ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By

પદ્મ પુરસ્કાર 2024: કયા ગુજરાતીઓની થઈ પસંદગી? તેમનું વિશેષ પ્રદાન શું છે?

Padma Award 2024
Padma Award 2024
વર્ષ 2024 માટે રાષ્ટ્રપતિએ 132 પદ્મ પુરસ્કારો પ્રદાન કરવાની મંજૂરી આપી છે. આ યાદીમાં પાંચ પદ્મવિભૂષણ, 17 પદ્મભૂષણ અને 110 પદ્મશ્રી પુરસ્કૃતોનો સમાવેશ થાય છે. પુરસ્કાર મેળવનારાઓમાં 30 મહિલાઓનો સમાવેશ થયો છે.
 
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુ તથા ફિલ્મસ્ટાર ચિરંજીવીને પદ્મ વિભૂષણ પુરસ્કાર મળશે.
 
ફિલ્મસ્ટાર અને હવે રાજકારણી એવા મિથુન ચક્રવર્તી અને ગાયક ઉષા ઉથુપને પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
 
ગુજરાતના ડૉ. તેજસ પટેલને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને પહેલાં પદ્મશ્રી પણ મળી ચૂક્યો છે.
 
આ સિવાય ગુજરાતના સાહિત્યકાર રઘુવીર ચૌધરીને સાહિત્ય અને શિક્ષણ માટે, ડૉ.યઝદી માણેકશા ઈટાલિયાને સ્વાસ્થ્ય માટે, હરીશ નાયકને બાળસાહિત્યમાં પ્રદાન માટે મરણોપરાંત, હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીને કલાક્ષેત્રે, ડૉ. દયાળ પરમારને સ્વાસ્થ્ય ક્ષેત્રે કરેલા પ્રદાન માટે પદ્મશ્રી સન્માન આપવામાં આવ્યું છે.
 
ગુજરાતી મૂળના અને મહારાષ્ટ્ર સ્થિત પત્રકારત્વ-સાહિત્ય-શિક્ષણ ક્ષેત્રે કાર્યરત એવા કુન્દન વ્યાસને પદ્મભૂષણ સન્માન મળ્યું છે.
 
ડૉ. તેજસ પટેલ - પદ્મભૂષણ
 
જાણીતા કાર્ડિયૉલોજિસ્ટ અને અમદાવાદ સ્થિત ડૉ. તેજસ પટેલ આ વર્ષે ગુજરાતમાંથી પદ્મભૂષણ સન્માન મેળવનાર એકમાત્ર વ્યક્તિ છે. તેમને વર્ષ 2015માં પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
 
60 વર્ષીય ડૉ. તેજસ પટેલ અમદાવાદમાં તેમનું એપેક્ષ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે.
 
તેઓ ‘ટ્રાન્સરેડિયલ ઍન્જિયોપ્લાસ્ટિના જનક’ ગણાય છે. આ સિવાય તેમને ટ્રાન્સરેશનલ ઇન્ટરવેન્શન્સ, કાર્ડિયોલૉજી, એન્જિયોપ્લાસ્ટિના નિષ્ણાત ડૉક્ટર ગણવામાં આવે છે.
 
5 ડિસેમ્બર, 2018ના રોજ ડૉ. તેજસ પટેલ, ડૉ. સંજય શાહ અને તેમની ટીમે વિશ્વની સૌથી પહેલી ઇન-મેન-ટેલિરોબોટિક સર્જરી કરીને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજીના ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો હતો. તેમણે ગાંધીનગરના અક્ષરધામથી 32 કિલોમિટર દૂર રહેલા દર્દીની સર્જરી કરી હતી.
 
તેમની હૉસ્પિટલે આપેલી માહિતી અનુસાર તેમને 1 લાખથી વધુ કૅથલેબ ઑપરેશનોનો અનુભવ છે જે ભારતમાં એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી સૌથી વધુ પ્રક્રિયાઓનો રેકૉર્ડ ધરાવે છે.
 
તેઓ એવો દાવો કરે છે કે તેમની ચોક્સાઈભરી અને સુરક્ષિત સ્વાસ્થ્ય પ્રણાલીથી તેમણે આ પ્રકારના ઑપરેશનોમાં થતાં મૃત્યુદર ઘટાડ્યા છે અને દર્દીઓને હૉસ્પિટલમાં રહેવાનો સમય પણ 3થી 5 દિવસથી ઘટાડીને 24-36 કલાક કરી દીધો છે.
 
