શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 માર્ચ 2017 (14:09 IST)

સાબરમતી આશ્રમમાંથી બૌદ્ધ ભિક્ષુક દ્વારા અપાયેલી ગાંધીજીના પ્રિય ત્રણ વાંદરાની પ્રતિકૃતિ ચોરાઇ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ૧૧ જીવનમંત્રો બનાવ્યા હતા અને તેમાં 'ચોરી ન કરવી'નો પણ સમાવેશ થતો હતો. પરંતુ કમનસિબી એ વાતની છે કે જીવનમંત્ર આપનારા મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાંથી તેઓના ખૂબ જ પ્રિય એવા ત્રણ વાંદરાઓની ચોરી થઇ ગઇ છે. ગાંધી આશ્રમમાં ચોરીની આ ઘટનાથી ગાંધીવાદીઓ ખૂબ જ આઘાતમાં છે.

ગાધીજીને બૌદ્ધ ભીક્ષુકે આપેલી ત્રણ વાંદરાઓની પ્રતિકૃતિ દાયકાઓથી ગાંધી આશ્રમમાં સચવાયેલી પડી હતી. ગાંધીજીના મેજ પર વર્ષોથી ત્રણ વાંદરાની પ્રતિકૃતિ હતી, આ કૃતિ લાકડામાં કંડારેલી હતી. ત્રણ વાંદરાઓની પ્રતિકૃતિની ચોરી થઇ હોવાની વાતને આશ્રમવાસીઓ છુપાવી રહ્યા છે. આ વાત બહાર આવે અને બદનામી થાય નહીં તેવા ભયે આશ્રમના સંચાલકો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રતિકૃતિ ખંડિત થતાં તેના સ્થાને પ્લાસ્ટર ઓફ પેરિસની કૃતિ મૂકવામાં આવી છે. આર્કિયોલોજી ઓફ સર્વેમાં ગાંધીજીના આશ્રમના પાંચ કક્ષને ઐતિહાસિક ધરોહરમાં સ્થાન અપાયું છે. જેમાં કંઇ પણ ફેરફાર કરવો હોય તો આર્કિયોલોજી વિભાગની મંજૂરી લેવી પડે છે.

વર્ધામાં પણ ગાંધીજી જ્યાં રહેતા તેને સરકારે આરક્ષિત જાહેર કર્યું છે અને સરકારે ત્યાં સીસીટીવી પણ મૂક્યા છે. પરંતુ સાબરમતી આશ્રમમાં કે સિક્યોરિટીની પૂરતી સુવિધા નથી. કેટલાક આશ્રમવાસીઓ ત્રણ વાંદરાની ચોરી થયાની ફરિયાદ નોંધાવવા રાણીપ પોલીસ સ્ટેશનમાં પણ ગયા હતા. પરંતુ તેમની ફરિયાદ સ્વિકારવામાં આવી નહીં હોવાનો દાવો કરાયો છે.