1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat Weather Today

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: બપોરે ૩૭ ડિગ્રી ગરમી તો રાત્રે ૧૬ ડિગ્રી ઠંડી, જાણો આગામી ૭ દિવસ કેવું રહેશે હવામાન

gujarat weather
gujarat weather
ગુજરાતમાં હાલ એક જ દિવસમાં બે ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં રાત્રે ઠંડા પવનોને કારણે શિયાળાનો અહેસાસ થાય છે અને બપોરે ગરમીનો પારો ઊંચો રહે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ૧૩ નવેમ્બરે પણ રાજ્યમાં આ જ પ્રકારનો સૂકો અને બેવડી ઋતુનો માહોલ જળવાઈ રહેશે. આગામી ૭ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદ કે માવઠાની કોઈ શક્યતા નથી.

આગામી સાત દિવસ તાપમાન સ્થિર રહેશે 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક અઠવાડિયા સુધી રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. રાત્રિનું તાપમાન નીચું રહેવાથી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાશે, જ્યારે બપોરના સમયે તાપમાન સામાન્ય અથવા તેનાથી વધુ રહેતા ગરમી યથાવત રહેશે.
 

બંગાળની ખાડીમાં લો પ્રેશર અને ડિપ્રેશનની શક્યતા 

દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના પ્રભાવ હેઠળ આજે ૧૩ નવેમ્બરે લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. આ સિસ્ટમ ૧૪ નવેમ્બરે વેલ માર્ક્ડ લો પ્રેશરમાં અને ૧૫ નવેમ્બર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈને વધુ તીવ્ર બની શકે છે.
 

અલ નીનો અને MJOની આબોહવા પર અસર 

કેન્દ્રીય હવામાન વિભાગ મુજબ નવેમ્બર અને ડિસેમ્બર ૨૦૨૬ દરમિયાન પેસિફિક મહાસાગર પર અત્યંત મજબૂત 'અલ નીનો'ની સ્થિતિ રહેવાની સંભાવના છે, જ્યારે હિંદ મહાસાગરમાં 'ન્યુટ્રલ IOD' યથાવત રહેશે. આ ઉપરાંત 'મેડન જુલિયન ઓસિલેશન' (MJO) સિસ્ટમ સક્રિય હોવાથી આગામી દિવસોમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

રાજ્યના શહેરોનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન

 
 ગઈકાલે ૩૭.૩ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે ભુજમાં ૩૬.૫, સુરતમાં ૩૬, વડોદરામાં ૩૫.૨ અને અમદાવાદમાં ૩૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો ૧૬.૮ ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું, જ્યારે નલિયામાં ૧૭, વડોદરામાં ૧૮.૪, રાજકોટમાં ૧૮.૭ અને અમદાવાદમાં ૨૦.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આગળનો લેખ
લાભ પાંચમ 2026 - વેપારમાં લાભની ઈચ્છા સાથે કરો લાભ પાંચમની પૂજા, જાણી લો લક્ષ્મી ગણેશ પૂજાની સંપૂર્ણ વિધિ