મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 માર્ચ 2018 (12:31 IST)

ગુજરાતની તમામ શાળાઓમાં Gujarati ફરજીયાત વિષય બન્યો

ગુજરાત સરકારે બુધવારે મોટો નિર્ણય લઈને રાજ્યના તમામ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2018-19થી ધો.1 અને ધો.2માં ગુજરાતી વિષયના અભ્યાસને ફરજીયાત કરી દીધો છે. માતૃભાષા બચાવવા લેવામાં આવેલ આ નિર્ણય અંતર્ગત જુદા જુદા બોર્ડ GSHSEB, CBSE, ICSE અને બીજા પણ ઇન્ટરનેશનલ બોર્ડ તેમજ તમામ અંગ્રેજી શાળાઓનો પણ સમાવેશ થાય છે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, ‘આગામી જૂનથી શરુ થતા શૈક્ષણિક વર્ષ 2018-19થી રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાના શિક્ષણને ફરજીયાત બનાવાયું છે. ધો.1 અને ધો.2માં આ વિષયને ફરજીયાત કરાયો છે

જ્યાં વિદ્યાર્થીઓને ભાષાનું પ્રાથમિક જ્ઞાન અપાશે. ત્યારબાદ તબક્કાવાર ધો.3થી 8 સુધી ગુજરાતી ભાષાને ફરજીયાત બનાવવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે ‘આ પગલાથી ગુજરાતી ભાષાનું ગૌરવ વધારશે કેમ કે રાજ્યની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા શીખશે અને ગુજરાતીમાં વાત કરશે. રાજ્ય સરકારે આ પગલું દેશના અન્ય રાજ્યો કે જેમાં સ્થાનિક ભાષાના શિક્ષણને પ્રાથમિક શાળામાં ફરજીયાત બનાવાયું છે તેની પ્રેરણાથી લીધું છે. શિક્ષણ પ્રધાને વધુમાં કહ્યું કે, ‘આ નિર્ણયથી માતૃભાષા ગુજરાતીનું સ્તર પણ સુધરશે. તાજેતરમાં ધો.10માં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નપાસ થતા આ એક ચિંતાનો વિષય હતો.’ અહીં નોંધવું રહ્યું કે, પાછલા થોડા વર્ષોથી SSC બોર્ડની પરીક્ષામાં બેસતા સરેરાશ 10 લાખ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીના પ્રશ્નપત્રમાં નપાસ થતા હતા.

હાલ, રાજ્યમાં GSHSEB સાથે સંકળાયેલ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધો.5થી ગુજરાતીને એક વિષય તરીકે ભણાવવામાં આવે છે. જ્યારે CBSE સાથે જોડાયેલ શાળાઓમાં તો ધો. 5થી 10માં વૈકલ્પિક વિષય તરીકે અને ICSE શાળાઓમાં ધો. 6થી10માં વૈકલ્પિક વિષય તરીકે ભણાવાય છે. રાજ્યની સ્કૂલોએ સરકારના આ પગલાને આવકાર્યું છે. અમદાવાદના પ્રોગ્રેસિવ સ્કૂલ એસોસિએશનના પ્રેસિડેન્ટ એમ.પી. ચંદ્રને કહ્યું કે, ‘અમારું માનવું છે કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને ગુજરાતી લખતા, વાંચતા અને બોલતા આવડવું જ જોઈએ.