શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , ગુરુવાર, 29 ફેબ્રુઆરી 2024 (15:36 IST)

ગુજરાતના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4% વધારો જાહેર

dearness allowance
- મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ  4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓને 
- તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે
- એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે
 
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.
 
તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે
મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવાશે.મુખ્યમંત્રીએ નવી વર્ધિત-પેન્શન યોજના એન.પી.એસ.માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા કર્યો છે.
 
એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે
હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14 ટકા ફાળો આપશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયોના અમલ અંગે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.