બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (14:41 IST)

કોંગી નેતાઓના મળતિયાઓને ટિકિટ આપવાનું ભારે પડ્યું, કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે

વર્ષ ૨૦૧૨ની સરખામણીમાં કોંગ્રેસે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સારૃ પ્રદર્શન કર્યું છે.કોંગ્રેસે પનો કેમ ટૂંકો પડયો તેના કારણો જાણવા મથામણ શરૃ કરી છે.મહેસાણામાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતના અધ્યક્ષસ્થાને ત્રણ દિવસીય આત્મમંથન શિબિર શરૃ છે જેમાં એવો સૂર ઉઠયો કે, મળતિયાઓને ટિકિટ અપાતા કોંગ્રેસને કેટલીય બેઠકો ગુમાવવાનો વારો આવ્યો છે. આત્મમંથન શિબિરના પ્રથમ દિવસે ગેહલોતે ૨૦ જીલ્લા પ્રભારી અને શહેરોના પ્રતિનિધીઓ સાથે વન ટુ વન મુલાકાત જાણીને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવ્યો હતો. હોદ્દેદારો-કાર્યકરોએ એક જ વાત કરી હતી કે, આયાતી ઉમેદવારોને ટિકિટ ફાળવી દેવાતા કાર્યકરોમાં નારાજગી ફેલાઇ હતી. જો સંનિષ્ઠ કાર્યકરોને ટિકિટ અપાઇ હોત તો,કદાચ પરિણામ જુદુ હોત. પ્રજાલક્ષી કામો કરનારાં,ભાજપ સામે લડત લડનારાં પાર્ટીના સક્ષમ કાર્યકરોની છેલ્લી ઘડીએ બાદબાકી કરાઇ હતી. આખરે પક્ષના નેતાઓની ભલામણ આધારે જ ટિકિટો વહેંચાઇ હતી.હાર માટે ઉમેદવારો-હોદ્દેદારોએ ઇવીએમ પર પણ આંગળી ચિંધી હતી. આ ઉપરાંત કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારોને કોરાણે મૂકાયા હોવાનો પણ સૂર ઉઠયો હતો. કેટલાકે પક્ષવિરોધી પ્રવૃતિને કારણે કોંગ્રેસને હાર ભોગવવી પડી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હારના કારણોમાં એવો પણ આક્ષેપ થયો કે, ટોચની નેતાગીરી માત્ર ધારાસભ્યની ચૂંટણી લડવામાં જ વ્યસ્ત થઇ હતી. રાહુલ ગાંધીએ ના પાડી હોવા છતાંયે ટિકિટ મેળવી ધારાસભ્ય બનવાની જાણે હોડ લાગી હતી. પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ ગ્રાઉન્ડ લેવલે પ્રચાર જ કર્યો નહીં,સક્ષમ બુથ મેનેજમેન્ટ જ કર્યુ નહીં.માત્ર રાહુલ ગાંધીના રોડ શો,જાહેરસભા આધારે કોંગ્રેસ જીતશે અને મુખ્યમંત્રીના સ્વપ્નોમાં રાચતા પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી જ ઉણી સાબિત થઇ હતી. હવે આ જ નેતાઓ હારની સમિક્ષા કરવા બેઠા છે. જોકે, બેઠકમાં પ્રભારીએ કોઇએ ઉમેદવાર પર આક્ષેપ કરવા નહીં તેવી સ્પષ્ટ સૂચના આપી હતી. આ ઉપરાંત ૨૦૧૯ની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આદેશ કર્યો હતો. મહેસાણના એક ખાનગી રિસોર્ટમાં હજુ બે દિવસ સુધી ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ મેરેથોન મંથન કરશે.