ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 ઑગસ્ટ 2022 (18:35 IST)

ગુજરાતમાં કુલ 1431 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મોત, 8.17 લાખથી વધુ પશુઓનું વેક્સિનેશન કરાયું

lampy virus
લમ્પી સ્કિન ડિસીઝને કારણે મોટી સંખ્યામાં પશુઓનાં મોત થઇ રહ્યા હોવાના પશુપ્રેમીઓ અને માલધારીઓના આક્ષેપ તેમજ ઠેર ઠેરથી આવી રહેલી મૃતક પશુઓની વિગતોની બીજી તરફ સરકારી પશુપાલન વિભાગ જે રિપોર્ટ જાહેર કરી રહી છે તેમાં ક્યાંકને ક્યાંક પશુઓનાં મોતના આંકડા ઓછા અપાઇ રહ્યા હોવાની બૂમરાણ વચ્ચે રાજ્ય સરકારે 1431 પશુઓના લમ્પી સ્કીન ડીસીઝને કારણે મોત થયા હોવાનું જણાવ્યું છે.

તે ઉપરાંત અત્યાર સુધી કુલ 8.17 લાખથી વધુ પશુઓનું વેક્સિનેશન કરાયું હોવાનું પણ રાજ્ય સરકારે જાહેર કર્યું હતું. પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે,રાજયમાં રસીનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. અસર ગ્રસ્ત પશુઓને સત્વરે સારવાર પુરી પાડવા માટે પશુપાલન વિભાગ દ્વારા તબીબો સહિતની ટીમો તમામ જિલ્લાઓ માં ખડેપઞે કાર્યરત છે.જેના પરિણામે આ રોગને વધુ ફેલાતો રોકવામાં સફળતા મળી છે.અસર ગ્રસ્ત જિલ્લાઓમાં સર્વે સહિત સારવાર અને રસીકરણની કામગીરી યુધ્ધના ધોરણે હાલ ચાલી રહી છે. તેમણે ઉમેર્યુ કે રાજયમાં લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર રાજય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં પાંચ સભ્યોની નિમણૂંક કરાઇ છે આ ટાસ્ક ફોર્સ દ્વારા સારવાર સંદર્ભે જે પણ ગાઇડલાઇન મળશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે.તેમણે વધુમાં કહ્યું હતું કે,, રાજયમાં હાલની સ્થિતિએ અત્યાર સુધીમાં કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળી કુલ રાજયના કુલ 20 જિલ્લાઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે. આ 20 જિલ્લાઓના અસરગ્રસ્ત 1935 ગામોમાં 51161 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે. અત્યાર સુધીનાં રોગચાળા અહેવાલ મુજબ રાજયમાં કુલ 1431 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મૃત્યું નોધાયા છે. અત્યાર સુધી 8.17 લાખથી વધુ પશુઓનું વેક્સિનેશન કરવામાં આવેલ છે અને હાલમાં જીલ્લા કક્ષાએ 7.90  લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે. 20 જિલ્લાઓમાં પશુપાલન ખાતાના 222 પશુચિકિત્સા અધિકારીઓ અને 713 પશુધન નિરિક્ષકો દ્વારા અસરગ્રસ્ત ગામોમાં સઘન સર્વે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. વધારાના 332 આઉટસોર્સ પશુચિકિત્સકોને દસ ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે. પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝની સારવાર અને રસીકરણની કામગીરીને યુધ્ધનાં ધોરણે પરિપૂર્ણ કરવા રાજયની વેટરનરી કોલેજના સ્નાતક, અનુસ્નાતક અને પ્રાધ્યાપકો સહિત 107 સભ્યોને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા જિલ્લામાં કામગીરી કરી રહેલ છે.રાજયના કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત અને પાટણમાં ગાય ભેંસ વર્ગના પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ નામનો રોગ જોવા મળ્યો છે. આ સંદર્ભે સુરત સિવાયના બાકીના 14  જિલ્લાઓમાં અને જીલ્લા બહાર પશુઓની હેરફેર ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.પશુપાલકોને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે શરૂ કરેલ ટોલ ફ્રી હેલ્પલાઈન 1962 પર છેલ્લા આઠ દિવસમાં 21026 એટલે કે દરરોજ સરેરાશ 2100 થી વધુ કોલ્સ લમ્પી સ્કીન ડીસીઝ માટે આવ્યા છે અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.