શું શંકરસિંહ વાઘેલા ખરેખર વિધાનસભામાંથી વિપક્ષના નેતા તરીકે રાજીનામું આપશે?
આગામી સમયમાં ગુજરાતમાં વિઘાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે બંને રાજકિય પક્ષોની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. ભાજપ આંદોલનોથી ડરી રહ્યો છે. તો બીજી બાજુ કોંગ્રેસ અંદરોઅંદરના જૂથવાદને લીધે ભરાઈ પડ્યો છે. કોંગ્રેસના અંદરના સુત્રો મુજબ રાહુલ ગાંધી સાથે ચૂંટણી બાબતે બેઠક કરવા દિલ્હી ગયેલા શંકરસિંહ વાઘેલાએ રાહુલ ગાંધીને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, ‘જો તેમને ગુજરાતની આગામી ચૂંટણીમાં સીએમ પદના ઉમેદવાર જાહેર નહીં કરવામાં આવે તો તેઓ વિરોધપક્ષના નેતાના પદ પરથી રાજીનામું આપી દેશે.’તો બીજીબાજુ કોંગ્રેસમાં ગણગણાટ પણ શરૂ થયો છે કે ભલે બાપુ ના પાડે પરંતુ ચૂંટણી પહેલા જ પોતાના સપોર્ટર્સ સાથે ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોતાની માગણીઓ નહીં સંતોષાતા શંકરસિંહ આગામી 5 જૂનના રોજ દિલ્હી ખાતે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને યોજાનારી કોંગ્રેસના મોવડી મંડળની બેઠકમાં અનુપસ્થિત રહીને પોતાનો વિરોધ દર્શાવી શકે છે.શંકરસિંહના જૂથના કેટલાક નેતાઓનું કહેવું છે કે ‘બાપુએ પક્ષના મોવડી મંડળને પોતાની માગણી રજૂ કરી દીધી છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસ પર દબાણ બનાવતા શંકરસિંહે ટ્વિટર પરથી રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓને અનફોલો કર્યા હતા.બીજીબાજુ શંકરસિંહ ભાજપની રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બંને વિરુદ્ધ પણ પોતાના સૂર કાઢી રહ્યા છે.