વૈશ્વિક સ્તરે તેમના નામે અનેક રિસર્ચ પેપર, લેખો અને પુસ્તકો છે. તેમની ગણના ભારતના જ નહીં પરંતુ વિશ્વના ટોચના કાર્ડિયોલૉજિસ્ટમાં થાય છે.
 
તેમને ભારતમાં મેડિસિન ક્ષેત્રનો સર્વોચ્ચ ડૉ.બી.સી. રૉય પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.
 
રઘુવીર ચૌધરી – પદ્મશ્રી
 
જાણીતા નવલકથાકાર, કવિ અને વિવેચક રઘુવીર ચૌધરીને પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત થઈ છે.
 
તેમની ઉંમર 86 વર્ષની છે. તેમને આ પહેલાં જ્ઞાનપીઠ ઍવૉર્ડ પણ મળી ચૂક્યા છે. તેમને વર્ષ 1977માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
 
તેમણે શિક્ષણ ગુજરાત યુનિવર્સિટીમાંથી લીધું હતું. ત્યારબાદ તેઓ ગુજરાત યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા. તેમણે ગુજરાતી-હિન્દી ધાતુકોશ વિષય પર પી.એચ.ડી કર્યું હતું.
 
રઘુવીર ચૌધરીએ બે વર્ષથી વધુ સમય સુધી પ્રૅસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના સભ્ય તરીકે પણ સેવા આપી હતી.
 
ગુજરાતી સાહિત્યમાં તેમના માતબર પ્રદાન સિવાય તેમણે હિન્દીમાં પણ ઘણું લખ્યું છે.
 
ગુજરાતી વિશ્વકોશ અનુસાર તેમની મહત્ત્વની કૃતિઓમાં ‘અમૃતા’, ‘તેડાગર’, ‘બાકી જિંદગી’, ‘લાગણી’ જેવી વ્યક્તિકેન્દ્રી લઘુનવલોથી માંડીને ‘પૂર્વરાગ’, ‘પરસ્પર’ ને ‘પ્રેમઅંશ’ જેવા કથાત્રયી અને ‘ઉપરવાસ’, ‘સહવાસ’ ને ‘અંતરવાસ’ કથાત્રયી જેવી સમાજને લક્ષતી મહાકથાઓનો સમાવેશ થાય છે.
 
તે સિવાય ‘રુદ્રમહાલય’ જેવી ઐતિહાસિક અને ‘ગોકુળ’, ‘મથુરા’, ‘દ્વારકા’ જેવી પૌરાણિક કથાવસ્તુ પર આધારિત નવલકથાઓ તથા ‘વેણુવત્સલા’ જેવી તથ્યમૂલક અને ‘શ્યામસુહાગી’ જેવી સમકાલીન ઇતિહાસમૂલક નવલકથાનો પણ સમાવેશ થાય છે.
 
તેમણે ‘એક રૂપકથા’, ‘એક ડગ આગળ, બે ડગ પાછળ’ જેવી નવલકથાઓનું સર્જન કર્યું છે.
 
તેમના ‘આકસ્મિક સ્પર્શ’, ‘ગેરસમજ’, ‘નંદી ઘર’ જેવા વાર્તાસંગ્રહો અને ‘પાદરનાં પંખી’, ‘બચાવનામું’ જેવા કાવ્યસંગ્રહો પણ છે.
 
આ સિવાય તેમનું ચરિત્ર, નિબંધ, વિવેચન અને સંપાદનક્ષેત્રે પણ વ્યાપક પ્રદાન છે.
 
ડૉ. યઝદી માણેકશા ઈટાલિયા - પદ્મશ્રી
 
 
વ્યવસાયે માઇક્રોબાયોલૉજિસ્ટ એવા ડૉ. યઝદી માણેકશા ઈટાલિયાને ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયાની સારવાર માટે જીવન સમર્પિત કરી દેવા માટે પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત થઈ છે.
 
