1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 જુલાઈ 2022 (14:52 IST)

ગુજરાત કોંગ્રેસની કમાન રાજસ્થાનના CM અશોક ગેહલોતના હાથમાં આવતા જ પ્રદેશના નેતાઓને હાઈકમાન્ડનું તેડું

ashok
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે કોંગ્રેસે કમરકસી છે. પક્ષમાં અંદરોઅંદર સળગી રહેલા જૂથવાદને ઠારવા હાઈકમાન્ડે ગત બેઠકમાં સૂચના આપી હતી. આ બેઠક બાદ ગુજરાતમાં પાંચથી વધુ કાર્યકારી પ્રમુખોની નિમણૂંક કરાઈ હતી. બીજી તરફ ગુજરાતના પ્રભારી ડો. રઘુ શર્માની અનેક ફરિયાદો હાઈકમાન્ડ સુધી પહોંચી હતી. ત્યારે હાઈકમાન્ડે ગુજરાતની કમાન રાજસ્થાનના CM અશોક ગેહલોતને સોંપી હતી.ત્યાર બાદ ઓબ્ઝર્વરની પણ નિમણૂંક કરાઈ હતી. હવે પ્રદેશના નેતાઓને ફરીવાર હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યાં છે. 
 
દિલ્હીમાં આજે પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા, પૂર્વ પ્રમુખ-વિપક્ષ નેતા સહિતના આગેવાનો સાથે હાઈકમાન્ડ બેઠક કરશે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા, પૂર્વ પ્રમુખ-વિપક્ષ નેતા સહિતના આગેવાનોની હાઈકમાન્ડ સાથે દિલ્હીમાં આજે બેઠક યોજાવાની છે, જેમાં ગુજરાત ચૂંટણી માટે કેમ્પેઈન કમિટી, ઈલેક્શન મેનેજમેન્ટ કમિટી, મેનિફેસ્ટો કમિટી સહિતની મહત્ત્વની જવાબદારી કોને કોને સુપરત કરવી, ચૂંટણીમાં કયા મુદ્દાઓ સાથે લોકો વચ્ચે જવું તે સહિતની બાબતો પર ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. તમામ સમાજના લોકોને સાથે રાખી આગામી દિવસોમાં કેવા પ્રકારના કાર્યક્રમો યોજવા, મોંઘવારી, મોંઘું શિક્ષણ સહિત અન્ય કયા મુદ્દે આંદોલનો કરવા તે સહિતની બાબતો અંગે ફરી એક વાર દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવશે તેમ સૂત્રો કહે છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા બેઠકમાં પ્રઝન્ટેશન કરવામાં આવશે. હાઈકમાન્ડે ગુજરાતની ચૂંટણીને લઈ વધુ એક સહપ્રભારીની નિમણૂક કરી છે. મૂળ તેલંગાણાના ઉષા નાયડુની ગુજરાતના સહપ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, તેમને અગાઉ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કામ સોંપાયું હતું.આ અગાઉ પણ આ જ મુદ્દે એઆઈસીસીના મહામંત્રી પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ સાથે દિલ્હીમાં મિટિંગ મળી હતી, જેમાં સંગઠનમાં બાકી નિમણૂકો જલદી પૂર્ણ કરવા નક્કી કરાયું હતું.