1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 જૂન 2020 (07:21 IST)

કોરોનાની દવાની જાહેરાત પર સરકારની રોક, રામદેવ બોલ્યા અમારી પાસે તમામ દાવાના જવાબ

પતંજલિએ મંગળવારે દાવો કર્યો હતો કે તેણે કોરોનાથી છૂટકારો મેળવવા માટે એક દવા શોધી કાઢી હતી. તો બીજી બાજુ આયુષ મંત્રાલયે મીડિયા સમાચારના આધારે આ બાબતને ધ્યાનમાં લીધી છે. મંત્રાલયનું કહેવું છે કે કંપની દ્વારા કરવામાં આવેલા દાવાઓના તથ્ય અને વૈજ્ઞાનિક અભ્યાસ અંગે મંત્રાલય પાસે કોઈ માહિતી પહોંચી શકી નથી. આ અંગે પંતજલિના યોગ શિક્ષક રામદેવે કહ્યું કે અમે મંજૂરીની સાથે જ ક્લિનિકલ ટ્રાયલ કરી છે.
 
આયુષ મંત્રાલયે બાબા રામદેવની કંપનીએ કરેલી જાહેરાત સામે સવાલો ઊભા કર્યા છે અને કહ્યું છે કે પતંજલિ આર્યુવેદ લિમિડેટ જાહેરાત ન કરે. સમાચાર સંસ્થા એએનઆઈએ આ સમાચાર આપ્યા છે. આયુષ મંત્રાલયે કંપનીને દવાનું કંપોઝિશન, સંશોધન પદ્ધતિ, કઈ હૉસ્પિટલમાં પરીક્ષણ કરવામાં આવ્યું, કેવી રીતે કરવામાં આવ્યું સૅમ્પલ સાઇઝ વગેરે સહિત તમામ વિગતો રજૂ કરવાનો આદેશ કર્યો છે.
 
આયુષ મંત્રાલયે કહ્યું કે જ્યાં સુધી યોગ્ય પ્રક્રિયા ન પતે ત્યાં સુધી જાહેરાત ન કરવી. મંત્રાલયે રાજ્ય સરકારને પણ પતંજલિની કથિત દવા અંગે લાઇસન્સ અને પરવાનગી વગેરે આપવા કહ્યું છે.
 
બાબા રામદેવની પતંજલિ કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાઇરસની દવા તૈયાર કરી લીધી છે. મંગળવારે બાબા રામદેવે પત્રકારપરિષદનું આયોજન કરીને કહ્યું કે 'દુનિયા જેની રાહ જોઈ રહી હતી કે કોરોના વાઇરસની દવા મળી આવી, આજે અમને ગર્વ છે કે કોરોના વાઇરસની પ્રથમ આયુર્વેદિક દવા અમે તૈયાર કરી લીધી છે.'  રામદેવે કહ્યું કે અમારે જાહેરાત કરવાની જરૂર નથી. હાલ લાખો લોકો આ દવા માટે પૂછે છે. અમારે જાહેરાત કરવાનો ઇરાદો નથી. અમે ક્લિનિકલ નિયંત્રણના પરિણામો જાહેર કર્યા. અમે નાઇમ્સના ડોકટરોને પણ પૂછ્યું છે. બધે પ્રકાશિત. અમારી પાસે 280 દર્દીઓનો ડેટા છે.
 
બાબા રામદેવનું કહેવું છે કે જે દવા તૈયાર કરવામાં આવી છે તેનું નામ કોરોનિલ રાખવામાં આવ્યું છે.
 
બાબા રામદેવે આ પત્રકારપરિષદમાં દાવો કર્યો હતો કે આ કોરોનિલ દવાનો સો લોકો પર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ દિવસની અંદર 65 ટકા લોકોનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવી ગયો હતો. તેમજ સાત દિવસમાં સો ટકા લોકો સાજા થઈ ગયા. તેમણે દાવો કર્યો કે પતંજલિએ સંપૂર્ણ રિસર્ચ બાદ આ દવા તૈયાર કરી છે અને તેમની દવાનો સો ટકા રિકવરી રેટ છે.
 
ઉપરાંત રામદેવે કહ્યું કે "લોકો ભલે હાલ અમારા આ દાવા પર સવાલ કરે પરંતુ અમારી પાસે તમામ દાવાના જવાબ છે. આ દવા તૈયાર કરવામાં વૈજ્ઞાનિક નિયમોનું પાલન કરવામાં આવ્યું છે."
 
તેમના દાવા પ્રમાણે આ દવા બનાવવામાં માત્ર દેશી સામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આવનારા સાત દિવસોમાં પતંજલિના સ્ટોર પર આ દવા ઉપલબ્ધ થઈ જશે. ઉપરાંત એક ઍપ પણ લૉન્ચ કરવામાં આવશે, તેની મદદથી આ દવા ઘર પર પહોંચાડી શકાશે.
 
જોકે, આ મામલે આઈસીએમઆર કે ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ માત્ર પતંજલિ કંપનીનો દાવો છે. તેને સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવ્યો નથી.
 
વિશ્વમાં અનેક જગ્યાએ કોરોના વાઇરસની રસી શોધવાનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. બ્રિટનમાં તો કોરોના વાઇરસની રસીનું માનવપરીક્ષણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે, હજી સુધી કોરોના માટેની કોઈ દવા કે રસી શોધાઈ શકી નથી. ઘણા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોનાની રસી બજાર સુધી આવતા લગભગ એક વર્ષ જેટલો સમય લાગી જશે.
 
બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કર્યો હતો પ્રથમ 'લાઇફ સેવિંગ' દવાનો દાવો
 
હાલમાં જ બ્રિટનના નિષ્ણાતોએ દાવો કર્યો છે કે દુનિયાભરમાં ખૂબ જ સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ દવા ડૅક્સામૅથાસન કોરોના વાઇરસથી સંક્રમિત અને ગંભીર રૂપથી બીમાર દર્દીઓનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે. શોધકર્તાઓનું અનુમાન છે કે જો આ દવાનો ઉપયોગ બ્રિટનમાં સંક્રમણના શરૂઆતના તબક્કામાં જ કરવામાં આવ્યો હોત તો લગભગ 5000 લોકોના જીવ બચાવી શકાયા હોત.