તેમણે ભારતના પહેલા ‘સિકલ સેલ એનીમિયા કન્ટ્રોલ પ્રોગ્રામ’ ની શરૂઆત કરી હતી જે ગુજરાત સરકાર દ્વારા લૉન્ચ કરવામાં આવ્યો હતો.
 
ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય અને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 2047 સુધીમાં દેશમાંથી સિકલ સેલ એનિમિયાની નાબૂદીનું લક્ષ્યાંક રાખ્યું છે. આ માટે સરકારે કાઉન્સેલિંગ માટે નિયુક્ત કરેલા 21 લોકોમાં તેમનો સમાવેશ થાય છે.
 
72 વર્ષીય ડૉ. યઝદીએ અત્યાર સુધીમાં 95 લાખ આદિવાસી લોકોનું સ્ક્રીનિંગ કરીને સિકલ સેલ એનિમિયાના 7.2 લાખ કેસો શોધ્યા છે.
 
આ સિવાય નવાં જન્મેલાં 2 લાખ આદિવાસી બાળકોનું ‘હીલ પ્રિક બ્લડ સેમ્પલ’ ની પ્રણાલી વડે તેમણે સ્ક્રીનિંગ કરીને તેમણે આ બીમારીને અટકાવવામાં મોટો ફાળો આપ્યો છે.
 
સિકલ સેલ એનિમિયાની સારવાર માટે કલર-કોડેડ કાર્ડની પ્રણાલી વિકસાવાનો પ્રયાસ પણ તેમના નામે જાય છે.
 
સમાચાર ઍજન્સી એએનઆઈ સાથે વાત કરતાં ડૉ. યઝદી માણેકશા ઈટાલિયાએ કહ્યું હતું કે, "આ એવોર્ડ મારા નામે છે પરંતુ એ મારી સમગ્ર ટીમને મળ્યો છે. મેં જે પણ કામ કર્યું છે તે વલસાડ બ્લડ ડોનેશનની ટીમ સાથે મળીને કર્યું છે. ત્યાંના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓએ મને ખૂબ સાથ-સહકાર આપ્યો છે."
 
ડૉ. જગદીશ ત્રિવેદી- પદ્મશ્રી
 
 
ગુજરાતના પ્રખ્યાત હાસ્યકલાકાર તથા હાલમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ડૉ.જગદીશ ત્રિવેદીને કળાના ક્ષેત્રમાં કરેલા પ્રદાન માટે પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
 
તેઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામના વતની છે. દેશ-વિદેશમાં તેમના અનેક પ્રોગ્રામોનું આયોજન થાય છે. તેઓ ડાયરા અને હાસ્યના કલાકાર તરીકે વધુ પ્રચલિત છે.
 
ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર તેમણે 30થી વધુ દેશોમાં 3000થી વધુ કાર્યક્રમો કર્યા છે.
 
જગદીશ ત્રિવેદીને તેમના હાસ્ય-સર્જન માટે ગુજરાતી સાહિત્ય પરિષદના 'જ્યોતિન્દ્ર દવે' પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે.
 
તેમણે ત્રણ વ્યક્તિઓ - હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ, દેવશંકર મહેતા અને રામકથાકાર મોરારિબાપુ મહાશોધનિબંધ લખીને પીએચડીની ત્રણ ડિગ્રી મેળવી છે. જગદીશ ત્રિવેદીએ હરીવંશરાય બચ્ચનની દીર્ઘ કાવ્યરચના 'મધુશાલા'નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.
 
જે જગદીશ ત્રિવેદી તેમના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં બે વખત નાપાસ થયા હતા. તેમનો લખેલો એક લેખ હવે મહારાષ્ટ્ર રાજ્યના નવમા ધોરણના ગુજરાતી વિષયમાં પાઠ તરીકે ભણાવાતો હતો. આ લેખનું શીર્ષક છે 'ચોરને માલુમ થાય કે'.
 
આ જ રીતે ગુજરાત રાજ્યના શાળાકીય અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં તેમનો લખેલો લેખ 'ફાટેલી નોટ' એક પાઠ સ્વરૂપે છેલ્લાં ઘણાં વર્ષોથી ભણાવવામાં આવતો હતો.
 
