1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Ahmedabad Traffic Relief before 2030 Commonwealth Games

કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે શહેરનો નકશો બદલાશે, શહેરમાં એટલા બ્રિજ અને અંડરપાસની બનશે કે ટ્રાફિક જામમાંથી મળશે કાયમી મુક્તિ

namo stadium
વર્ષ 2030 માં અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના આયોજનને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મેગા પ્લાન હેઠળ આગામી 4  વર્ષમાં 18 થી વધુ નવા ઓવરબ્રિજ, અંડરપાસ અને મલ્ટી-લેવલ એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગેમ્સ દરમિયાન રમતવીરો અને નાગરિકોને ટ્રાફિક મુક્ત પરિવહન પૂરું પાડવાનો છે, જેના માટે ૩૫ જેટલા વ્યસ્ત જંકશનો પર સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે.
 

CRRI દ્વારા વૈજ્ઞાનિક ટ્રાફિક સર્વે અને એલાઈમેન્ટ નક્કી કરાયું

 
શહેરમાં વધતા જતા વાહનોના દબાણને હળવું કરવા માટે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI)ની મદદ લેવામાં આવી છે. સંસ્થા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ પર હાલના ટ્રાફિક PCU (Passenger Car Unit) અને ભવિષ્યમાં થનારા ટ્રાફિક ગ્રોથનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ ફાઈનલ રિપોર્ટના આધારે જ કયા જંકશન પર બ્રિજની જરૂર છે અને તેની ડિઝાઇન કેવી હોવી જોઈએ તેની પ્રાયોરિટી નક્કી કરવામાં આવી છે.
 

યુટિલિટી સર્વે માટે GPR ટેકનોલોજીનો ઉપયોગ

 
બ્રિજની કામગીરીમાં અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન કે કેબલ જેવી યુટિલિટી અવરોધ ન બને તે માટે કોર્પોરેશન દ્વારા 'ગ્રાઉન્ડ પેનિટ્રેશન રિપોર્ટ' (GPR) સર્વે કરવામાં આવશે. આ અત્યાધુનિક સર્વે દ્વારા જમીનની નીચે રહેલી મેજર લાઈનોને લોકેટ કરવામાં આવશે, જેથી કામગીરી શરૂ થયા પછી વિલંબ ન થાય. જો શક્ય હોય તો નાની લાઈનો શિફ્ટ કરાશે અને જો મેજર લાઈન ખસેડવી અશક્ય હોય તો તે મુજબ જ બ્રિજનું ફાઉન્ડેશન ડિઝાઇન કરવામાં આવશે.
 

પાંચ અત્યાધુનિક ડબલ હાઈટેડ એલિવેટેડ કોરિડોરનું નિર્માણ

 
આ પ્લાનનું સૌથી મોટું આકર્ષણ ૫ મેગા એલિવેટેડ કોરિડોર છે, જે હયાત બ્રિજ ઉપર ડબલ હાઈટમાં બનાવવામાં આવશે. આ કોરિડોરમાં ઓઢવથી ઈન્દોર હાઈવે, બોપલથી ઘુમા, કાલુપુરથી શાહપુર મેટ્રો સ્ટેશન, નહેરુનગરથી ઈસ્કોન અને સરખેજથી સાણંદ ચોકડી સુધીના રૂટનો સમાવેશ થાય છે. આ એલિવેટેડ કોરિડોરથી લાંબા અંતરનું પરિવહન અત્યંત ઝડપી બનશે અને જંકશન પરનો ટ્રાફિક નહિવત થઈ જશે.
 

ભવિષ્યની જરૂરિયાતો મુજબ ડિઝાઇનની કામગીરી તેજ

 
હાલમાં 18  જેટલા મહત્વના જંકશન પર ફિઝિબિલિટી સર્વે અને ડિઝાઇનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટ્સ માટે ચોરસ મીટર મુજબ સર્વેના દર નક્કી કરીને એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી છે. આગામી ચાર વર્ષમાં આ તમામ 18  બ્રિજ અને અંડરપાસ તૈયાર થઈ જતાં અમદાવાદ એક ગ્લોબલ સિટી તરીકે ઉભરી આવશે અને ટ્રાફિક જામની સમસ્યા ભૂતકાળ બની જશે.
 
ये भी पढ़ें
વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસ કાફલો ઘટનાસ્થળે