મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 ડિસેમ્બર 2018 (14:59 IST)

ભાજપ સરકારે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડી હોવાનો દાવો કર્યો

ગુજરાતમાં બેરોજગારી વધી રહી હોવાની અને સામાન્ય નોકરીઓ માટે પણ લાખો ઉમેદવારો અરજી કરી રહ્યા હોવાની બૂમ વચ્ચે ભાજપ સરકારે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે મોટી સંખ્યામાં રોજગારી પૂરી પાડી હોવાનો દાવો કર્યો છે. જેમાં ૨૦૧૮ના વર્ષમાં નવેમ્બર સુધી કુલ ૩,૪૪,૫૬૦ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી હોવાનું જાહેર કર્યું છે. જેમાં રોજગાર કચેરી મારફતે અને રોજગાર ભરતી મેળામાં પણ પૂરી પડાઇ હોય તેનો સમાવેશ થાય છે. 
તેમ છતાં રાજયની તમામ રોજગાર કચેરીઓમાં ૩૦ નવેમ્બરની સ્થિતિએ ૪,૭૪,૮૫૬ રોજગાર વાંચ્છુઓ સત્તાવાર રીતે (લાઇવ રજીસ્ટર)નોંધાયેલા છે. રાજય સરકાર દ્વારા આગામી માર્ચ સુધીમાં વધુ ૧૦૦ જેટલા રોજગાર મેળા યોજીને ૮૯ હજાર લોકોને રોજગારી આપવાનો લક્ષ્યાંક રખાયો છે. 
તાજેતરમાં યોજાયેલી સરકારી સહિતની જગ્યાઓ માટે જે રીતે લાખોની સંખ્યામાં બેરોજગારોની ફોજ ભરતી માટે ઉમટી પડે છે તે જોતા ગુજરાતમાં બેકારીની સમસ્યા વિકરાળ બની હોવાનું સ્પષ્ટ થયું છે. જેના કારણે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સરકારે કેટલી રોજગારી આપી તે દર્શાવવા ધમધમાટ શરૂ કરાયો છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે ૨૦૧૩થી ૨૦૧૭ સુધીમાં ૫૨૬૯ ભરતી મેળા યોજવામાં આવ્યા તેમાં કુલ ૧૦,૦૯,૬૫૨ ઉમેદવારોને રોજગારી પૂરી પડાઇ હોવાનો દાવો કરાયો છે. તેમાંથી સરકારે નવેમ્બર સુધીમાં કુલ ૮૦૦ જેટલા ભરતી મેળા યોજયા હતા તેની ૨,૧૧,૨૩૫ની રોજગારીનો પણ સમાવેશ થાય છે. 
સરકારે યોજેલા ભરતી મેળામાં કુલ ૫૯૭૨ નોકરી દાતા હાજર રહ્યા હતા. જેમાં ધોરણ ૧૦ થી લઇને ગ્રેજયુએશન સુધીના ઉમેદવારોને રોજગારી અપાઇ હતી. મોટાભાગની રોજગારી ટેકનીકલ ક્ષેત્રના ઉમેદવારોને મળી હતી. સરકારે એસએમએસ કરીને આઇટીઆઇમાં ભણી ગયેલા ઉમેદવારોને પણ રોજગારી મેળા અંગે જાણ કરવાનું શરૂ કર્યું છે. 
સરકારને રોજગાર કચેરીમાં જે ઉમેદવારો નામ નોંધાવે તેને જે તે કંપનીમાં જરૂરિયાત મુજબ પ્લેસમેન્ટ અપાય છે. તેની સાથે કંપની કે ઔદ્યોગિક એકમના સંચાલકોની હાજરીમાં સીધા ઉમેદવારોને બોલાવીને રોજગારી માટેના ભરતી મેળા શરૂ કર્યા છે તે કુલ રોજગારીના પચાસથી ૬૦ ટકા થવા જાય છે. તે રીતે ૨૦૧૩માં ૧૧૦૭ ભરતી મેળા થકી ૧,૫૧,૩૯૩, ૨૦૧૪માં ૧૧૧૧ મેળા થકી ૧,૬૦,૦૯૯,  ૨૦૧૫માં ૧૧૩૫ મેળા થકી ૧,૭૭,૬૮૪, ૨૦૧૬માં ૧૩૦૭ મેળા થકી ૨,૩૮,૮૪૦, ૨૦૧૭માં ૬૦૯ મેળા થકી ૨,૮૧,૬૩૬ અને ૨૦૧૮માં ૮૦૦ મેળા થકી ૨,૧૧,૨૩૫ લોકોને નવેમ્બર સુધીમાં રોજગારી પૂરી પડાઇ છે.