1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat weather forecast

રાજ્યમાં હવામાનનો નવો મિજાજ: આગામી દિવસોમાં વરસાદની અંબાલાલ પટેલની મોટી અગાહી

Gujarat weather forecast
Gujarat weather forecast
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય બાદ હવે વાતાવરણમાં ધીમે ધીમે પલટો આવી રહ્યો છે. રાજ્યમાં હાલ નૈઋત્યથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની કોઈ મોટી શક્યતા નથી અને ૧૨ ઓક્ટોબર સુધી મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ

હવામાન વિભાગના અહેવાલ મુજબ ૭ ઓક્ટોબરની સવાર સુધીમાં નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જોકે, રાજ્યના બાકીના તમામ વિસ્તારોમાં હવામાન કોરું રહ્યું છે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ૭ ઓક્ટોબરથી રાજ્યમાં ક્યાંય નોંધપાત્ર વરસાદની શક્યતા નથી અને આગામી સાત દિવસ દરમિયાન પણ વરસાદ માટે કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય થવાની સંભાવના નથી.
 

રાજકોટમાં સૌથી વધુ ૩૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નોંધાયો નથી. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહ્યું હતું, જ્યારે અન્ય વિસ્તારોમાં તાપમાન સામાન્યની આસપાસ જળવાઈ રહ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ ૩૭.૬ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું, જ્યારે અમરેલીમાં ૨૨.૨ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
 

ચોમાસાની વિદાય રેખા આગળ વધી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નૈઋત્યના ચોમાસાની વિદાયની રેખા હવે સુપૌલ, રાંચી, રાયપુર, બ્રહ્મપુરી, પરભણી, બારામતી અને હરનાઈમાંથી પસાર થઈ રહી છે. ચોમાસું દેશના અન્ય ભાગોમાંથી પણ પાછું ખેંચાઈ રહ્યું છે. આ ઉપરાંત મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરિક સ્તરે પશ્ચિમી પવનોમાં ટ્રફ સ્વરૂપે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવા છતાં, તેની કોઈ મોટી અસર ગુજરાતના હવામાન પર પડે તેવી શક્યતા નથી.

સવારે ઠંડક અને બપોરે ગરમીનો બેવડો અનુભવ

આગામી દિવસોમાં તાપમાનમાં મોટો ફેરફાર ન થવાના કારણે રાજ્યમાં હવામાનનો મિજાજ મોટાભાગે સ્થિર રહેશે. સવારે અને મોડી રાત્રે લોકોને ગુલાબી ઠંડક અને રાહતનો અનુભવ થશે, પરંતુ બપોરના સમયે સૂર્યપ્રકાશ અને ભેજના કારણે ગરમી તેમજ ઉકળાટ વધશે. વર્તમાન સ્થિતિને જોતાં આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતમાં વરસાદ કરતાં ગરમી અને શુષ્ક હવામાનનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે.
આગળનો લેખ
ભારતની GDP પર વર્લ્ડ બેંકનો વિશ્વાસ વધ્યો, FY27 ગ્રોથ અનુમાન 6.6% થી વધીને થયો 7.1%