ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું બિપરજોય
Written By
Last Updated : મંગળવાર, 13 જૂન 2023 (18:58 IST)

Cyclone Biparjoy Live Updates : દ્વારકાના દરિયાકાંઠાથી 200 કિમી દૂર, કયા જિલ્લામાં કેટલી ઝડપે પવન ફૂંકાશે?

biparjoy rain
biparjoy rain
બિપરજોય વાવાઝોડું અત્યંત પ્રચંડ ચક્રવાતમાં ફેરવાઈ ચૂક્યું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગે ઑરૅન્જ ઍલર્ટ જાહેર કરતા જણાવ્યું છે કે આ વાવાઝોડું માંડવી અને કરાચીની વચ્ચે ગુજરાતના જખૌ બંદર પર ત્રાટકશે. હવામાન વિભાગના છેલ્લા બુલેટિન અનુસાર 12 જૂને બિપરજોય છેલ્લા 6 કલાકમાં 7 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.

 
આ વાવાઝોડું પોરબંદરથી 240 કિલોમિટર, દેવભૂમિ દ્વારકાથી 200 કિલોમિટર, જખૌ બંદરથી 230 કિલોમિટર અને નલિયાથી 250 કિલોમિટર અને પાકિસ્તાનના કરાચી બંદરથી 370 કિલોમિટર દૂર છે. 14 જૂન સુધી આ વાવાઝોડું ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને 15મી જૂને બપોર સુધીમાં 150 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપ ધરાવતા પવનો સાથે જમીન પર 125થી 135 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપ સાથે ટકરાશે.

 
બિપરજોય વાવાઝોડાને લઈને ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ અને ભારે પવનની પણ ચેતવણી અપાઈ છે. હવામાન વિભાગ અનુસાર, 12 જૂનથી 16 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, તારીખ 12 જૂને ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં અલગઅલગ જગ્યાએ તથા સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના જિલ્લામાં અને દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.


 
તો 12 અને 13 જૂને પોરબંદર, જૂનાગઢ, અમેરલી, દ્વારકા, ગીરસોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ લખાઈ રહ્યું છે એ સમયે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે. પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. 14 જૂને કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો 15 જૂને કચ્છ, જામનગર, દ્વારકામાં અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
15 જૂને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદ આવવાની સંભાવના છે. તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 'બિપરજોય'ની વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે તીવ્ર અસરો અનુભવાઈ શકે છે.
 
આગામી પાંચ દિવસોની આગાહી પ્રમાણે લગભગ સમગ્ર ગુજરાતમાં આ સ્થિતિને કારણે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવો તેમજ અંતિમ દિવસોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. આગામી સમયમાં વાવાઝોડાની તીવ્રતા વધવાની સાથે કાંઠા વિસ્તારોમાં ઝડપી પવનોનો અનુભવ પણ થશે.

 
ભારે પવન ક્યાં ક્યાં ફૂંકાશે?
 
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારે આવેલા દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લા તથા કચ્છના અખાતમાં ભારે પવનોની ચેતવણી આપી છે. 12 જૂને પવનની ગતિ 40-50 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં 45-55થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે.
 
તો 13-14 જૂને કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં પવનની ગતિ 50-60થી 70 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. 15-16 જૂને 60-80 કિમી પ્રતિ કલાકે જૂનાગઢમાં અને ગીર સોમનાથમાં પવનની ગતિ રહી શકે છે, જ્યારે રાજકોટ અને પોરબંદરમાં 80-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો મોરબી ઉપર 100થી120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. સૌથી વધુ ખતરો 15-16 જૂને દ્વારકા, જામનગર અને કચ્છ પર રહે તેવી સંભાવના છે, જ્યાં પવન ફૂંકાવાની ગતિ 125થી 135 કિલોમિટર પ્રતિ કલાકની રહે તેવી સંભાવના છે.
 
આ પછી 16 જૂને પવનની ગતિ ધીમી પડે એવી ધારણા છે. આ સિવાય રાજ્યમાં ઘણાં સ્થળોએ આગામી ચાર-પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ચારથી છ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો અનુભવાઈ શકે છે. આ વાવાઝોડું 14 જૂન સવારે વધુ ઉત્તર તરફ વધીને 15 જૂન, 2023ની બપોર સુધીમાં એક અતિ ગંભીર ચક્રવાતી તોફાનના કેન્દ્રબિંદુમાં 150 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપના પવન સાથે પરિવર્તિત થશે.
 
અરબ સાગરમાં છેલ્લા કેટલાક દિવસથી 'ચક્રવાતીય ગતિવિધિ' જોવા મળી રહી છે. ધીરે ધીરે શક્તિશાળી થઈ રહેલું બિપરજોય વાવાઝોડું આવનારા દિવસોમાં ગુજરાતના તટ પાસે ખૂબ નજીક આવી જશે. આ સમયગાળા દરમિયાન કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લાઓમાં દરિયામાં તોફાની મોજાં ઊછળવાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર લગભગ બે મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળશે અને લૅન્ડફૉલના સમયે આ જિલ્લાઓમાં દરિયાકિનારે આવેલાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે.
 
હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર ઘણાં મૉડલો બિપરજોય વાવાઝોડું શરૂઆતમાં ઉત્તર દિશા તરફ આગળ વધશે અને તે બાદ ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં પાકિસ્તાન-સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા તરફ આગળ વધશે. વાવાઝોડાને કારણે સર્જાયેલી સ્થિતિને જોતાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કાંઠા વિસ્તારોમાં માછીમારો માટે સલાહ જાહેર કરી છે.
 
જે મુજબ માછીમારોને આગામી 13 તારીખ સુધી મધ્ય અરબ સાગર અને 15 તારીખ સુધી ઉત્તર અરબ સાગરનું ખેડાણ ન કરવાનું જણાવાયું છે.
બિપરજોય વાવાઝોડા અંગે મહાપાત્રે ગુજરાત પર તેની અસર અંગે વાત કરતાં કહ્યું હતું કે રાજ્યના કાંઠા વિસ્તારોમાં આગામી દિવસોમાં પવનની વધુ ગતિનો અનુભવ થશે.
 
હાલ વાવાઝોડું ક્યાં છે?
ભારતીય હવામાનવિભાગની વેબસાઇટ અનુસાર ગુજરાતનાં તમામ બંદરો માટે 'વૉર્નિંગ' અપાઈ છે. ઉપરાંત વાવાઝોડાની ગતિની દિશાને જોતાં પાકિસ્તાનમાં પણ સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યાં છે. ડૉન ડોટ કૉમના એક અહેવાલ અનુસાર ત્યાંની સરકારે શુક્રવારે સિંધ અને બલૂચિસ્તાનનાં તંત્રને 'વેરી સિવિયર સાયક્લૉનિક સ્ટોર્મ' બિપરજોયની દિશાને જોતાં ઍલર્ટ રહેવા જણાવ્યું છે.  વાવાઝોડું પાકિસ્તાનના કાંઠા વિસ્તાર તરફ આગળ વધી રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. પાકિસ્તાનના હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલ માર્ગદર્શિકા પ્રમાણે પાછલા 12 કલાકમાં બિપરજોય વાવાઝોડાએ દિશા બદલી છે અને તે ધીમી ગતિએ ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે.