સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 મે 2022 (13:20 IST)

રાજકોટ જિલ્લાના પડધરીના મોવિયામાં વીજ ચોરી કરતા ભાજપના નેતાનો 40 લોકો સાથે હુમલો

BJP leader attacked with 40 people
રાજકોટ જિલ્લાના પડધરીના મોવિયા ગામે PGVCLના ડેપ્યુટી એન્જિનિયર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. હાલ એન્જિનિયરને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે જૂનાગઢ IC સ્ક્વોર્ડના ડેપ્યુટી એન્જિનિયર એચ.એમ. પરમારે મીડિયાને જણાવ્યું હતું કે, ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાએ વીજ ચેકીંગ કરતા PGVCLના ડેપ્યુટી ઇજનેર પર 40 લોકો સાથે હુમલો કર્યો છે. અને ઈજનેરને તમાચાઓ મારતા તેમને બહેરાશ આવી ગઈ છે.

જયારે બીજી તરફ આ મુદ્દે ખુલાસો કરતા ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાએ જણાવ્યું હતું કે, મારા પર લાગેલા આક્ષેપો તદ્દન ખોટા છે. હું મારા ઘરે સૂતો હતો. એ વખતે મારા ધર્મપત્ની એ જણાવ્યું કે ચોકમાં કંઈક બબાલ થાય છે. એ બબાલ ને હું રોકવા માટે ગયો હતો. અને મેં ટોળાંએ હટાવવા માટે પ્રયત્નો કર્યા હતા. એ સમયે કોઇને પણ ઇજા પહોંચી નથી. ઇજનેરને માર્યા હોય અને તેઓ દાખલ થયા છે આ આખી વાત ઉપજાવી કાઢેલી છે. GEBના અધિકારીઓ દ્વારા મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. તેના કારણે જો મહિલાઓએ બબાલ કરી હતી.

વધુમાં ડેપ્યુટી એન્જિનિયર એચ.એમ. પરમારે જણાવ્યું હતું કે, PGVCL દ્વારા હાલ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે આજે સવારે 08:00 વાગ્યાના સુમારે રાજકોટ જિલ્લાના પડધરીના મોવિયા ગામમાં અમારા ડેપ્યુટી એન્જિનિયર પુરોહિત સાહેબ ટીમ સાથે વીજ ચેકિંગમાં હતા. જ્યાં ભાજપના આગેવાન ધીરુભાઈ તળપદાના ઘર અને પેવર પ્લાન્ટમાં ગેરકાયદે વીજ ચોરી પકડાઇ હતી.એ સમયે ભાજપના આગેવાન ધીરુભાઈ ત્યાં આવી ગયા હતા.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે અમારી ટીમને ચેકિંગ કરતા અટકાવ્યા હતા. પ્રથમ તો એન્જિનિયર પુરોહિત સાહેબને ધીરુભાઈએ તમાચા માર્યા હતા અને તેમણે 40-50 માણસોનું ટોળું એકઠું કરી લીધું હતું. જેમાં 8-10 લોકોએ પણ તમાચા માર્યા હતા. અને લાકડીથી PGVCLની ટીમ અને ઇજનેર પર હુમલો કર્યો હતો પણ તે સમયે પુરોહિત સાહેબએ લાકડી પડકી લીધી હતી. અને ટીમ સાથે જીવ બચાવીને ત્યાંથી નાસી ગયા હતા.ઈજાગ્રસ્ત પુરોહિત સાહેબને સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા પરંતુ ત્યાંથી ડોક્ટરે તેમને વધુ સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં રીફર કરતા હાલ તેઓ વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની આંખોમાં લોહીના ગઠ્ઠા જામી ગયા છે. ડાબા કાનમાં બહેરાશ આવી ગઈ છે. કપાળના ભાગે લિસોટા પડી ગયા છે. તેમને એટલી હદે મુંઢમાર મારવામાં આવ્યો છે કે હાલ તેઓ વાત કરી શકે તેવી પરિસ્થિતિમાં પણ નથી.આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ અમારા એક જુનિયર એન્જિનિયર દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો પરંતુ એ સમયે બેકાબુ બનેલા ટોળાએ આ વીડિયો પણ બળજબરીપૂર્વક ડીલીટ કરાવ્યો છે. પણ અમારા MD સાહેબએ આ મુદ્દે જણાવ્યું છે કે વીડિયો રિકવર કરવા પણ અમે પ્રયત્ન કરીશું. હાલ અમારી ટીમ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ કરવામાં આવી રહી છે.