રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 મે 2017 (12:18 IST)

૨૦૦૨ ના તોફાનોમાં સામુહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કીસબાનુએ સરકાર પાસે વળતરની માગણી કરી

૨૦૦૨ ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનોમાં દાહોદ જિલ્લાના રણધિકપૂર ગામ પર થયેલા હુમલામાં પરિવારના સ્વજનો ગુમાવનાર તથા સામુહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કીસબાનુએ રાજ્ય સરકાર પાસે યોગ્ય વળતરની માગણી કરી છે. મુંબઇ હાઇકોર્ટે ગયા અઠવાડિયે બિલ્કીસબાનુના કેસમાં કુલ ૧૨ આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી. આ કેસમાં સ્પેશ્યલ પ્રોસીક્યુટર તરીકે સિનિયર એડવોકેટ આર.કે.શાહે સેવા આપી હતી અને સિવિલ સોસાયટી દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બિલ્કીસબાનુ અને તેમના પતિ યાકુબ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બિલ્કીસબાનુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા પંદર વર્ષથી ન્યાય માટે લડતમાં ખૂબ યાતના ભોગવી છે. અનેક વખત ગુજરાત સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઇ ખાસ મદદ મળી નથી. સરકારી અધિકારીઓ તરફથી પણ કોઇ મદદ મળી નથી. અમારે ઘણીવાર ઘર બદલવા પડયા છે અને બાળકોના શિક્ષણની ચિંતા સતાવી રહી છે. જે લોકોએ મને ન્યાય મેળવવા માટે મદદ કરી છે ત બધાની હું આભારી છં. હાઇકોર્ટના ચુકાદાથી મને સંતોષ છે. મને આ દેશની ન્યાયતંત્રની વ્યવસ્થા પર શ્રધ્ધા અને વિશ્વાસ છે. પોલીસો અને અન્ય અધિકારીઓને સજા થઇ છે તેની મને ખુશી છે.


તમે પાછા તમારા વતન જશો કે કેમ તેવા પૂછેલા પ્રશ્નના જવાબમાં બિલ્કીસબાનુના પતિ યાકુબે જણાવ્યું હતું કે અમે પાછા જવા ઇચ્છીએ છીએ પરંતુ અમારા પ્રત્યે દુશ્મનાવટ રખાશે તેવી દહેશત અનુભવીએ છીએ. આ કેસના આરોપીઓના સગાઓ ત્યાં જ રહે છે. અમારા કુટુંબનો નાશ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં અમે પાછા જવા ઇચ્છતા નથી. તેઓ પોતાના પાંચેય સંતાનોને વકીલ બનાવવા ઇચ્છે છે જેથી તેમના જેવા પીડિતોને મદદરૃપ બની શકે. આ કેસમાં વળતર માટે કોર્ટમાં જતા પહેલા ગુજરાત સરકાર વળતર ચૂકવે તેની અમે રાહ જોઇશું એડવોકેટ આર.કે.શાહે જણાવ્યું હતું કે આ કેસ અસામન્ય હતો અને બિલ્કીસબાનુની જુબાની સમગ્ર કેસમાં એક સંવેદનશીલ ગંભીર પુરાવો હતો. તેમની ૨૨ દિવસ સુધી જુબાની ચાલી હતી. આ કેસમાં કુલ ૭૩ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. શરૃઆતમાં આ કેસની તપાસ સ્થાનિક પોલીસે કરી હતી જેમાં આરોપીઓ મળી આવતા નથી તેવું જણાવ્યું હતું. ત્યારબાદ કેસ સીબીઆઇને સોંપાયો હતો અને આરોપીઓને પકડીને તેઓ સામે ટ્રાયલ ચલાવવામાં આવી હતી. 

જનવિકાસ સંસ્થાના ગગન શેઠીએ બિલ્કીસબાનુને કાનૂની લડત લડવામાં મદદ પૂરી પાડી હતી. ગગન શેઠીએ જણાવ્યું હતું કે તેમણે કદીપણ ન્યાયતંત્ર પ્રત્યે શંકા રાખી ન હતી. આમછતાં જિલ્લા કોર્ટના સ્તરે સારા પ્રોસીક્યુટર,વકીલો અને જજોની જરૃર છે.