ડૉ. દયાળ માવજીભાઈ પરમાર – પદ્મશ્રી
 
મોરબી સ્થિત આયુર્વેદિક ડૉ. દયાળ માવજીભાઈ પરમારને સ્વાસ્થ્ય ક્ષેત્રે કરેલા પ્રદાનને ધ્યાનમાં રાખીને પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત થઈ છે. તબીબીક્ષેત્રે તેઓ છેલ્લાં 60 વર્ષથી કાર્યરત છે.
 
88 વર્ષીય ડૉ. દયાળ પરમારે 50થી વધુ પુસ્તકો લખ્યાં છે અને તેઓ અનેક દર્દીઓની મફતમાં સારવાર કરે છે. તેમણે લગભગ 20 વર્ષ સુધી ટંકારા આયુર્વેદિક ક્લિનિકમાં મફત સેવા આપી હતી.
 
ટંકારાના વતની ડૉ.દયાળે ચાર વેદોના તમામ મંત્રો(20 હજારથી વધુ મંત્રો)નો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો છે. તેઓ સંસ્કૃત ભાષાના શિક્ષક અને લેખક છે. તેઓ છેલ્લે જામનગરની આયુર્વેદિક કૉલેજમાં સેવા આપી વયનિવૃત્ત થયા હતા.
 
તેમણે લખેલા અન્ય પુસ્તકોમાં ‘ચરકસંહિતા’, ‘સુશ્રુતસંહિતા’, ‘માધવનિદાન’, ‘કાયચિકિત્સા’, ‘શલ્યવિજ્ઞાન’ નો સમાવેશ થાય છે.
 
હરીશ નાયક – પદ્મશ્રી
 
 
બાળસાહિત્યમાં કરેલા પ્રદાનને કારણે પ્રસિદ્ધ સાહિત્યકાર હરીશ નાયકને મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત થઈ છે.
 
તેમનું ઑક્ટોબર, 2023માં 97 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે 2000થી વધુ વાર્તાઓ અને 500 પુસ્તકો લખ્યાં છે.
 
તેઓ ‘ગુજરાત સમાચાર’ની બાળકો માટેની વિશેષ પૂર્તિ ‘ઝગમગ’ના તંત્રી હતા અને દાયકાઓથી તેમાં બાળવાર્તાઓ લખતા હતા. ‘મધપૂડો’ શીર્ષકથી તેમની બાળવાર્તાઓ ઝગમગમાં આવતી હતી.
 
તેઓ ગુજરાતી સિવાય હિન્દી, અંગ્રેજી અને મરાઠીમાં પણ બાળવાર્તાઓ લખતા હતા.
 
તેમની પ્રસિદ્ધ કૃતિઓમાં ‘કચ્ચુ-બચ્ચુ’, ‘બુદ્ધિ કોના બાપની’, ‘ટાઢનું ઝાડ’, ‘અવકાશી ઉલ્કાપાત’, ‘મહાસાગરની મહારાણી’ , ‘લોકલાડીલી લોક-કથાઓ’, ‘પાંદડે-પાંદડે વાર્તા’ અને ઝમક-ચમક કથાઓનો સમાવેશ થાય છે.
 
કુન્દન વ્યાસ – પદ્મભૂષણ
 
મહારાષ્ટ્ર સ્થિત વરિષ્ઠ પત્રકાર અને દાયકાઓથી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે સંકળાયેલા કુન્દન વ્યાસને પદ્મશ્રી સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
 
કુન્દન વ્યાસ 1934માં સ્થપાયેલા વર્તમાનપત્ર જન્મભૂમિના મુખ્ય સંપાદક તરીકે કાર્યરત છે.
 
તેઓ જન્મભૂમિ સમૂહના અનેક અખબારો ‘ફૂલછાબ’, ‘જન્મભૂમિ’, ‘કચ્છમિત્ર’ સાથે વર્ષોથી સંકળાયેલા છે અને તેના માટે અઢળક લેખો અને સાક્ષાત્કાર કરી ચૂક્યા છે.
 
તેમણે લખેલા પુસ્તકોમાં ‘દિલ્હી દરબાર: નહેરુથી નરેન્દ્ર મોદી સુધી’ – ભાગ 1 અને 2 તથા ‘એક પત્રકારની વ્યવસાયકથા’ નો સમાવેશ થાય છે.