શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 11 જાન્યુઆરી 2021 (11:00 IST)

અમદાવાદમાં આજથી સ્કૂલો શરૂ થઈ, ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

કોરોના મહામારીના 9 મહિના બાદ રાજ્યમાં  આનંદ અને ઉત્સાહ સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરી રહ્યાં છે. વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર શાળાઓ શરૂ થયાનો આનંદ સ્પષ્ટ જોઈ શકાતો હતો. તમામ વિદ્યાર્થીઓએ સરકારની SOPનું પાલન કરી શાળામાં પ્રવેશ કર્યો હતો. કલાસ રૂમમાં વિદ્યાર્થીઓના પ્રાર્થના અને રાષ્ટ્રીય ગીતના કાર્યક્રમ બાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું હતું. અમદાવાદની અંકુર સ્કૂલમાં વિદ્યાર્થીઓ આનંદભેર પ્રવેશ મેળવ્યો હતો. સ્કૂલમાં વિદ્યાર્થીઓનું થર્મલ ચેકીંગ અને સેનેટાઈઝ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પણ ઉત્સાહ ભેર સ્કૂલમાં આવ્યાં હતાં. શહેરમાં નિકોલ ખાતેની સંકલ્પ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ વિદ્યાર્થીઓને આવકાર્યાં હતાં. તેમણે સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓને ગાઈડલાઈનનું પાલન કરાવ્યું હતું. તે ઉપરાંત સ્કૂલની વ્યવસ્થાની પણ માહિતી મેળવી હતી. જ્યારે ભુયંગદેવ વિસ્તારમાં આવેલી ધ નેશનલ હાઈસ્કૂલમાં મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે પણ માસ્ક અને સેનેટાઇઝ કરી સ્વાગત કર્યું હતું. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે વિદ્યાર્થીઓને કલાસમાં બેસાડવામાં આવ્યા હતા. સોમવારથી ગુજરાત બોર્ડની સાથે જોડાયેલી મોટાભાગની સ્કૂલો શરૂ થઈ છે. પોતાના તરફથી કોઇ કમી રાખવા ન માગતા સંચાલકોએ સ્કૂલો શરૂ થતાં પહેલાં દરેક કલાસે સેનિટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથેની બેઠક વ્યવસ્થા સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. શિક્ષણ વિભાગે દરેક વાલી પાસેથી પોતાના સંતાન સ્કૂલે આવે તે માટેનું સંમતિપત્રક ફરજિયાત લેવાની સૂચના આપી હતી. વાલીની સંમતિ મુદ્દે સ્કૂલ સંચાલકોનું વલણ કડક રહ્યું છે. કારણ કે સંચાલકો કોરોના મહામારીમાં કોઇ વિવાદમાં પડવા માગતા નથી, તેથી તેઓએ વાલીને સ્પષ્ટ કહ્યું હતું કે બાળકને સ્કૂલમાં તો જ પ્રવેશ અપાશે જો વાલી સંમતિ આપશે. જો કે, માંડ 30 ટકા વાલીએ સ્કૂલોને સંમતિ પત્ર આપ્યા હતા.મોટાભાગની CBSE સ્કૂલો આજથી 11 જાન્યુઆરીથી નહીં પરંતુ 18 જાન્યુઆરીથી શરૂ થશે. કારણ કે 12 જાન્યુઆરી સુધી સ્કૂલોમાં પરીક્ષા છે અને એક દિવસની સ્થાનિક રજા, બાદ ઉત્તરાયણની રજા રહેશે. આ રજાઓ બાદ 18 જાન્યુઆરીથી સ્કૂલો રાબેતા મુજબ શરૂ થશે. સંચાલકોના મતે, સ્કૂલો શરૂ કરવા માટે સરકારે પૂરતો સમય આપ્યો નથી. તેથી તૈયારી માટે સ્કૂલોને વધુ સમય લાગશે.