વડોદરાના બાપોદમાં દારૂબંધીના ધજાગરા: એક્ટિવામાંથી 455 દારૂની બોટલ સાથે બે બુટલેગરો ઝડપાયા
liquor
ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં તેને પડકારતી ઘટનાઓ સતત સામે આવી રહી છે. વડોદરાના બાપોદ વિસ્તારમાં પોલીસે ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ભરેલું એક્ટિવા ઝડપી પાડ્યું હતું. એક્ટિવાની તપાસ દરમિયાન તેમાંથી એક પછી એક કુલ 455 દારૂની બોટલો મળી આવતાં સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
એક્ટિવામાં બનાવ્યા ચોરખાના: 'ટુ-વ્હીલર કે દારૂનું ગોડાઉન?'
બુટલેગરોએ દારૂની હેરાફેરી કરવા માટે એક્ટિવાના દરેક ખૂણે-ખૂણામાં એવી રીતે અનોખા ચોરખાના બનાવ્યા હતા કે વાહન જોઈને આ ટુ-વ્હીલર છે કે દારૂનું ગોડાઉન? તેવો સવાલ ઊભો થયો હતો. સીટની નીચે અને વાહનની બોડીમાં છુપાવેલી દારૂની બોટલો બહાર નીકળતાં પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી. તસ્કરોની આ અનોખી મોડસ ઓપરેન્ડી જોઈને બાપોદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
બાતમીના આધારે પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ
બાપોદ પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે બે એક્ટિવા પર વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, જેના આધારે તુરંત વોચ ગોઠવીને વાહનો અટકાવવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરનાર અલ્કેશ અરવિંદભાઈ રાઠવા અને સુનિલ પ્રતાપભાઈ રાઠવાની ધરપકડ કરી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. 91 હજારની કિંમતની ૪૫૫ બોટલ, બે મોપેડ અને બે મોબાઈલ સહિત કુલ રૂ. 1.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
