1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2019 (11:55 IST)

ગૃહરાજ્ય મંત્રીનું ચાર BRTS રૂટ પર નિરીક્ષણ, સ્થાનિકોનું ફૂટ ઓવરબ્રિજ બનાવવા સૂચન

પાંજરાપોળ સર્કલ નજીક બીઆરટીએસની બસે બાઈક ચાલકને અડફેટે લેતા બે ભાઈઓના મોત થયા હતા. ત્યાર બાદ સમગ્ર શહેરમાં BRTS બસ સામે રોષ ફાટી નીકળ્યો હતો. જેની ગૃહરાજ્યમંત્રીએ ગંભીરતાથી નોંધ લીધી હતી. જેને પગલે આજે ગૃહરાજ્ય મંત્રીએ શહેરના અંજલિ ચાર રસ્તા, પાંજરાપોળ, ધરણીધર અને વાળીનાથ ચોક સુધી BRTS રૂટનું પોલીસ કમિશનર આશિષ ભાટિયા, મ્યુનિ. કમિશનર વિજયનહેરા અને મેયર બિજલ પટેલ તથા ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સ્થાનિકોને ગૃહરાજ્ય મંત્રીને વાળીનાથ ચોક પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન ગૃહરાજ્ય મંત્રીએ સમગ્ર રૂટ પર વાહનચાલકોને અને લોકોને પડતી અગવડો તેમજ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. સ્થાનિકો સાથે પણ વાતચીત કરી અને શું નિરાકરણ લાવવું જોઈએ તે અંગે મંતવ્યો લીધા હતા. વાળીનાથ ચોક પાસે હેલ્મેટ બ્રિજ ઉતરતા જ સ્કૂલ આવેલી છે અને સામે રોડ આવેલો છે, જેથી બાળકો અને લોકોને બીઆરટીએસની રેલિંગ કુદીને ત્યાંથી પસાર થવું પડે છે, જેથી વાળીનાથ ચોક પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટેનું સૂચન સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું હતું. બીઆરટીએસ રૂટ પર જ્યાં મિક્સ ટ્રાફિક થાય છે ત્યાં બમ્પ મુકવાની તેમજ વચ્ચે આવતી અડચણોને દૂર કરવા મામલે પણ સૂચનો કરવામાં આવ્યા હતા. ગૃહરાજ્ય મંત્રીએ સ્થાનિક ધારાસભ્ય તેમજ લોકોના મંતવ્યો સાંભળ્યા હતા. જે પણ ધારાસભ્યના વિસ્તારમાંથી BRTS રૂટ પસાર થાય છે અને ત્યાં કોઈ તકલીફ હોય તો ગૃહરાજ્ય મંત્રીને પત્ર લખી જાણ કરવા જણાવ્યું છે.ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓ તરફથી જે પણ સૂચનો મળ્યા છે તેનો આગામી દિવસમાં અમલ કરી અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સૂચારુ રૂપ બને તેનું આયોજન કરવામાં આવશે. BRTS બસના ચાલકો વર્કિંગ અવર્સની અંદર જ કામ કરે અને જે ગતિ મર્યાદા નક્કી કરી છે તે મર્યાદામાં જ વાહન ચલાવે તેવા સૂચનો કરવામાં આવ્યા છે. આ મામલે બનાવવામાં આવેલી કમિટી સમક્ષ સૂચનો આવશે તેનો આગામી દિવસમાં અમલ કરવામાં આવશે.