સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 જાન્યુઆરી 2021 (19:48 IST)

ઉત્તરાયણ બાદ અમદાવાદ શહેરમાંથી પતંગની દોરીના 561 કિલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો

અમદાવાદમાં ઉત્તરાયણના તહેવારમાં લોકો ધાબે ચઢીને સવારથી પતંગ ઉડાડવાની મજા માણતા હોય છે. પરંતુ ઉત્તરાયણ બાદ પતંગની દોરીનો વેસ્ટ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે. ત્યારે અમદાવાદ શહેરમાં AMC દ્વારા પતંગની દોરીના કુલ 561 કિલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના પૂર્વ વિસ્તારમાંથી વેસ્ટ થયેલી 70 કિલો દોરીનો નિકાલ કરાયો હતો. પશ્ચિમ વિસ્તારમાંથી 25.8, ઉત્તર ઝોનમાંથી 330 કિલો, દક્ષિણ ઝોનમાંથી 70 કિલો, મધ્ય ઝોનમાંથી 32 કિલો, ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી 18 કિલો તથા દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી 16 કિલો દોરીના કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આમ શહેરમાંથી કુલ 561.8 કિલો દોરીના વેસ્ટનો નિકાલ કરાયો હતો.  ઉત્તરાયણનો પર્વ લોકોએ ખૂબજ ઉલ્લાસથી મનાવ્યો હતો પરંતુ ઉત્સવ પછી ઝાડ પર લટકતી પતંગની દોરીને કારણે પક્ષીઓની પાંખો કપાઈ જતી હોય છે. તેનું કોઈએ વિચાર્યું જ નહોતું. એનિમલ લાઈફકેરના વિજય ડાભીએ લોકોને વિનંતી કરી હતી કે

ઉત્તરાયણ પર્વની ઉજવણી દરેક નાગરિક કરી પણ આપની આજુબાજુ અગાસી હોય ઘાબા પર ઝાડ પર લટકતી દોરી હોય તો તેનો નિકાલ કરજો કારણકે દોરી ના કારણે કેટલાય પક્ષીઓ સવારે માળા માથી સવારે ઉઠતા હોય છે અને સાંજે માળાની અંદર પાછા ફરતા હોય છે. ત્યારે દોરીમા ફસાઇને તેમની પાંખો કપાઈ જતી હોય છે. ધાબા ઉપર કે અગાસી માં ક્યાંય દોરી લટકતી હોય તેને નિકાલ કરજો.કારણકે આવું કરવાથી એક અબોલ પક્ષીને બચાવી શકાશે. આપની એક પહેલ અબોલ પક્ષીની પાંખો કાપતું બચાવશે. જીવદયા સંસ્થાઓને ઉત્તરાયણના પર્વ વખતે જેટલા પણ કોલ મળ્યા તેમાં મોટાભાગે ચાઇનિઝ દોરી જ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું.

એનિમલ લાઇફ કેરના વિજય ડાભીએ જણાવ્યું કે, 'ચાઇનિઝ દોરીથી પક્ષીઓ સૌથી વધુ ઘાયલ થાય છે. ઉત્તરાયણના પર્વ વખતે જેટલા પણ કોલ મળ્યા તેમાં મોટાભાગે ચાઇનિઝ દોરીથી પક્ષીની પાંખમાં ઈજા પહોંચી હતી. પક્ષી ધાબા પર ઘાયલ જોવા મળે તો તેને જાતે પકડવાની કોશિશ કરવી નહીં પણ તાત્કાલિક હેલ્પલાઇનનો સંપર્ક કરવો જોઇએ.