1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 માર્ચ 2021 (07:25 IST)

સ્થાનિક સ્વરાજ ચૂંટણીપરિણામ : ભાજપનો ભવ્ય વિજય, મોદીનો જાદુ અને કોગ્રેસની હાર થવાના કારણો

BJP
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. જ્યારે કૉંગ્રેસની હાર બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું છે. 
 
નગરપાલિકામાં ભાજપે 2085, કૉંગ્રેસે 388, અપક્ષે 172, આપે નવ, બીએસપીએ છ અને અન્યે 24 બેઠકો જીતી છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો ભાજપે 800, કૉંગ્રેસે 169, અપક્ષે ત્રણ, આપે બે, બીએસપીએ એક અને અન્યે ચાર બેઠકો જીતી છે. તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો ભાજપે કુલ 3352 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કૉંગ્રેસે 1252, અપક્ષે 115, આપે 31, બીએસપીએ ચાર અને અન્યે 16 બેઠકો જીતી છે.  નગરપાલિકાઓમાં પણ સૂપડાં સાફ કરતાં ભાજપે ૮૧ પૈકી ૭૫ નગરપાલિકાઓ જ ઉપર પોતાનો ભગવો ધ્વજ ફરકાવ્યો છે અને કોંગ્રેસને સમ ખાવા પૂરતી માંડ ૪ નગરપાલિકાઓ ફાળે આવી છે. નગરપાલિકાઓની ચૂંટણીમાં ગયેલી 2625  બેઠકોમાંથી 75.92  ટકા એટલે કે 1,993  બેઠકો ઉપર ભાજપે જબરજસ્ત જીત હાંસલ કરી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 386 બેઠકોથી સંતોષ માનવો પડયો છે.
 
ગુજરાત ભાજપના ઍજન્ડા સાથે - PM મોદી
 
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલા વિજય પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોને અભિનંદન પાઠવ્યાં છે.
 
વડા પ્રધાને ટ્વિટર પર લખ્યું, "ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીનાં પરિણામોથી સ્પષ્ટ છે કે ગુજરાત ભાજપના વિકાસ અને ગુડ ગવર્નેન્સના ઍજન્ડા સાથે ઊભું છે. હું ગુજરાતના લોકોને ભાજપ માટે તેમના અટલ વિશ્વાસ અને પ્રેમ માટે નમન કરું છું."
 
અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું
 
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે ત્યારે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યું હતું.
 
કૉંગ્રેસના કયાકયા મોટા નેતાઓ એમનાં 'ઘર'માં જ કૉંગ્રેસને ન જિતાડી શક્યા?
 
અમિત ચાવડાથી પરેશ ધાનાણી, દિગ્ગજ નેતાઓના વિસ્તારમાં કૉંગ્રેસની હાર સ્થાનિકસ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય થઈ રહ્યો છે અને કૉંગ્રેસનો પરાજય થઈ રહ્યો છે.
 
કૉંગ્રેસના પરાજયમાં મોટા મોટા નેતાઓની પણ હાર થઈ છે. કૉંગ્રેસ ગુજરાત પ્રમુખ અમિત ચાવડાથી લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સુધીના અનેક દિગ્ગજોના પોતાના મતવિસ્તારમાં કૉંગ્રેસનો પરાજય થયો છે.
 
કૉંગ્રેસ ક્યાં ચૂકી?
 
પરંપરાગત રીતે શહેરી વિસ્તારમાં ભાજપ તો ગ્રામ્ય વિસ્તારને કૉંગ્રેસનો ગઢ માનવામાં આવતો પરંતુ જે રીતે ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાથી લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓના વિસ્તારમાં કૉંગ્રેસની હાર પરાજય થઈ રહ્યો છે તેનાથી સ્પષ્ટ છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ કૉંગ્રેસનો આધાર ખસકવા લાગ્યો છે.
 
રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યે  કહ્યું, ગ્રામ્ય વિસ્તારોમાં કૉંગ્રેસનો આ હાલ દેખાડે છે કે ગુજરાતમાં કૉંગ્રેસ ખતમ થઈ ગઈ છે. 2015 માં ભાજપને સૌરાષ્ટ્રની 56માંથી 30 વિધાનસભાની બેઠકો મળી હતી. અને મોટાભાગની જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓ જેમાં રાજકોટ જિલ્લા પંચાયત પણ સામેલ છે તે કૉંગ્રેસ પાસે હતી. કૉંગ્રેસને મળેલી એ સફળતા પાછળ ભાજપથી પાટીદારો અને ખેડૂતોની નારાજગીનો મોટો ભાગ હતો. એ સમયે ગ્રામ્ય વિસ્તારો કૉંગ્રેસની સાથે હતા.
 
2015 માં 31  જિલ્લા પંચાયતોમાંથી કોંગ્રેસને 24  અને ભાજપને માત્ર 7  જિલ્લા પંચાયતો હાથ લાગી હતી, 230  તાલુકા પંચાયતોમાંથી કોંગ્રેસને ફાળે 146  અને ભાજપે 74 આવી હતી, જ્યારે 81 નગરપાલિકાઓની બે તબક્કામાં થયેલી ચૂંટણીમાં 62 માં ભાજપની અને 16 માં કોંગ્રેસની બોડી બની હતી, પરંતુ એ પછી પાંચ વર્ષમાં ભાજપે કરેલી તોડફોડને અને પક્ષાન્તરને કારણે કોંગ્રેસનું એટલું બધું ધોવાણ થયું હતું કે, નવેમ્બર-2020માં ચૂંટણીઓ ટાંણે કોંગ્રેસ પાસે માત્ર 16  જિલ્લા પંચાયતો,   118 તાલુકા પંચાયતો અને માંડ 7  નગરપાલિકા રહી હતી.
 
2015માં મોરબી પાટીદાર આંદોલનમાં મહત્ત્વનું મથક હતું અને ત્યાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં કૉંગ્રેસને સફળતા મળી હતી. અમરેલી સહિત અન્ય જગ્યાએ પણ આવું જ થયું હતું. જ્યાંજ્યાં પાટીદારોનું પ્રભુત્વ હતું ત્યાં કૉંગ્રેસને સફળતા મળી હતી.2015 માં પાટીદાર આંદોલનનો પ્રભાવ હતો અને હાર્દિક પટેલની લોકપ્રિયતા પણ ચરમ પર હતી. કૉંગ્રેસને ત્યારે આનો ફાયદો મળ્યો હતો પરંતુ આ વખતે ખેડૂતો અને પાટીદારો ભાજપ સાથે છે.
 
પરેશ ધાનાણી વિપક્ષના નેતા છે પરંતુ પોતાના ગઢ અમરેલી જિલ્લા પંચાયતમાં પક્ષને જિતાડી ન શકે, અજુન મોઢવાડિયા પણ પોતાના શહેરમાં પાર્ટીને જિતાડી ન શકે તો સમજવું કે પાર્ટી પાસે ચૂંટણીની કોઈ રણનીતિ જ નથી. આ કૉંગ્રેસના પતનનાં કારણો છે અને હવે પરિસ્થિતિ એ છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ રહેશે કે નહીં એ સવાલ છે. કૉંગ્રેસનું જે હદે પતન થયું છે ત્યાંથી પાછાં ઊભા થવું બહુ મશ્કેલ છે."
 
હાર્દિક પટેલ પણ મહાનગરપાલિકા ચૂંટણી પછી પોતાની નારાજગી જાહેર કરતાં કહ્યું હતું કે કૉંગ્રેસના નેતાઓ જ પાર્ટીને ડુબાડી દેવા માટે જવાબદાર છે.
 
હાર્દિક પટેલ જેવા નવા નેતાઓને અન્ય નેતાઓનો સાથ નહીં મળ્યો હોય. પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પાર્ટી તરફ એ રીતે સમર્પિત નથી દેખાતા કે તેઓ નવા નેતાને ટેકો આપીને પાર્ટીને મજબૂત બનાવે. કૉંગ્રેસનો આંતરિક વિખવાદ તેને અસફળ બનાવે છે.