મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 માર્ચ 2021 (15:57 IST)

AMCની દક્ષિણ ઝોનની ઓફિસમાં ઢોલ નગારા અને જાનૈયાઓ સાથે મુસ્લિમ યુગલે લગ્ન કર્યાં

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધવાને કારણે તમામ પાર્ટી પ્લોટ, બાગ બગીચા સહિતના સ્થળો લોકો માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. તે ઉપરાંત રાત્રિ કર્ફ્યૂમાં પણ બે કલાકનો વધારો કરવામાં આવ્યો છે. તંત્રના આ નિર્ણયને કારણે વિરોધ શરુ થયો છે. બીજી બાજુ શહેરમાં દાણીલીમડા વિસ્તારમાં લગ્ન પ્રસંગ માટે યોગ્ય જગ્યાનો અભાવ હોવાના આરોપ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.ઓગસ્ટ 2020માં મુખ્યમંત્રીના હસ્તે પાર્ટી પ્લોટનું ખાતમુહૂર્ત થયું હતું. જેનું કામ આજદિન સુધી શરુ નહીં થતાં લોકોએ અનોખો વિરોધ કર્યો હતો. આજે શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસ ખાતે મુસ્લિમ કોમનું યુગલ ઢોલ નગારા વગાડીને જાનૈયાઓ સાથે લગ્ન કરવા પહોંચ્યું હતું. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરોની આગેવાનીમાં અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે એક મહિનામાં ઉકેલ નહિ આવે તો આગામી સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના ઘરે આજ પ્રકારે લગ્ન યોજવામાં આવશે.કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, કર્ફ્યૂનો સમય ચાર મહાનગરોમાં વધારીને રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્‍યો છે, જેનાથી લોકોની હાલાકી વધવાની છે. નાની રેંકડીવાળા, નાના સ્‍ટોલવાળા, રેસ્‍ટોરન્‍ટ અને રોજ લાવીને રોજ ખાનાર વ્‍યક્‍તિઓની હાલાકી વધવાની છે. કોરોનાના કારણે ગરીબ, નાના અને મધ્‍યમવર્ગના લોકોની હાલાકી વધી છે. રાત્રિના 10 પછી કર્ફ્યૂ લાગવાને કારણે નાના રેંકડીવાળા, સ્‍ટોલવાળા, લારીવાળા, રેસ્‍ટોરન્‍ટવાળા, ખાણીપીણી બજારવાળાને ધંધો 9 વાગ્‍યાથી બંધ કરી દેવો પડશે.