્ષાબંધન અને શ્રાવણ પૂર્ણિમા આ બંને અલગ-અલગ તહેવાર છે જો ઉપસના અને સંકલ્પનો અદભૂત સમન્વય છે અને તે એક જ દિવસે મનાવવામાં આવે છે. પૌરાણિક અને મહાભારત યુગના ઘર્મ ગ્રંથોમાં આ તહેવારોનો ઉલ્લેખ જોવા મળે છે. એમ પણ કહેવામાં આવે છે કે દેવાસુર સંગ્રામના યુગમાં દેવતાઓની જીતથી રક્ષાબંધનનો તહેવાર શરૂ થયો.

“રક્ષા તણા તાંતણા રૂપે, અતૂટ ગાંઠ બંધાઈ;
જગમાં ભાઈ-બહેનની, સાચી પ્રેમ સગાઈ”

ભાઇ બહેનની લાગણીના ઝરણાને વહેતો રાખનાર તહેવાર રક્ષાબંધન નિમિત્તે સુખી અને સમૃદ્ધ જીવનની શુભેચ્છાઓ બહેનો તેના ભાઇઓ માટે કરતી હોય છે. શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના પવિત્ર ઉત્સવનું પર્વ. રક્ષાબંધનનો તહેવાર યુગોથી ભારતવાસીઓ શ્રદ્ધા અને ઉમંગથી ઊજવે છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. આ સાથે પરમાત્માને ભાઈની રક્ષા કરવાની પ્રાર્થના કરે છે અને તેનાં વીરાનાં સમૃદ્ધ અને સુખમય જીવનની કામના કરે છે. ભાઈ પણ આ રક્ષા બંધાવી તેની બહેનને હર સંકટમાં તેની સાથે રહી તેની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધન એટલે પ્રેમ અને લાગણીનું બંધન. માનો તો સાદો તાંતણો માત્ર અને અંતરચક્ષુથી જોશો તો તેના પ્રત્યેક તાંતણામાં બહેનની લાગણીનાં તાણાવાણા અનુભવી શકાય.
ભગવાનનું શરણ લઈને રક્ષા પ્રાપ્ત કરવાનો સંદેશ આપતો રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે. આજે આપણે સૌ ભગવાનને રાખડી બાંધી આપણી રક્ષા માટે પ્રાર્થના કરીએ છીએ.


આ પણ વાંચો :