1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat Rain Alert

ગુજરાતમાં મેઘમહેર: આણંદ, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ; પૂરના પાણીમાં કાર તણાતાં એકનું મોત, 13 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

gujarat rain update
gujarat rain update
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થતાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે. સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 5.24 ઇંચ અને અમદાવાદના ધોળકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અન્ય 18 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે તેમજ સુરતમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે.

જૂનાગઢમાં પૂર અને ડેમમાં આવક

 
જૂનાગઢમાં સિઝનમાં પહેલીવાર કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને દામોદર કુંડમાં પણ પાણીની આવક નોંધાઈ છે. ઉપલા દાતાર પર્વત પર ભારે વરસાદ ખાબકતાં પર્વતની સીડીઓ પરથી નદીની જેમ ધસમસતા પાણી વહેવા લાગ્યા છે. વિલિંગ્ડન ડેમમાં પાણીની વિપુલ આવક શરૂ થતાં તે ઓવરફ્લો થવાની શક્યતા સેવાઈ રહી છે.
 

વડોદરા અને અમદાવાદમાં વરસાદી માહોલ

 
વડોદરામાં ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, તેમ છતાં લોકોમાં ગણેશ આગમનને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદમાં પણ અંધારપટ સાથે અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. બીજી તરફ, તાલાલા ગીરમાં ભારે વરસાદથી ખેડૂતોએ સૂકાતા પાકને લઈને હાશકારો અનુભવ્યો છે.
 

સુરેન્દ્રનગરમાં નાળામાં કાર તણાઈ

 
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં ભારે વરસાદ બાદ સોંથા-કંથારિયા ગામ વચ્ચેનો નાળો પાણીથી છલકાઈ ગયો હતો. પૂરના પ્રવાહમાં કાર તણાઈ જતાં ગ્લાસણા ગામની આ કારમાં સવાર ત્રણ પૈકી એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે બે વ્યક્તિઓને બચાવી લેવાયા છે. ફાયર ટીમે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો.
 

ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

 
પંચમહાલના ગોધરામાં ભારે વરસાદને કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. યોગેશ્વર સોસાયટી રોડ સહિતના મુખ્ય રસ્તાઓ અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકોની દૈનિક અવરજવર પર માઠી અસર પડી છે.
 

અમદાવાદમાં 45 દિવસ બાદ મેઘરાજાની પધરામણી

 
અમદાવાદ શહેરમાં લગભગ 45 દિવસ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે. સેટેલાઇટ, મેઘાણીનગર, મણિનગર, શાહીબાગ, પાલડી, આંબાવાડી, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, પ્રહલાદનગર અને શિવરંજની સહિત અનેક વિસ્તારોમાં સવારથી સતત વરસાદ પડી રહ્યો છે.
 

મહેસાણા અને બહુચરાજીમાં જળબંબાકાર

 
મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ 84 MM વરસાદ બહુચરાજીમાં ખાબક્યો છે. ભારે વરસાદથી બહુચરાજી-શંખલપુર અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. પૂરતી ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે દર વખતે વરસાદમાં આ મુશ્કેલી સર્જાતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી

 
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી હળવાથી ભારે વરસાદી માહોલ છે અને આગામી બે દિવસ પણ વરસાદી વાતાવરણ યથાવત રહેવાની શક્યતા છે. 14 સપ્ટેમ્બરે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત અને નવસારીમાં અતિભારે જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ અને અમદાવાદ સહિત 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.
 

ચાર સક્રિય વરસાદી સિસ્ટમ અને એલર્ટ

 
રાજ્યમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર તેજ બની છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ તથા અમદાવાદ, કચ્છ, રાજકોટ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
 

માછીમારો માટે ચેતવણી

 
15 સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતામાં આંશિક ઘટાડો થશે, છતાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં યલો એલર્ટ યથાવત્ રખાશે. હવામાન વિભાગના નિયામક એ. કે. દાસના જણાવ્યા મુજબ, દરિયાકાંઠે 60 થી 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
 
આગળનો લેખ
રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026, ભાજપાએ કોંગ્રેસને છોડી પાછળ, જુઓ Live પરિણામ